જિન્દગી શું છે : પોટ્રેઇટ, કપલ-ફોટો કે ફેમિલી આલબમ ?

Blogs

  • ભગવતીકુમાર શર્મા

ફોટોગ્રાફીની પરિભાષામાં વિચારીએ તો એવો પ્રશ્ન થાય કે આ જિન્દગી શું છે. પોટ્રેઇટ, કપલ-ફોટો કે ફેમિલી આલબમ? ક્લોઝ અપ, મિડ શોટ, લોન્ગ શોટ કે ઝૂમ શોટ? તે પોર્ટ્રેઇટ હોય તો પણ તે ઓઇલ પેઇન્ટિંગ છે, પેન્સિલ – સ્કેચ છે કે ચારકોલ સ્કેચ?

આ બધા પ્રશ્નોના ઉત્તરમાં કહેવું જોઈએ કે જિન્દગી આ સઘળું છે અને તેનાથી કશુંક અથવા ઘણું વધારે પણ છે. ચિત્રકલાની પરિભાષાને ખપમાં લઈને કહીએ તો જીવન એક કોલાજ છે.

પરંતુ એમ લાગે છે, કે શરૂઆત આઇડેન્ટિટી કાર્ડથી થાય છે! માત્ર પાસપોર્ટ સાઇઝ! હવે તો સંપન્ન કુટુંબોમાં બાળક જન્મે ત્યારથી વખતોવખત તેનું વિડિયોફિલ્મિંગ કરવામાં આવે છે જે સ્મશાનયાત્રા અને અંતિમક્રિયા સુધી ચાલુ રહે છે. અમર બની જવાની માણસની સનાતન રટણામાં આધુનિક ઉપકરણોને ખૂબ ખપમાં લેવાય છે. આજથી થોડાક દસકાઓ પહેલાં માણસો માટે પોતાની છબીઓ પડાવવાનું એટલું સહજ ન હતું. આજે તો પાંચ વર્ષનું ભૂલકું પણ આંખે કેમેરો માંડી ચપોચપ સ્નેપ શોટ્સ ઝડપી લે છે અને તેય રંગીન!

મારા જૂનામાં જૂના ફોટાનો વિચાર કરું છું તો બાંસઠ-ત્રેસઠ વર્ષ પહેલાંના ભૂતકાળમાં મારે ધકેલાઈ જવું પડે છે. ચાર-પાંચ વર્ષની ત્યારે મારી વય હશે. ફોટોગ્રાફની ક્વોલિટી ઘણી સારી હતી. શહેરમાં ત્યારે માંડ ત્રણ-ચાર સ્ટુડિયો હતા. તેમાંના જ કોઈ એકની તે કામગીરી. ત્યારે ઘેર, જાતે ફોટા પાડવામાં કોઈ સમજતું ન હતું, છબીમાં મેં નહીં હાફ, નહીં ફુલ એવું પેન્ટ, શર્ટ, કોટ અને બૂટમોજાં પહેર્યાં છે. માથે લાંબા, છુટ્ટા વાળ અને ઉપર વળી સોનેરી ટોપી! વર્ષો પર્યંત એ ફોટો ઘરમાં સચવાયો હતો, પછી કોણ જાણે ક્યાં ગયો! તેમાંનો ‘હું’ પણ હવે ક્યાં રજમાત્ર જળવાયો છું?

મને જે બીજો ફોટોગ્રાફ યાદ આવે છે તે મારા સદ્ગત પિતાજી સાથે હતો. બહુ વિલક્ષણ તસવીર હતી એ, ત્યારે સુરત ગોકુળ આઠમના મેળા માટે ઘણું વિખ્યાત હતું. એ મેળામાં ફોટા પડાવવા અંગેના પણ મોટા મોટા સ્ટોલ રહેતા. તેમાં જાતજાતનાં સાધનો, પરદા, દૃશ્યો, બધું હોય. છબીમાં મારી ઉંમર દસેક વર્ષની લાગતી હતી. હું અને પિતાજી એક કારમાં બેઠા છીએ, પિતાજી પાછળ અને હું આગળ-ડ્રાઇવરની જગ્યાએ બેસી કાર ડ્રાઇવિંગ કરું છું. એ મોટરકાર એટલે માત્ર પાટિયું! ન મેં જિન્દગીમાં ક્યારેય સાચકલી કાર હંકારી, ન કદી પિતાજીને વાહનસુખ આપ્યું! છબીઓ દ્વારા પણ જીવન આપણી સાથે કેવી છલના કરતું હોય છે! કાર ડ્રાઇવિંગવાળા એ બનાવટી ફોટોગ્રાફમાં મેં પહેરેલો સફેદ કોટ અને પિતાજીની વધેલી દાઢી કોક ગ્રાફિકની જેમ સ્મૃતિમાં ટકી રહ્યાં છે.

