જાણીતા કટાર લેખક-પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન : પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું આજે સુરત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. તેઓની ઉંમર 100 વર્ષની હતી. તેઓને આજે 11.30 વાગ્યે શ્વાસની તકલીફ થતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જ્યાં તેઓએ 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. 26મી જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું.

નગીનદાસ સંઘવીનો જન્મ 10 માર્ચ 1920નાં રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે ભાવનગરની ખ્યાતનામ શામળદાસ કોલેજમાં BA કર્યું હતું. દેશ આઝાદ થયો ત્યારે વર્ષ 1947માં તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મુંબઈની જાણીતી કોલેજોમાં 1951થી 1980 સુધી આશરે ત્રણ દાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારા નગીનદાસ સંઘવીએ નિવૃત્તિ બાદ વિવિધ સામયિકોમાં લખવાની શરૂઆત કરી હતી. 1944માં તેઓએ મુંબઈની એક જાહેરખબર એજન્સીમાં 30 રૂપિયાનાં પગાર સાથે ટાઈપિસ્ટ તરીકે નોકરી પણ કરી હતી. થોડા સમય સુધી તેઓ વીમા એજન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા હતાં.

નગીનદાસ સંઘવી વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હતાં. ઉપરાંત તેમની કોલમ ‘તડ ને ફડ’ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસતા હતાં. એમનાં પુસ્તકો ગુજરાતી સહિત અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયાં છે. જેમાં ગીતા, રામાયણ અને મહાભારતનાં પ્રવચન પણ લોકપ્રિય છે. તેઓ અત્યાર સુધી સાહિત્યક્ષેત્રે વધારે સક્રિય હતાં.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, “શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક-વિચારક હતા. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. એમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ!!”