મુંબઈમાં યોગી આદિત્યનાથ: અક્ષય કુમાર – કૈલાશ ખેરને મળ્યા, રાજકીય ગરમી આવી

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાના પોતાના ડ્રીમ પ્રોજેકટને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. યોગી હાલ બે દિવસ માટે મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે યોગી સાથે મુલાકાત કરી હતી. તો જાણીતા ગાયક કૈલાશ ખેર પણ સીએમ યોગીને મળવા પહોંચતા જ બોલિવૂડમાં ગરમાવો આવી ગયો હતો.

હોટલ ટ્રાઈડેંટમાં ફિલ્મી સિતારાઓ એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગી સાથેની ફિલ્મી સિતારાઓની આ મુલાકાતને લઈને રાજકીય ગરમાઓ આવી ગયો છે. કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે કહ્યું હતું કે, ભાજપ ઉત્તર પ્રદેશ સરકારના નામે હવે બોલિવૂડનો એક ટૂકડો મુંબઈ બહાર લઈ જવાની પટકથા લખી રહી છે.

યોગી આદિત્યનાથ મુંબઈ સ્થિત બોમ્બે સ્ટોક એકચેંજમાં લખનૌ નગર નિમન બોન્ડને લઈને આયોજીત એક કાર્યક્રમમાં શામેલ થશે. આ કાર્યક્રમમાં શામેલ થવા જ યોગી આદિત્યનાથ ગઈ કાલે મંગળવારે મુંબઈ પહોંચ્યા હતાં. મંગળવારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે સીએમ યોગી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અક્ષયે યોગીને કહ્યું હ્રતું કે, પ્રદેશમાં ફિલ્મ નિર્માણની અનેક સંભાવનાઓ છે. જેને ધ્યાનમાં રાખતા પ્રદેશ સરકાર ફિલ્મ નીતિ-૨૦૧૮ના માધ્યમથી ફિલ્મ નિર્માણ ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહી છે.

મુખ્યમંત્રીએ અક્ષય કુમાર સાથે મુલાકા દરમિયાન કહ્યું હતું કે, રાજયમાં ફિલ્મનું શૂટિંગ થવાથી સ્થાનિક લોકોને રોજગાર અને પ્રદેશના કલાકારોને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળે છે. પ્રદેશમાં ફિલ્મ શૂટિંગ કરનારા નિર્માતાઓને શકય તેટલો સહયોગ અને સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાની કળાનો સદુપયોગ કરતા ટોઈલેટ એક પ્રેમ કથા ફિલ્મના માધ્યમથી સમાજને પ્રેરક સંદેશ આપ્યો. આ પ્રકારની ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવવા મદદરૂપ સાબિત થાય છે. અક્ષયે પણ ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રદેશ સરકારના પ્રયાસોની ભારોભાર પ્રસંશા કરી હતી. રાજયમાં ફિલ્મ સિટીની સ્થાપનાના નિર્ણયને લઈને આનંદ વ્યકત કર્યો હતો. અક્ષયે એમ પણ કહ્યું હતું કે, આ અગાઉ પણ તેની ફિલ્મોનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં થઈ ચુકયું છે.

જાણિતા ગાયક કૈલાશ ખેરે પણ મુખ્યમંત્રી આદિત્યનાથ સાથે હોટલ ટ્રાઈડેંટ પહોંચ્યા હતાં. બંને વચ્ચે શું વાતચીત થઈ તેની જાણકારી ટ્વિટ મારફતે આપતા ખેરે કહ્યું હતું કે, ફરી એકવાર ચર્ચા થઈ કે સંગીત અની કળા સાહિત્યમાં નવિનતા લાવીને આપણી સંતતિને કઈ રીતે પ્રેરિત કરી શકાય. ભારત આધ્યાત્મનો ગઢ છે, એક મોટી સંપત્તિ. તેના પર નવા ફિલ્મ જગતની પરિકલ્પના કેન્દ્રીત થાય.

સીએમ યોગીએ ફિલ્મ સ્ટારો સાથે મુલાકાત કરતાની સાથે જ મહારાષ્ટ્રમાં ફિલ્મ સિટી મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ યોગી આદિત્યનાથને પડકાર ફેંકયો હતો કે, જો હિંમત હોય તો ફિલ્મ સિટીને મુંબઈથી ઉત્તર પ્રદેશ લઈ જઈને બતાવે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર લોક નિર્માણ મંત્રી અશોક ચવ્હાણે ટ્વિટ કરીને યોગી પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ મુંબઈમાં રહેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના રાજયમાં ફિલ્મ સિટી ઉભી કરવાની જાહેરાત કરી હતી. તેમણે તત્કાળ જ આ માટે વિશાળ જમીન અને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન પણ ફાળવી દીધી હતી.