‘ડ્રેગન’ સાથે શું કરવું? સાંજે સર્વપક્ષીય બેઠક

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સોમવારે ગલબાન ઘાટીમાં થયેલ લોહિયાળ સંઘર્ષમાં દેશના ર૦ જવાનો શહીદ થયા હતા, આ તણાવ પછીથી દેશભરમાં રોષનું વાતાવરણ છે અને ચીનને કડક જવાબ દેવાની માંગણી થઇ રહી છે. ચીન વિવાદ અંગે ચર્ચા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં રાજકીય પક્ષોના પ્રમુખો સામેલ થશે.

આ બેઠકમાં ચીન સાથેના વિવાદ અને વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. બેઠક સાંજે પાંચ વાગ્યે વર્ચ્યુઅલ રીતે થશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત કેટલાક દિગ્ગજ નેતા આ મીટીંગમાં ભાગ લેશે પણ કેટલાક રાજકીય પક્ષોને નિમંત્રણ નથી મળ્યું જેના કારણે વિવાદ પણ થઇ રહ્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સર્વપક્ષીય બેઠક પહેલા બધા પક્ષ પ્રમુખો સાથે ફોન પર વાત કરીને ચર્ચા કરી હતી. આ બેઠકમાં કુલ ૧૬ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થઇ શકશે.

વડાપ્રધાન મોદી દ્વારા બોલાવાયેલ સર્વપક્ષીય બેઠક પહેલા જ વિવાદ શરૂ થઇ ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો છે કે તેમના ચાર સાંસદ છે, રાજયસભામાં પણ પ્રતિનિધિ છે છતાં તેમને નિમંત્રણ નથી અપાયું. બીજી બાજુ આરજેડીને પણ નિમંત્રણ ન મળતા તેજસ્વી યાદવે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. જો કે સુત્રોનું કહેવું છે કે જે પક્ષોના લોકસભામાં પાંચથી વધારે સાંસદો છે તેમને આ બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ અપાયું છે પણ બીજી બાજુ ટીડીપીના ચાર સાંસદો હોવા છતાં તેને આમંત્રણ મળ્યું છે.