સેક્સ પ્રોબ્લેમ્સ ઉકેલવા કોની પાસે જવું ?

Blogs

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

 

સેક્સ પ્રોબ્લેમ્સ ઉકેલવા કોની પાસે જવું ?

સેક્સ તથા તેમાં પડતી તકલીફો અંગે માર્ગદર્શન લેવા ક્યાં જવું ? નાનાં ગામડાંઓમાં સેક્સોલોજિસ્ટો નથી હોતાં.

 

આજે જ્યારે શાળા, કોલેજો કે યુનિવર્સિટીમાં સેક્સ એજ્યુકેશન ઉપલબ્ધ નથી ત્યારે આપનો પ્રશ્ન એકદમ પ્રસ્તુત બની રહે છે.

વાસ્તવમાં સેક્સની સમસ્યાઓ અંગે સાચી સલાહ આપી શકે એવાં કેન્દ્રો આપણે ત્યાં જૂજ છે. સેક્સની મૂંઝવણો તથા બીમારીઓનું જે પ્રમાણ આપણા સમાજમાં પ્રવર્તે છે તેના પ્રમાણમાં આ કેન્દ્રોની સંખ્યા નગણ્ય કહેવાય. આપણે ત્યાં યુનિવર્સિટી કક્ષાએ ફોર્મલ સેક્સ એજ્યુકેશન એક વિષય યા અભ્યાસક્રમ તરીકે આવવાને હજુ વાર છે. ત્યારે યુવાનો માર્ગદર્શન માટે વ્યક્તિગત ધોરણે સંપર્ક કરી શકે એ માટે ઘણાં કેન્દ્રો હોવાની જરૂર છે.

મારી જાણમાં આવું એક સક્રિય કેન્દ્ર મુંબઈની કે. ઈ. એમ. હોસ્પિટલનું છે. ત્યાં પ્રો. ડો. પ્રકાશ કોઠારીના માર્ગદર્શન હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ સેક્સોલોજીનો વિભાગ ચાલે છે. જેમાં બુધવારે ચાલતી ઓ.પી.ડી.માં સો થી સવાસો મુલાકાતીઓ પોતાની જાતીય મૂંઝવણના હલ માટે આવે છે. કે. ઈ. એમ. હોસ્પિટલના આ સેક્સથેરાપી કેન્દ્રમાં તમામ જાતીય સમસ્યાઓ માટે વિનામૂલ્યે નિદાન, સલાહ તેમજ ચિકિત્સાની વ્યવસ્થા છે.

ફેમિલી પ્લાનીંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા એફ.પી.એ.આઇ. તરફથી જે એસ. ઇ.સી. આર.ટી. પ્રોજેક્ટ હાથ ધરાયો છે તે પણ નોંધપાત્ર છે. સેક્સ એજ્યુકેશન, કાઉન્સેલીંગ, રિસર્ચ, ટ્રેનીંગ એન્ડ થેરાપીના આ પ્રોજેક્ટમાં મુંબઈ, રાજકોટ સહિત અનેક દેશભરમાં ઘણાં કેન્દ્રો (એસ.ઇ.સી. આર.ટી.) સ્થાપવામાં આવ્યાં છે. લોકોને નિઃશુલ્ક જાતીય મૂંઝવણોમાં માર્ગદર્શન આપતાં આ કેન્દ્રોનો કમનસીબે હજુ બહોળા પ્રમાણમાં લાભ લેવાતો નથી. જે લેવાવો જોઇએ. સેલીલ કોર્ટ, પાંચમા મજલે, મહાકિવ ભૂષણ રોડ, બોમ્બે ખાતે સ્થપાયેલા કેન્દ્રમાં ડો. મહિન્દર વાત્સા, ડો. જે. વી. ભટ્ટ, રાજ બ્રહ્મભટ્ટ, ડો. રૂપિન શાહ જેવા નિષ્ણાત તબીબોના માર્ગદર્શન ઉપલબ્ધ બને છે. જ્યારે સંગીતા, ગુરુકુળ નજીક, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે આવેલ કેન્દ્રમાં ડો. પંડ્યા તથા ડો. નાગેચા જેવા નિષ્ણાત તબીબોના માર્ગદર્શન આપે છે. એસ.ઇ.સી.આર.ટી. દિલ્હી, પૂના, જબલપુર તથા ત્રિવેન્દ્રમ જેવા કેન્દ્રોનો લાભ લોકો સુધી વધુને વધુ માત્રામાં પહોંચવો જરૂરી છે.

