ગુજરાતમાં મહિનાનાં અંત સુધીમાં 27000 કેસ હશે : એક અભ્યાસમાં ચોંકાવનારો ધડાકો

India

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર પોપ્યુલેશન સાયન્સ(IIPS) મુંબઈના સંશોધકો દ્વારા દેશભરના ૧૭ રાજયોમાં પ્રીડકિટવ કોમ્પ્યુટેશનલ ટાઇમ સીરીઝ મોડેલ દ્વારા એક અભ્યાસ કરીને જણાવવામાં આવ્યું કે જૂન મહિનાના અંત સુધીમાં દરેક રાજયોમાં કોવિડ-૧૯ મહામારીની શું સ્થિતિ હશે. જે મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં કુલ ૨૭,૧૨૦ કોવિડ ૧૯ કેસ અને તે પૈકી ૧૫,૧૩૭ એકિટવ કેસ હોઈ શકે છે.

આ સંસ્થાના સંશોધકો દ્વારા ઓટોગ્રેસિવ ઇન્ટિગ્રેટેડ મૂવિંગ એવરેજ (ARIMA) ટાઈમ સીરિઝ મોડેલ દ્વારા ૩ મે સુધીના ડેટાને લઈને આ સંશોધન કરવામાં આવયું છે. આ પ્રમાણે ૩૧ મે સુધીમાં ગુજરાતમાં ૧૫૯૦૦ જેટલા કેસ હોઈ શકે છે તેવું આ પહેલા કહેવામાં આવ્યું હતું. જયારે ગુજરાત સરકાર દ્વારા આ દિવસે આપવામાં આવેલ આંકડા મુજબ ૧૬૩૪૩ જેટલા કેસ હતા. જે અનુમાનના ખૂબ જ નજીક હોવાનું સાબિત થયું હતું.

IIPSના સંશોધકો દ્વારા દેશના ૧૭ એવા રાજયોને આ અભ્યાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. જયાં ૩ મે સુધીમાં ઓછામાં ઓછા ૧૦૦ કોવિડ-૧૯ કેસ હોય. આ અભ્યાસમાં જણાયું છે કે જૂનમાં વધુ કેસ સામે આવશે જેથી હોસ્પિટલ્સમાં પણ તેટલી જ વધારે વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે. આ સંશોધકોએ કહ્યું કે જૂનના અંત સુધીમાં ભારતમાં વધુ ૧.૦૬ લાખ આઈસોલેશન બેડ તૈયાર કરવા પડશે. જે પૈકી ગુજરાતે ૧૨,૮૬૭, મહારાષ્ટ્ર ૪૦,૧૨૮, પંજાબ ૩૧,૧૮૬ અને દિલ્હીને ૧૬,૪૧૮ આઈસોલેશન બેડની જરુરિયાત રહેશે.

આ સંશોધન અભ્યાસના સંશોધકો IIPSના રિષભ ત્યાગી, મહાદેવ બ્રાહ્મણકર, મોહિત પાંડે, એમ.કિશોરે કહ્યું કે જૂના અંત સુધીમાં કેરળ અને ઓડિશામાં ૧૦૦૦ કરતા પણ ઓછા કેસ હશે. જયારે મહારાષ્ટ્રમાં ૫૮,૩૩૦ કેસ, પંજાબમાં ૪૨,૦૪૧ કેસ, દિલ્હીમાં ૨૪,૩૭૨ કેસ અને ગુજરાતમાં ૨૭,૧૨૦ કુલ કોવિડ-૧૯ કેસ હશે. જયારે આ સમયે જો એકિટવ કેસની વાત કરવામાં આવે તો દેશમાં કુલ એકિટવ કેસ ૧.૨૪ લાખ હશે. જે પૈકી મહારાષ્ટ્રમાં ૪૭,૨૦૯, પંજાબમાં ૩૬,૬૯૦, દિલ્હીમાં ૧૯,૩૧૫ અને ગુજરાતમાં ૧૫,૧૩૭ એકિટવ કેસ હશે.

જોકે આ સાથે જ આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ અભ્યાસ સમગ્ર દેશમાં જયારે લોકડાઉન હતું તે દરમિયાન કરવામાં આવ્યો છે. જેથી જો ભારતમાં લોકડાઉનને આગળ વધારવામાં આવે છે તો આ પ્રકારનો ટ્રેન્ડ ચાલુ રહેશે. પરંતુ જો લોકડાઉનમાં રાહત આપવામાં આવશે તો આગળના સમયમાં કેસમાં ધાર્યા કરતા અનેકગણો ઉછાળો આવી શકે છે.