સ્ટેપલર અને ફ્લશ-સિસ્ટમ

Blogs

સુરતના કવિ, સેક્સથેરપિસ્ટ અને મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોકસીના નિવાસસ્થાને મિત્રોનો ડાયરો જામ્યો હતો. મિત્રોમાં પ્રસિદ્ધ પત્રકારો કાન્તિ ભટ્ટ, વિક્રમ વકીલ ઉપરાંત વિદ્વાન વિચારક, વક્તા, નિબંધકાર, કટારલેખક ડૉ. ગુણવંશ શાહ, ગુજરાતી-ઉર્દૂ ગઝલકાર મનહરલાલ ચોકસી, યુવા કવિ ડૉ. રઈસ મણિયાર વગેરે પણ હતા.

અલકમલકની વાતો ચાલી રહી હતી. વાતોનું વારંવાર વિષયાંતર થતું હતું. કશા પૂર્વાપર સંબંધ વિના કાન્તિભાઈએ એક મહત્ત્વની અને રસપ્રદ વાત કરી. તેમણે કહ્યું, ‘હું તો આ ‘સ્ટેપલર’ની શોધ પર આફ્રિન છું! લેખ લખ્યા પછી લખેલા કાગળોને જોડવા માટે ન ટાંકણીની કે ન યુપિનની જરૂર! બસ, કાગળોને સ્ટેપલરની વચ્ચે મૂકીને તે દબાવીએ એટલે બન્ચ તૈયાર! હું તો આ કામ માટે સ્ટેપલર સિવાય બીજું કશું વાપરતો જ નથી! ટાંકણી, પિન વગેરેની કડાકૂટમાંથી કાયમી છુટકારો!’

મેં વાતમાં ઝંપલાવ્યું. હું એક એવો માણસ છું જેને બે બાબતોમાં કશી જ ગતાગમ પડતી નથી : એક, આંકડા અને બીજું, યંત્રો. નાનકડા પણ યંત્ર સાથે હું કામ પાડી શકતો નથી. અલબત્ત, કાગળોને જોડવા માટે સ્ટેપલર વાપરવા જેટલો હું યંત્રવિદ્ અવશ્ય છું, પરંતુ એ સ્ટેપલરમાં પિન કઈ રીતે ગોઠવવી તે હજી સુધી મને આવડતું નથી! જ્યારે મારા સ્ટેપલરમાં પિન ખલાસ થઈ જાય છે ત્યારે હું અચૂક અન્ય કોઈ પાસે તે ભરાવડાવું છું!

પણ સ્ટેપલરમાંથી ઝીણી ઝીણી પિનો વિશેના મારા વિસ્મયની વાત જુદા જ કારણે છે. મેં વાતમાં પ્રવેશ કરતાં કહ્યું, ‘કાન્તિભાઈ, મને તો આશ્ચર્ય એ વાતનું છે કે સ્ટેપલરમાંની પિન તેમાંથી નીકળીને કાગળમાં પ્રવેશ્યા પછી તે વળી કઈ રીતે જાય છે અને તેના છેડાઓ ઊલટાઈ શી રીતે જતા હશે? આ ભેદ હજી સુધી મને સમજાયો નથી અને કદી સમજાવાનો પણ નથી.’

મારી આ મૂંઝવણનો ત્યાં કોઈ ખુલાસો કરે તે પહેલાં ગુણવંતભાઈએ વધારે મહત્ત્વની વાત કરી : ‘હું તો સંડાસની ‘ફ્લશ સિસ્ટમ’ પર બહુ ખુશ છું! જેણે એની શોધ કરી હશે તેને મારી લાખ લાખ સલામ! બસ, એક હેન્ડલ ફેરવીએ કે દબ દબાવીએ એટલે જથ્થાબંધ પાણી છૂટે અને થોડીક પળોમાં બધું મેલું સાફ! ‘ફ્લશ સિસ્ટમ’ની શોધ થઈ નહોતી તે પહેલાંની, સંડાસનું મેલું સાફ કરવાની, તેને લઈ જવાની જે પ્રથા હતી તેનો વિચાર કરતાં આજે પણ મને કમકમાં આવી જાય છે. ‘ફ્લશ સિસ્ટમ’ની પ્રમાણમાં નાની અને નજીવી લાગતી વૈજ્ઞાનિક શોધને કારણે આપણા દેશના ઘણા ભાગોમાંથી માથે મેલું ઉપાડવાની અમાનુષી પ્રથા નાબૂદ થઈ તે કાંઈ નાનીસૂની વાત નથી!’

