મારા ફિયાન્સ સાથે હું ફરવા તથા ફિલ્મ જોવા જાઉં છું ત્યારે મને હોઠે કેમ ચુંબન કરતા નથી?

Blogs

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

 

મારી ઉંમર વીસ વર્ષની છે. ત્રણ વર્ષથી મારા એંગેજમેન્ટ થયા છે. મારા ફિયાન્સ સાથે હું ફરવા તથા ફિલ્મ જોવા જાઉં છું. તે મને સ્પર્શ તથા આલિંગન કરે છે. અમે સેક્સ ભોગવતા નથી. મારી મૂંઝવણ એ છે કે, તે મને હોઠે ચુંબન કરતો નથી, સંકોચને કરણે હું પણ તેને તેમ કરી શકતી નથી. અથવા તેમ કરવા માટે આગ્રહ કરી શકતી નથી. હજુ લગ્નને તો ખાસ્સાં બે વર્ષની વાર છે. શું ત્યાં સુધી આમ જ રહેશે ? તે આવું કેમ કરતો હશે?

 

જેમ સ્ત્રીઓ સંકોચશીલ હોય છે તેમ કેટલાક પુરુષો પણ સંકોચશીલ હોય છે. ચુંબન એ પ્રણયની આગવી અને સાહજિક અભિવ્યક્તિ છે. પણ કામસંબંધોમાં કોને ‘મર્યાદાપૂર્ણ’ વ્યવહાર કહેવો અને કોને ‘મર્યાદા ઉલ્લંઘાયેલો’ વ્યવહાર કહેવો તે સ્પષ્ટ નથી. દરેકના મનમાં આ અંગે ચિત્રવિચિત્ર ખ્યાલો હોય છે. જેમ કે કેટલાંક એવું માને છે કે, ગુપ્તાંગોને સીધો સ્પર્શ ન કરવો, બાકી કંઈ પણ થઈ શકે. તો કેટલાંક માને છે કે, અનાવૃત્ત ન થવું. પહેરેલ કપડે ભલે ઉત્તેજિત થવાય. આપણું સેન્સર બોર્ડ એમ માને છે કે, હોઠથી હોઠ સાથેના સીધા ચુંબનનાં દૃશ્યો ઉત્તેજક કહેવાય પણ આજકાલ ફિલ્મોમાં આવતી ઢાંક પીછોડાવાળી અર્ધનગ્નતા ઉત્તેજક ન કહેવાય. જેઓ હજુ લગ્ન કરવાના બાકી પણ વિવાહ કે પ્રેમબંધનથી જોડાયેલા છે તેવાં યુગલોમાં આવી સમસ્યાઓ ઘણીવાર ઉદભવે છે. કેમ કે બંને જણા અલગ પરિવેશમાંથી ભિન્ન સંસ્કાર, વિચાર લઈને આવ્યા હોય છે. બેમાંથી એક જણ એમ માને કે, ચુંબન કે સમાગમ કે જનન સ્પર્શ કરવામાં ખોટું નથી અને બીજી વ્યક્તિ એમ માને કે, આવું ન કરવું જોઇએ. ત્યારે મુશ્કેલી ઉદ્ભવે છે.

પણ ખરું કારણ બેઉ વચ્ચેના કોમ્યુનિકેશનનો અભાવ હોય છે. તમે આ વિષયની ચર્ચા કેમ નથી કરતાં૟ તમારી લાગણી એમને સ્પષ્ટપણે જણાવો અને એ અંગે પૃચ્છા કરો એમાં કશું ખોટું નથી. ખરી મુશ્કેલી ત્યારે પડે છે, જ્યારે છોકરો કે છોકરી બેઉ સંકોચશીલ હોય અને બેઉ મનોમન એવું વિચારતા હોય કે, હું ચુંબન કે સેક્સની માંગણી કરી બેસીશ, તો મારો થનાર જીવનસાથી મારે માટે શું વિચારશે? આ તબક્કે આપ આટલું કરી શકો. પહેલું એ કે, તમારો થનાર પતિ તમારામાં પૂરતો રસ લે છે કે નહિ એ વાતની ખાતરી કરો. જો એમ હોય તો ચિંતાનું કોઈ કારણ નથી. તમને ચુંબન ગમે છે એ વાત એમને વાતવાતમાં જણાવી દો અને બની શકે તો જે વસ્તુની તમે તમારા ભાવિ પતિ પાસેથી મેળવવાની ઇચ્છા રાખો છો તે તેમને સામેથી આપવાની શુભ શરૂઆત કરો. તમારાં બેઉ વચ્ચેનો ‘કોમ્યુનિકેશન ગેપ’ બરફની પાટ જેવો જણાય છે. એમાં તમે પહેલ કરીને એક નાની તિરાડ પાડો. કદાચ આખે આખી બરફની લાદી તૂટી જશે. હા! જો આપનો થનાર પતિ એમ માનતો હોય કે, લગ્નપૂર્વે કશીય છૂટછાટો લેવી ન જોઈએ, તો વાત અલગ છે. પણ આ વાતની ય બેઉ વચ્ચે સુમેળપૂર્ણ ચર્ચા થઈ જવી જોઇએ.