અયોધ્યામાં આસ્થાનો સૂર્યોદય : વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર નિર્માણ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

૪૯૨ વર્ષ બાદ આખરે આજે શુભ ઘડી આવી પહોંચી છે. અયોધ્યામાં ભવ્ય શ્રી રામજન્મ ભૂમિ મંદિર નિર્માણની પાંચ સદીથી ચાલી આવતી પ્રતિક્ષા સમાપ્ત થવાની ઐતિહાસિક ઘડી આજે આવી પહોંચી છે. આજે શુભ મુર્હુત ૧૨ વાગ્યે ૧૫ મિનિટ ૧૫ સેકન્ડ પર પી.એમ. મોદીના હસ્તે શ્રીરામ જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ માટેના ભૂમિપૂજન માટે ઔપચારિક સ્વરૂપથી મંદિર નિર્માણ કાર્યના શ્રીગણેશ થયા છે. આ સાથે જ કરોડો રામ ભકતોની પ્રતિક્ષા સાથે જ તેમની તમામ આશંકાઓ અને અસમંજસ પણ સમાપ્ત થઇ છે. એવા હજારો દિવંગત આત્માઓને પણ શાંતિ મળી છે. જેઓ આ સ્થળ પર ભવ્ય રામ મંદિર નિર્માણના સંકલ્પ અને સપનાને સાકાર કરવાની પ્રતિક્ષા કરતા કરતા સંસારમાંથી ચાલ્યા ગયા હતા. હવે લોકોની પ્રતિક્ષા રહેશે તો માત્ર એ ઘડીની કે મંદિર નિર્માણ પૂર્ણ થયા બાદ રામ લલ્લા પોતાના મૂળ સ્થળ પર કયારે બિરાજમાન થશે. મંદિર નિર્માણની શરૂઆત માત્ર રામ ભકતોની જ નથી એ શિલાઓ અને પથ્થરોની પ્રતિક્ષા પણ સમાપ્ત થઇ છે જે અનેક દાયકાઓથી રામ મંદિરમાં પ્રતિક્ષા કરીને બેઠા છે. આજે ઐતિહાસિક પળના સાક્ષી બન્યા છે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સી.એમ. યોગી આદિત્યનાથ, સંઘના પ્રમુખ મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ સહિતની અનેક હસ્તીઓ.

આજે બપોરે અભિજિત મુર્હુતમાં વડાપ્રધાન મોદીના હસ્તે ચાંદીની શિલાઓ મુકીને રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ એ મુર્હુત છે કે જ્યારે ભગવાન શ્રીરામે એ મુર્હુતમાં જન્મ લીધો હતો. ભૂમિપૂજન એ જ મુર્હુતમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાને પાંચ નક્ષત્રોથી કંડારાયેલ પાંચ ચાંદીની શિલાઓ સહિત કુલ ૯ શિલાઓ રાખી હતી. આ સમગ્ર સમારોહ માત્ર ૩૨ સેકન્ડમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.

અયોધ્યામાં મંદિર નિર્માણના શુભારંભ સાથે જ સમગ્ર અયોધ્યા રામમય બની ગયું છે. સમગ્ર હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂમિ પૂજન સાથે જ હરિ સંકિર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કાશી, અયોધ્યા, દિલ્હી અને પ્રયાગથી વિદ્વાનો આવ્યા હતા. આજે અયોધ્યામાં આસ્થાનો નવો સૂર્યોદય થયો હોવાનું જણાય રહ્યું છે. ધર્મનગરીના માર્ગો અને ગલીઓમાં રામ ચરિત માનસની ચોપાઇ ગુંજી રહી છે. વિવિધ આશ્રમો અને મંદિરમાં સંતોની સાથે શ્રધ્ધાળુઓ રામ ધૂનનું ગાયન કરી ભાવવિભોર થઇ રહ્યા છે. એવું લાગે છે કે જાણે દિવાળી હોય કે હોળીનું પર્વ હોય. સમગ્ર અયોધ્યા રામમય બની ગયું છે અને શહેરે અનોખા શણગાર સજ્યા છે.

કોરોના મહામારીને કારણે ભૂમિપૂજનના કાર્યક્રમમાં ૧૭૫ મહેમાનો જ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા આવનાર મહેમાનને ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં રામ દરબાર અને તિર્થ ક્ષેત્રનું પ્રતિક અંકિત થયેલું છે.

વડાપ્રધાન આજે અહિં આવ્યા હોવાથી સમગ્ર અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અયોધ્યા આવતી તમામ કારનું ઘનિષ્ઠ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મંદિર સ્થળ પર એનએસજી કમાન્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. આજે વડાપ્રધાન અયોધ્યામાં આવ્યા તે પછી તેઓ હનુમાનગઢી ગયા હતા અને મંદિર સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેમણે ખાસ પોસ્ટલ ટિકિટ પણ બહાર પાડી હતી.

હિંદુઓ માટે શુભ ગણાતા પીળા રંગથી રસ્તા પરની દુકાનોને રંગવામાં આવી છે અને આખા અયોધ્યામાં લાઉસ્પીકર પરથી જયશ્રી રામનો અવાજ સંભાળાય છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બનેલું શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ કાર્યક્રમનું આયોજક છે. જોકે, ટ્રસ્ટ ઉપરાંત રાજય સરકાર અને અયોધ્યા પ્રશાસન પણ અનેક દિવસોથી કામગીરીમાં લાગેલ હતા.

મંગળવારે સવારે હનુમાનગઢીમાં પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ છે. અનેક મંદિરોમાં અખંડ રામાયણ પાઠ ચાલી રહ્યા છે તો સરયૂને કિનારે દીપોત્સવનો પણ બે દિવસનો કાર્યક્રમ છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

અંદાજે પોણા બસો મહેમાનો સાથેનો આ કાર્યક્રમ અયોધ્યાવાસીઓએ લાઇવ નિહાળ્યો હતો. મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદી બહેન પટેલ અને રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત આ પાંચ લોકો જ બિરાજ્યા હતા.