ખાનગીકરણ કરી સરકારી બેંકોની સંખ્યા ૧૨થી ઘટાડીને માત્ર ૫ કરવા જઇ રહી છે સરકાર

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બેન્કિંગ ક્ષેત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાંની સરકારી માલિકીની પચાસ ટકા બેન્કોનું ખાનગીકરણ કરીને તેની સંખ્યા પાંચ કરવાની યોજના છે. યોજનાના પ્રથમ તબક્કામાં બેન્કોના ખાનગીકરણ માટે બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા. ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્કમાંનો મોટા ભાગનો હિસ્સો વેચી દેવામાં આવશે.

સરકાર માત્ર ચારથી પાંચ રાષ્ટ્રકૃત બેન્ક રાખવાનું વિચારે છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. હાલના તબક્કે ભારતમાં ૧૨ સરકારી (રાષ્ટ્રકૃત) બેન્ક છે.

સરકારી બેન્કોના ખાનગીકરણ અંગેની યોજનાનો પ્રસ્તાવ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તે મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. આમ છતાં, દેશના નાણાં પ્રધાને તાજેતરમાં આ અંગે કંઇ પણ નિવેદન કરવાનો ઇનકાર કર્યો હતો. કોરોના મહામારીને કારણે દેશનું અર્થતંત્ર ડગમગી રહ્યું છે ત્યારે નોન-કોર કંપનીઓમાંની મિલકતો વેચીને ભંડોળ ઊભું કરી ખાનગીકરણ કરવાની યોજના સરકાર બનાવી રહી છે. ઘણી સરકારી સમિતિઓ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે ભારતમાં પાંચથી વધુ સરકારી બેન્ક ન હોવી જોઇએ.

‘સરકારે પહેલા જ કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કોનું વધુ મર્જર નહીં થશે અને તેથી જાહેરક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી’, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

હવે અમારી જાહેરક્ષેત્રની બેન્કોને ખાનગી કંપનીઓને વેચવાની વિચારણા છે, પરંતુ સરકારની આ ખાનગીકરણની યોજના ત્યારે કામ આવશે જયારે કોરોના મહામારીને કારણે બેન્કોને ચાલુ નાણાકીય વર્ષ બાદ લોન પાછી મેળવવામાં મુશ્કેલી પડશે. માર્કેટની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ચાલુ નાણાકીય વર્ષે બેન્કોને મર્જ કરવાની યોજના કામ નહીં આવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.