એકલા લદ્દાખમાં ચીની સૈન્યની ઘૂસણખોરી મર્યાદિત નથી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ચીનની પીપલ્સ લીબરેશન આર્મીએ છેલ્લા બે મહિનામાં અનેક વખત વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે. ગુપ્તચર રિપોર્ટ અનુસાર ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ અને ઉત્તરાખંડના અનેક સ્થળોએ સીમા સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. એક અધિકારીએ પોતાનું નામ નહી જાહેર કરવાની શરતે આ માહિતી આપી છે. ચીનનું આ ઉલ્લંઘન ફકત પૂર્વી લદ્દાખ પૂરતુ જ સિમત નથી. અધિકારીઓ અને રીપોર્ટથી જણાય છે કે ચીની સૈનિક ભારતીય સીમાની અંદર ૪૦ કિ.મી. સુધી ઘુસી આવ્યા હતા. બાદમાં ભારતીય સૈનિકોએ તેમને તગેડી મૂકયા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લગભગ ૩૫૦૦ કિ.મી. લાંબી સીમા પર ચહલપહલ વધી છે. ભારતીય જવાનો પણ કોઇપણ સ્થિતિને નિપડવા માટે તૈયાર છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ચીનના સૈનિકોએ જૂલાઇમાં બે વખત અરૂણાચલ પ્રદેશમાં બે વખત પ્રવેશ કર્યો હતો. તેઓએ અજાવમાં ભારતીય સીમાને અંદર ૨૬ કિ.મી.નું અંતર કાપ્યું અને બહાર નિકળતા પહેલા ત્રણથી ચાર દિવસ માટે ત્યાં અડીંગો જમાવ્યો હતો. આ સિવાય ચીની સૈનિકોએ અરૂણાચલના હેડીગ્રાથી લઇને ૪૦ કિ.મી.નું અંદર કાપ્યંુ હતું.

ઓગસ્ટના પ્રારંભમાં પૂર્વ સિક્કીમના જેલેપ લા વિસ્તારમાં બંને દેશના સૈનિકો આમને સામને આવ્યા હતા. અહીં ચીને ઉચા પર્વત પર કબ્જો કર્યો હતો અને ભારતીય સૈનિકો પર પથ્થરો વસાવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ આ ટેન્શન ઘટયું હતું પરંતુ બંને પક્ષ જેલેપ લા વિસ્તાર પર પોતાના દાવા પર કાયમ રહ્યા હતા.

તે પછી ફરી ઓગસ્ટના મધ્યમાં ચીનના સૈનિક ઉત્તરાખંડના તજુન લા માં પગપેસારો કર્યો હતો.

સેનાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ચીન હંમેશા મહત્વની ઉંચા પર કબ્જો કરવા પ્રયાસ કરતું હોય છે.