મને સતત એ વાતની ચિંતા રહે છે કે, મારી પુત્રી જ્યારે માસિક ધર્મમાં આવશે ત્યારે હું એને શી રીતે સમજાવી શકીશ? : જવાબ આપે છે ડૉ. મુકુલ ચોકસી

Blogs

ડૉ. મુકુલ ચોકસી

જો તમારી પુત્રી સમજુ અને હોશિયાર હોય તો તમારી અડધી મુશ્કેલી તો આમ જ ઓછી થઈ જાય છે. બાળકો પ્રશ્નો ન પૂછે તો એને મુશ્કેલી ગણવી જોઈએ. રજોસ્ત્રાવની શરૂઆત તેર-ચૌદ વર્ષની ઉંમરે થાય છે.

તમારી પુત્રીને તમે આગોતરી આ અંગે માનસિક રીતે સજ્જ કરી શકો. એને એના શરીરનાં જનન અવયવો જેવા કે ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ, અંડાશય વગેરેની તથા તેનાં કાર્યોની સરળ ભાષામાં માહિતી આપો. કેવળ માસિક દરમિયાન થતા રક્તસ્ત્રાવ અંગે જ વાત કરીને અટકી ન જાવ. આ તકનો લાભ લો. મનમાં ઊઠતાં જાતીય સ્પંદનો અંગે પણ એને સભાન કરો. તેની પાસે કેવા વર્તનની અપેક્ષા છે તે જણાવો. માસિક ધર્મ અંગે મા, બહેન કે અન્યો સાથે નિઃસંકોચ વાત કરી શકાય એમ છે એવું તેને લાગવા દો. તેને જણાવો કે, આ અનુભવ તેનો એકલાનો નહિ, બલકે તમામ સ્ત્રીઓનો છે. અને હા! તમારી પુત્રીને જે વિષયથી માહિતગાર કરવાની હોય, તે વિષયથી પહેલાં તમે પોતે પૂરેપૂરા માહિતગાર થાવ. યાદ રાખો! પહેલવહેલા રજોસ્ત્રાવ વખતે તરુણીનાં મનમાં લગ્ન, શરમ, બીક, અપરાધભાવ, મૂંઝવણ, વગેરે અનેક નકારાત્મક ભાવો જન્મી શકે છે, જો તમે એને યોગ્ય રીતે ન સમજાવો તો! સાથે જ રજોસ્ત્રાવનું શું કરવું, સેનીટરી નેપકીન કે ટેમ્યુનનો ઉપયોગ કઈ રીતે કરવો વગેરે બાબતોની પણ તેને માહિતી આપો.