આજે ખરેખર જાતીય મૂંઝવણોની બાબતમાં જે કાંઈ બની રહ્યું છે તે ઘણું દુઃખદ છે કે, લોકો પોતાને સાચા સ્થળોની માહિતી ન હોવાને કારણે રેલવે સ્ટેશનો નજીક મોટી દીવાલો પર ચિતરાયેલા બની બેઠેલા સેક્સોલોજિસ્ટોના ભ્રામક પાટિયાંઓથી છેતરાઈને તેઓ પાસે પહોંચી જાય છે અને પંદર વીસ હજાર રૂપિયાની કહેવાતી જાદુઇ તાકાતવાળી ગોળીઓ ખાઇને ઉપરથી પોતાની મુશ્કેલી વધારી બેસે છે. આવા પોસ્ટર છાપ સેક્સોલોજીસ્ટોમાંના ઘણાંખરાં તો ‘દર્દીઓને આપને હસ્તમૈથુન કરકે અપને આપકો નામર્દ કર ડાલા હૈ,” અથવા તમારું ”કિંમતી દ્રવ્ય બહુ વહી જવાથી તમે ખલાસ થઈ ગયા છો.” જેવી ડરાવનારી વાતો કરીને દર્દીને બીવડાવી મારે છે. જેથી દર્દી મોંઘીદાટ જાદુઇ દવાઓ ખાવા માટે મજબૂર બની જાય છે. આ દર્દીઓ બિચારા બાપડા સાજા ન થાય તો ય પોતાની વીતક શરમનાં માર્યા કોઈને કહેવા તૈયાર થતાં નથી. અને એ જ તો તકલીફ છે જેનો ગેરલાભ અનક્વોલિફાઇડ તકસાધુ ઉઠાવે છે. હકીકતમાં આજે તો ગામે ગામ ડોક્ટરો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા એમ.બી.બી.એસ. ઉપરાંત આયુર્વેદિક અને હોમિયોપેથીની ય ડિગ્રી પ્રમાણિતક છે. આ બધા ય તબીબો પોતાની શાસ્ત્રીય રીતોથી જાતીય તકલીફો ઉકેલી શકે તેમ હોય છે. બધાં નહિ તો તેમાંના કેટલાક તો અચૂક તકલીફો દૂર કરી શકતા હોય છે પણ સેક્સ પ્રોબ્લેમ્સમાં પીડાતા દર્દીઓ પોતાની મૂંઝવણ તેઓને જણાવતા જ નથી.

મારા એક દર્દીને ખરેખ કોઈ તકલીફ જ નહોતી. તેને કેવળ વીર્ય સ્ખલન અંગે થોડી ઘણી જાણકારી આપવાની હતી. મેં તેને પૂછયું કે, ભાઈ, આ મૂંઝવણ તારા પોતાના ફેમિલી ડોક્ટર પણ બહુસારી રીતે ઉકેલી શક્યા હોત. તું તેમની પાસે જ ગયો હોત તો ! તો તરત તેણે સંકોચાઇને કહ્યું કે, સાહેબ, અમારા ફેમિલી ડોક્ટર બહુ સારા છે અને અમારે તો એમની સાથે ઘર જેવું છે. પણ એમને આવી બધી વાત થોડી કરાય ! આવા તો અનેક લોકો હશે જેઓ પોતાના ફેમિલી ડોક્ટર બહુ નજીકના થઈ ગયા હોવાને લીધે બાકી બધા રોગો માટે તેમની પાસે જશે, પણ સેક્સની સમસ્યા માટે તેઓ પાસે કોઈ કાળે નહિ જાય. જો આ મનોસ્થિતિ સુધારી શકાય તો સેક્સોલોજીને નામે થતી શોષણખોરીમાંથી અનેક લોકોનું શોષણ અટકે. પોતપોતાના ફેમિલી ડોક્ટર પાસે જ લોકો સેક્સ અંગેની સલાહો લેતાં થાય.