ગુણવંતભાઈની વાત સો એ સો ટકા સાચી હતી. માથે મેલું ઉપાડવાની પાશવી પ્રથા મેં પણ મારી તરુણાવસ્થા સુધી જોઈ હતી. તેને કારણે મેં ત્યારે કેટલીય માનસિક યાતના વેઠી હતી. આજની પેઢીનાં શહેરી યુવક-યુવતીઓને તો માથે મેલું ઉપાડવાની પ્રથા એટલે શું તે સમજાવવું પડે! આ બાબત પૂરતાં તેઓ જરૂર નસીબદાર લેખાય. કેટલાક સમય પહેલાં મેં માથે મેલું ઉપાડવાની પ્રથા વિશે એક લેખ લખ્યો હતો. તે વાંચીને એક તદ્દન અપરિચિત, સુશિક્ષિત યુવાન મારી પાસે દોડી આવ્યો હતો અને તેણે અહોભાવપૂર્વક મને કહ્યું હતું, ‘સાહેબ, આપના લેખ દ્વારા જ મેં આ પ્રથા વિશે પહેલીવાર જાણ્યું. અત્યાર સુધી આવી કોઈક પ્રથા આપણા દેશમાં હતી તેનો કશો ખ્યાલ જ ન હતો.’

સમાજસુધારાનાં કેટલાંક ક્ષેત્રોમાં પણ વિજ્ઞાન કેવું ઉપકારક નીવડી શકે છે તેનું આ એક દૃષ્ટાંત છે આવાં તો અનેક નાનાં-મોટાં ઉદાહરણો આપણી આસપાસ મળી રહે તેમ છે. આપણાં જૂનાં અને નવાં રસોડાંઓ પર જ નજર નાખોને! દાયકાઓ પૂર્વે મારી મા ચૂલા પર રસોઈ કરતી. ચોમાસામાં લીલાં લાકડાં સળગાવતાં તેની આંખોમાં પાણી આવી જતાં અને શ્વાસ ધુમાડાથી રૂંધાતો. આજે મારી નવ વર્ષની પૌત્રી પટ્ દઈને લાઇટર વડે ગેસ સળગાવી દે છે! પહેલાં મારી મા સવારથી રાત સુધીમાં ચાર વાર દૂધ ઊનું કરતી જેથી તે બગડી કે ફાટી ન જાય. પણ હવે ઘરેઘરે ફ્રિજ થઈ ગયાં છે. દૂધ એકથી વધુ વાર ગરમ કરવું પડતું નથી. પહેલાં ઉનાળામાં સવારનાં દાળ-ભાત રાત સુધીમાં બગડી જતાં. હું થોડાંક વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો ત્યારે કિરીટ એચ. શાહ નામના એક આનન્દી મિત્રે મને બહુ જ ગમ્મત પડે તેવી વાત કરી હતી. અમેરિકામાં વસતી એક ગુજરાતણે તેના પતિને રાતના ભોજનમાં ગરમાગરમ કઢી પીરસી. અસ્સલ ગુજરાતી ઢબે એ કઢીનો સબડકો મારી પતિએ કઢી અને પત્નીનાં વખાણ કર્યાં. ડાર્લિંગ, વાહ! તેં આજે શું ફક્કડ કઢી બનાવી છે! સો ટેસ્ટી! કોન્ગ્રેચ્યુલેશન્સ!

પત્નીએ જરા ઝંખવાઈ જઈને, પણ પછી છટાપૂર્વક કહ્યું : ‘વહાલા, આ તો ‘એન્ટિક કઢી’ છે!’ ‘એન્ટિક કઢી? વોટ? કઢી પણ હવે ‘એન્ટિક’ હોય છે?’

ઓફકોર્સ ડિયર! આ કઢી મેં મહિનાઓ પહેલાં બનાવી હતી! વધેલી કઢી મેં ડીપ ફ્રિજમાં રાખી મૂકી હતી! આજે તેને ઓવનમાં ગરમ કરીને તે મેં તમને પીરસી છે! પત્નીએ ખુલાસો કર્યો.

આ કિસ્સામાં અતિશયોક્તિ હોