કાલથી ગીર જંગલમાં સિંહ દર્શનનો પ્રારંભ

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કાલથી ગીર જંગલમાં સિંહ દર્શનનો પ્રારંભ થશે અને કોરોના મહામારીના કારણે સરકારના નિયમોનું પાલન કરાશે તેમ સીસીએફ દુષ્યંતભાઇ વસાવડા અને સીસીએફ મોહન રામએ જણાવ્યું હતું.

એશીયાટીક લાયનના નિવાસસ્થાન ગીર જંગલમાં વસતા વનરાજોનું ત્રણ દિ’ બાદ વેકેશન પુરૂ થઇ રહયું છે. તા.૧૬ને શુક્રવારથી સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. ત્યારે કોવીડ-૧૯ને ધ્યાને લઇ કડક નિયમો તૈયાર કરાયા છે તેમાં ૧૦ વર્ષથી નીચે અને ૬પ વર્ષથી ઉપરનાને પ્રવેશ અપાશે નહી. જીપ્સીમાં માત્ર ૩ પ્રવાસીઓ જ બેસી શકશે.

આગામી તા.૧૬થી સિંહ દર્શનનો પ્રારંભ થઇ રહયો છે તે પુર્વે વન કર્મચારીઓ, જીપ્સીના ચાલકો, ગાઇડોના કોરોના ટેસ્ટ કરાવાયો છે. વહનોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇ જંગલમાં જનાર પ્રવાસીઓને કયાંય ઉતરવા દેવાશે નહી એટલું જ નહી સિંહ દર્શન રૂટના માર્ગોને ટાયર બાફ કરાયા છે જેથી કોરોનાના જીવાણુ વાહનોના ટાયર દ્વારા પણ જંગલમાં પ્રવેશી ન શકે તેમજ દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ કરાશે.તેમણે ઉમેર્યુ કે જીપ્સીની સંખ્યામાં કોઇ ઘટાડો કરાયો નથી જે દર કલાકે ૧૫૦ પ્રવાસીઓને લઇ જવાતા હતા તે જ રીતે દોડાવાશે. જીપ્સીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો ઉપર પ્રતિબંધ લદાયો છે. અંતમાં શ્રી વસાવડાએ જણાવ્યું કે કોરોનાને કારણે પ્રવાસીઓમાં સિંહ દર્શનનો ઉત્સાહ ઓસર્યો છે. અત્યાર સુધીમાં માત્ર ૩૯ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે. આમ મહામારીની અસર પ્રવાસીઓ ઉપર પણ પડી રહી છે.