શું લગ્ન બાદ સેક્સ કરવાથી તેઓના વજનમાં વધારો થયો હશે? સેક્સથી વજન વધે છે?

Blogs

ડૉ. મુકુલ ચોકસી

છેલ્લા એક વર્ષમાં મારા ત્રણ મિત્રોનાં લગ્ન થયાં. અમારી બધાની ઉંમર સરખી જ, લગભગ ચોવીસેકની આસપાસ હશે. મેં જોયું છે કે, લગ્ન પછી તેઓ બધાના વજનમાં સરેરાસ પાંચથી સાત કિલોનો વધારો થયો છે. આમ અમે સહુ પાતળા હતાં. તેઓ બધા હવે સમતોલ લાગે છે. તો શું લગ્ન બાદ સેક્સ કરવાથી તેઓના વજનમાં વધારો થયો હશે ? શું સેક્સથી વજન વધે છે?

 જી, ના. આપ માનો છો તેનાથી તદ્દન ઊંધી માન્યતા ધરાવનારાઓ ય અનેક છે. વધુ પડતા સેક્સથી પોતે કદાચ ચુક્કા, નબળા, પાતળા કે પૌરુષહીન થઈ જશે એ બીકે ઘણાં લોકો પોતાની સેક્સ પ્રવૃત્તિ ઉપર અકારણ અંકુશ રાખવાની કોશિશમાં રહેતા હોય છે. વાસ્તવમાં જાતીય પ્રક્રિયા શરીરની અન્ય ફિઝિયોલોજીકલ પ્રક્રિયા જેવી જ એક સાધારણ પ્રક્રિયા છે. એનાથી વજનમાં નથી તો ખાસ વધારા થતા અને તેથી તો એવા કંઈ મોટા ઘટાડા થતા! તેમ છતાં આપનું નિરીક્ષણ સાચું છે કે, કેટલાક છોકરાઓ લગ્ન પછીના ગાળામાં અવશ્ય તંદુરસ્ત અથવા જાડા થતાં લાગે છે.

જો આ ઘટનાને સેક્સ સાથે જરાયે સંબંધ હોય તો મારા મતે આ હોઈ શકે કે લગ્ન પૂર્વ ઘણાં બિનઅનુભવી છોકરાઓ પોતે સેક્સ ભોગવવા સક્ષમ હશે કે નહીં તેની ચિંતા કરતા રહેતા હોય છે. સતત માનસિક તાણ કે મનોસંઘર્ષની દશા અવશ્ય વજનમાં ઘટાડો નોતરી શકે. આવા યુવકો લગ્ન બાદ પોતાની વર્ષો જૂની મૂંઝવણ ઉકેલાઈ જવાથી સ્વસ્થ બને છે. જે તેમની શારીરિક તંદુરસ્તીમાં વધારો કરે છે. અલબત્ત, આ એક ધારણા છે.

કદાચ એવું ય બનતું હોય કે, લગ્ન બાદ જીવન થોડં બેઠાડુ બનતું હોય, રખડવાનું ઘટી જવાથી ખાવાપીવાનું નિયમિત થતું હોય, ઉંઘ આરામની ટેવ વધારે ચોકસાઈ ભરી થતી હોય, કાળજી લેનાર પત્ની મળે તો ખોરાકનું પ્રમાણ પણ વધતું હોય, આવા સેક્સ સિવાયનાં અન્ય કારણો પણ લગ્ન બાદના વધતા વજન માટે જવાબદાર હોઈ શકે.

અલબત્ત, એવાં ઘણા કિસ્સાઓ અમે જોયા છે, જેમાં હસ્તમૈથુન યા નિંદ્રાસ્ખલન યા ઘાત વગેરેથી અકારણ ગભરાતો છોકરો ચિંતાગ્રસ્ત હાલતમાં ફર્યા કરતો હોય. એવું માનતો હોય કે, તેના વીર્યસ્રાવને કારણે તે દુબળો પડી ગયો છે. હકીકતમાં તે તેની ખોટી ચિંતાને લીધે દુર્બળ બન્યો હોય છે. આ છોકરો લગ્ન બાદ માનો કે હૃષ્ટપુષ્ટ થાય તો સેક્સને લીધે નહીં બલકે સેક્સની ચિંતામાં થતા ઘટાડાને લીધે – એમ માનવું.

વજનના વધારા-ઘટાડા આ સિવાય પણ અનેક બાબતો પર આધાર રાખે છે. જેમ કે વારસાગત વલણો, જીવનના તબક્કાઓ ઉંમર વગેરે, આ બધાં પરિબળો ધ્યાનમાં રાખીને જ કોઈ પણ તારણ પર પહોંચી શકાય.

જો કે સેક્સ અને ભૂખમાં આમ ઘણી રીતે સામ્ય છે. વ્યવહારમાં વપરાતી ભાષામાં ઘણીવાર આપણે સેક્સને બદલે શરીરભૂખ જેવા શબ્દો પ્રયોજીએ છીએ. વાસ્તવમાં બન્ને ચીજો શરીરની ‘બાયોસોજીક રીધમ’નો એક ભાગ છે. જેનું નિયંત્રણ મગજની સુપરલોક ઊર્ફે ‘હાઇપોથેલેમ્સ’માંથી થાય છે. તમામ ગ્રંથિઓનું સંચાલન કરનાર હાઇપોથેલેમ્સ જો બગડે તો ભૂખ, સેક્સ તથા વજનમાં ઘણાં ફેરફારો જોવા મળે છે.