અહીંથી સીધા જ યુગલ છબીઓની સૃષ્ટિમાં પ્રવેશવું રહ્યું. હવે વિડિયો ફિલ્મિંગ સિવાયના કોઈ લગ્ન પ્રસંગની કલ્પના કરવાનું એ અશક્યવત્ છે, પરંતુ આજથી સુડતાળીસ વર્ષ પહેલાં મારા લગ્નપ્રસંગે સીધીસાદી, શ્યામધવલ છબીઓનાં એ રીતસર ફાંફાં હતાં. બનેવી અમદાવાદથી એક તદ્દન શિખાઉ જુવાનને સાથે લેતા આવ્યા હતા અને તેણે તેના બોક્સ-કેમેરા વડે વરઘોડાથી માંડીને લગ્નપ્રસંગ સુધીના ઝીણા-ઝીણા, ઝાંખા-ઝાંખા દસ-બાર ફોટાઓ ઝડપ્યા હતા. એ છબીઓમાં પ્રકાશ-છાયાના સંયોજનને નામે એવા ભાંગરા વટાયા હતા કે છબીઓ કોઈ હોરર ફિલ્મનાં દૃશ્યો જેવી લાગતી હતી! હજીયે કદીક કદીક એ છબીઓ હાથે ચઢી જાય છે ત્યારે મુખ્ય અનુભવ તો અપરિચયનો જ થાય છે! તે પછીના આજ સુધીના સાડા ચાર દાયકામાં સ્ટુડિયોમાં, ઘરમાં, બહાર, સમારંભોમાં કપલ-ફોટોગ્રાફસ ઘણા પડ્યા. છેલ્લે છેલ્લે બે’ક તસવીરો સારી બની આવી. ક્યાંક છપાઈ પણ ખરી. હું ઘરના સુન્દર હીંચકે બેઠો છું અને પત્ની પાછળ ઊભી રહીને મને ચાનો પ્યાલો આફે છે તેવી છબી દૃશ્ય સંયોજનની દૃષ્ટિએ કંઈક કલાત્મક પણ લાગે, પરંતુ સાડા ચાર દાયકા પૂર્વે કોઈકે અમારો એવો ફોટોગ્રાફ પાડ્યો હતો તો વાત કંઈક જુદી જ બની આવત કદાચ! હવે આ બધું અવસર વીત્યા મેહુલા જેવું લાગે છે! પ્રત્યેક છબીનો પોતપોતાનો એક ચોક્કસ સમય હોય છે.

છેલ્લા થોડાક દિવસોથી મને ‘ગ્રુપ ફોટો’ બહુ યાદ આવે છે. તેના મૂળમાં છે સાઠના દાયકાની બે હિન્દી ફિલ્મો : ‘ભરોસા’ અને ‘ઘરાના’. ટીવીની કોક ચેનલ પર મેં તાજેતરમાં આ બે ફિલ્મો અંશતઃ જોઈ. બંને ફિલ્મોમાં કેટલીક સમાનતાઓ હતી. બંને દક્ષિણ ભારતની ફિલ્મ નિર્માણસંસ્થાઓની સરજત. ‘ઘરાના’ તે વખતની મદ્રાસની જાજરમાન ફિલ્મ નિર્માણસંસ્થા ‘જેમિની’નું સર્જન. બંનેમાં શરૂથી અંત સુધી ફેમિલી હતાં. એ વર્ષોમાં આ પ્રકારની ફિલ્મની ઘણી બોલબાલા હતી. આવી ફિલ્મ રજૂ થતી અને કુટુંબકબીલાઓ છબીઘરો પર દોડી જતા. પ્રેક્ષકવર્ગમાં સ્ત્રીઓની વિશાળ બહુમતી રહેતી. ફિલ્મમાં નાયિકા પર વિપત્તિપણાનાં દૃશ્યો આવતાં અને પ્રેક્ષકગણમાંથી મહિલાઓનાં ડૂસકાં સંભળાતાં, તેઓના હાથરૂમાલ કે સાડીઓના પાલવ આંસુથી ભીંજાઈ જતાં. આ ફિલ્મોની ચોક્કસ ફોર્મ્યુલા, નિશ્ચિત સેટ-અપ હતાં. કથા-પટકથા-સંવાદ ઘણું ખરું પંડિત સુખરામ શર્માનાં, ગીતો રાજેન્દ્ર કૃષ્ણનાં, સંગીત રવિનું. ફિલ્મમાં ત્રણ-ચાર પ્લોટ સાથે ચાલે. પાત્રો કાં પૂરાં સજ્જન, કાં દુર્જન, કર્કશા સાસુની ભૂમિકામાં ઘણુંખરું લલિતા પવાર જ હોય. દુષ્ટ પાત્રો દુર્જનતા દાખવી નાયક-નાયિકાને સંતાપે, કુટુંબમાં ક્લેશ ઊભો થાય, ‘કલ ચમન થા, આજ ઇક સહરા હુવા’ અથવા ‘ચલ, ઊડ જા રે પંછી, કે અબ યહ દેશ હુવા બેગાના’ જેવાં ગીતો ગવાય અને તેય મોહમ્મદ રફીને કંઠે. નાયિકા ભગવાનની મૂર્તિ સામે બેસીને લતાને કંઠે દર્દભર્યું ગીત ગાય, છેવટે સૌ સારાં વાનાં થાય. દુષ્ટ પાત્રોનું હૃદયપરિવર્તન થાય, સહુ એકબીજાની ક્ષમા માગે, ‘સુબહ કા ભૂલા અગર શામ કો ઘર વાપસ આ જાયે તો ઉસે ભૂલા નહીં કહેતે’ જેવા ઘિસા-પિટા સંવાદો ઉચ્ચારાય. સારાં પાત્રો ત્યાગ અને બલિદાન આપવાની હોડ કર્યા કરે. સંયુક્ત કુટુંબભાવનાનો વિજય થતો બતાવાય. સંસ્કારસિંચનનાં ગુણગાન ગવાય. ફિલ્મમાં એક કોમેડિયન પણ હોય. ફિલ્મને સુખાંત બનાવવામાં એ પાત્રનું મહત્ત્વનું પ્રદાન હોય. વિપત્તિનાં વાદળો વિખરાઈ જાય. સિતાર કે બંસરીનું સ્ટિરિયોટાઇપ પાર્શ્વસંગીત સંભળાવા માંડે અને ફિલ્મનાં બધાં જ પાત્રો આકસ્મિકપણે કે પૂર્વયોજિતરૂપે એક જ સ્થળે ભેગાં થઈ જઈ ગ્રુપ ફોટોની અદામાં ગોઠવાઈ જાય, કોમેડિયન કશોક રમૂજી સંવાદ બોલી ‘મધુરેણ સમાપયેન’ કરે, ફિલ્મનું જો કોક આનન્દસભર થીમ સોન્ગ હોય તો તેની શબ્દ-સૂરાવલિ લહેરાઈ જાય અને તે સાથે જ ‘ધ એન્ડ’ના શબ્દો નાચતા-કૂદતા આવી સ્ક્રીનને ભરી દે. પણ ભાવુક પ્રેક્ષકોનાં મનચક્ષુ સમીપનો પૂરા ફેમિલીનો પેલો ગ્રુપ ફોટો જ ક્યાંય સુધી ઝૂલ્યા કરે!

