બેકાબૂ કોરોનાને કારણે સુરતમાં હીરા ઉદ્યોગ ભયાનક સ્થિતિમાં છે

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઈ રહ્યાં છે. જેના લીધે હીરા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેથી મીની હીરા બજાર અને ચોકસી બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ૩૧ જુલાઈ સુધી બંને બજાર સ્વૈચ્છિક બંધ રહેશે. માત્ર સોમવાર અને શુક્રવારે બપોરે ૨.૦૦ થી ૬.૦૦ સેફ ખુલશે. જો પહેલી ઓગસ્ટથી છૂટ હશે તો સેફ સવારે ૯.૦૦ થી ૬.૦૦ સુધી ખુલ્લા રખાશે.

રવિવારે સુરતમાં ૨૬૮ નવા કોરોનાનાં કેસ નોંધાયા હતા. સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. આઈએમએ પણ હવે દેશમાં ખાસ કરીને ગામડાઓમાં કોરોનાની કોમ્યુનિટી સ્પ્રેડિંગની ચેતવણી આપી છે. તેને પગલે આવનારા દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ શકે છે. રવિવારે સુરત કોર્પોરેશનમાં ૨૦૩ અને સુરત જિલ્લામાં ૬૫ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૯૪૦૯ એ પહોંચ્યો છે. આજે શહેરમાં ૩૩૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ થયેલા કુલ દર્દીઓનો આંકડો ૬૪૧૭ એ પહોંંચ્યો છે.

સુરતમાં ૧૦ દર્દીઓનાં આજે મોત થતા અત્યાર સુધીમાં કુલ ૨૫૨ દર્દીનાં મૃત્યુ થયા છે. હાલમાં સુરતમાં કુલ ૨૭૪૦ એક્ટિવ કેસ છે. સુરતનાં વરાછા, પુણા સહિતનાં હાઈ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સડસડાટ વધી રહ્યો છે, ત્યારે હરેશ દુધાત અને હેતલ પટેલે હાઈ રિસ્ક વિસ્તારમાં લોકોને મળી ને કઈ રીતે કોરોનાની મહામારીથી બચી શકાય છે તથા શું કરવું અને શું ન કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવાની કામગીરી શરૂ કરી છે. સુરતની જવાબદારી સંભાળનારા આઈપીએસ હરેશ દુધાતે વરાછાનાં અલગ-અલગ વિસ્તારોમાં લોકો સાથે બેઠક કરી હતી. હરેશ દુધાતે લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા પર ભાર મૂકી સમજાવ્યાં હતાં.  ખાસ કરીને વરાછા વિસ્તારમાં લોકો જરૂર વગર બહાર ન નીકળે અને ટોળે વળી ઊભા ન રહે તે જરૂરી છે. સાથે જ સરકાર અને તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું.