કોરોના સામે અમદાવાદ મોડેલ ડબ્લ્યુએચઓ પસંદ કરે છે

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે અપનાવાઈ રહેલા શ્રેષ્ઠ પદ્ઘતિની ઓળખ કરવાની કામગીરી ચાલી રહેલ છે. તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોડેલ અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથનનું વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

WHOના ડો. સૌમ્યા સ્વામિનાથન જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનામાં લીધેલા વિવિધ પગલાંઓમાં જેવા કે, ધન્વતંરી રથ, ૧૦૪ એમ્બ્યુલન્સ સેવા, કોરોના ઘર સેવા, સંજીવની વાન તેમજ ખાનગી હોસ્પિટલોની ભાગેદારીએ ખૂબ જ ઉપયોગી અને પ્રોત્સાહક અનુભવ પુરા પાડ્યા છે. જે અન્ય શહેરોમાં પણ અપનાવી શકાય તેવા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ટૂંક સમયમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોડેલ વિશે ભારતના તથા વિશ્વના અન્ય શહેરોને જાણકારી પૂરી પાડવા તેમજ કોવિડ મેનેજમેન્ટ અંગેનો શ્રેષ્ઠ કામગીરી/પદ્ઘતિઓનો અભ્યાસ કરવા એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવનાર છે. આરોગ્ય સેતુ એપ દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીનો ઉપયોગ કરીને તેના આધારે અમદાવાદ શહેરમાં સર્વેલન્સ અને ટેસ્ટીંગ માટે અખત્યાર કરવામાં આવેલા પદ્ઘતિની ડો. સ્વામિનાથને વિશેષ પ્રશંસા કરી છે. અને તેમણે આ ટેકનોલોજીને ખૂબ જ ઉપયોગી હોવાની સાથે સાથે તેના માટે ખૂબ ઉચ્ચકક્ષાની માનવીય સમર્પિતતા જરૂરી લેવાનું જણાવ્યું છે.

પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરાઈ હતી કે, કોર્પોરેશને ૯ પાખ્યો વ્યૂહ અપનાવી કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો લાવી રિકવરી રેટ ૮૧ ટકાએ પહોંચાડ્યો હતો. મે મહિનામાં અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને મુકેશકુમારની નિયુકતી બાદ તેમણે તબક્કાવાર ૯ પાખ્યા વ્યૂહથી કેસને કાબૂમાં લીધા છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, યુ.કે., જર્મની જેવા અન્ય દેશોમાં કરવામાં આવે છે તે મુજબ વિદ્યાર્થીઓ તથા ગ્રેજયુએટ યુવા વર્ગની કોન્ટેકટ ટ્રેસર તરીકે એક મોટી ફોજ ઉભી કરવા ઉપર પણ તેમણે ભાર મુકયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં અનુભવોના આદાન પ્રદાન થકી આ વિષયમાં વધુ જાણકારી મેળવવાની જરૂરિયાત અંગે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.