જ્યારે એ ફિલ્મો ઘણી લોકપ્રિય હતી ત્યારે મને એ ફિલ્મો મુદ્દલ ન ગમતી. તે મને નાટકી, ઉપદેશક, પ્રચારાત્મક, જુનવાણી, કૃત્રિમ લાગતી. ત્યારે હું ગુરુદત્ત, બિમલ રોય, રાજ કપૂર, દિલીપકુમારની ફિલ્મો જોવામાં ગળાબૂડ હતો! પરંતુ ચાલીસેક વર્ષના અંતરાય પછી સ્મોલ સ્ક્રીન પર એમાંની બે ફિલ્મોમાં કેટલાંક દૃશ્યો નિહાળતી વખતે મને એવો ઝાઝો અણગમો ન આવ્યો! એ ચલચિત્રોની બાધકતા, તાલમેલિયાપણું, નાટકીયતા, કૃત્રિમતા, બધું જેમનું તેમ હતું, છતાં આજની ઘણી છાકટી, છકેલી, મારફાડિયા, અવળે માર્ગે ચઢાવી શકનારી ફિલ્મો કરતાં એ ચલચિત્રો ચોક્કસ વધુ લોકહિતકારક હતાં. માણસને, સમાજને, કુટુંબને બગાડે તેવું તેમાં કશું ન હતું. સ્વચ્છ, આદર્શવાદી, હેતુલક્ષી ફિલ્મો હતી કે જેમાં માણસો ઇન્ડિવિઝ્યુઅલિસ્ટ ઓછાં અને સોશ્યલ તથા ફેમિલી પર્સન્સ વધારે હતાં. હજી પણ કદીક ‘હમ આપ કે હૈં કૌન?’ જેવી ફિલ્મો દ્વારા કુટુંબભાવનાના મહિમાને ઉજાગર કરાય છે તે સારી વાત છે, પરંતુ કઠોર વાસ્તવિકતા એ છે કે સંયુક્ત કુટુંબો હવે આપણા સમાજમાંથી નામશેષ થતાં જાય છે. આથી ભવિષ્યમાં આપણાં ઘરોમાંથી ફેમિલી આલબમો અને ગ્રુપ ફોટાઓ પણ અદૃશ્ય થતાં જશે. યાદ કરો તમારા કુટુંબમાંના એ જૂના ગ્રુપ ફોટોગ્રાફસ! દાદા-દાદી, કાકા-કાકી, ભાઈઓ-ભાભીઓ, બહેનો-બનેવીઓ, બાળકો, ફોઈઓ-ફુવાઓ… મૂછના આમળાઓ, ધોતિયાં, પાઘડીઓ, ટોપીઓ, લાંબા પાલવની સાડીઓ, વચ્ચે ફલાવરવાઝવાળી ટિપોઈ અથવા પુસ્તકો… જાને કહાં ગયે વો દિન?!