આમાં બીજો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે, કેટલાક ફેમિલી ફિઝિશિયનો પોતે જ સેક્સ પ્રોબ્લેમ્સની વાત આવતાં અસ્વસ્થ બની જાય છે, જે યોગ્ય નથી. પોતાની સ્વની સેકસ્યુઆલિટીથી જે માણસ કમ્ફર્ટેબલ હોય તે અન્યોની સેકસ્યુઆલિટીથી ય કમ્ફર્ટેબલ રહી શકે.

અમુક ફેમિલી ડોક્ટર્સ પોતે સેક્સ પ્રોબ્લેમ્સ અંગેની પૂરતી જાણકારી ધરાવતા નથી. જેમાં તેમનો નહિ પણ તેમના ક્ષતિવાળા અભ્યાસક્રમો અને શિક્ષણપ્રથાનો વાંક છે. ઘણાંખરાં ડોક્ટરો સામાન્ય જાતીય બીમારીઓથી જ્ઞાત હોય છે. પણ તેઓને દવ, ઇંજેકશન પૂરતી જ ફાવટ રહે છે. માંડીને ચર્ચા કરવાનું તેમને રુચતું નથી. અલબત્ત, કેટલાક ડોક્ટરો વાત કરવા અને જાતીય સમસ્યાઓ હલ કરવા તત્પર હોય છે. પણ તેઓને પૂરતો સમય નથી મળતો, કેટલાકને વળી એકાંત યા મોકળાશપૂર્ણ જગ્યા નથી મળી રહેતી. ચિક્કાર ગીરદીથી ઊભરાતાં દવાખાનાંઓમાં કેટલાક દર્દીઓ વાત કરવાનું મુનાસિબ નથી સમજતાં હોતા.

લોકો ઇચ્છે તો સૂરત, જામનગર, અમદાવાદ, વડોદરા જેવાં મોટાં શહેરોમાં સિવિલ હોસ્પિટલો હોય છે ત્યાં ય જઇ શકે. દરેક હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ્સ કાર્યરત હોય છે. જેમાંના સાઇકીઆટ્રી (મનોચિકિત્સા) વિભાગનાં ઘણાં ડિપાર્ટમેન્ટો મનોજાતીય રોગોમાં મદદરૂપ થઈ શકે છે. ગુપ્ત રોગોમાં સ્કીન, વીડિ યા ડર્મેટોલોજી તેમજ મેડીસીન, સર્જરી વિભાગો ય મદદરૂપ થઈ શકે.

આજે સેક્સોલોજી એ મેડીકલ સાયન્સની કોઈ માન્ય શાખા નથી. જેને પરિણામે ગાયનેકોલોજિસ્ટો, યુરોલોજિસ્ટો, સાઇકીઆટ્રીસ્ટો તથા અન્ય ઘણી શાખા-પ્રશાખાઓના તબીબો તેમાં રસ લે છે. જ્યાં સુધી સેક્સોલોજી પોતે એક માન્ય તબીબી શાખા ન બને ત્યાં સુધી આમ જ રહેવાનું. આથી લોકોને મૂંઝવણ પણ રહેવાની જ છે. આપના પ્રશ્નોનો ઉપર્યુક્ત ખુલાસામાં જવાબ મળ્યો હશે એવી અપેક્ષા રાખું છું.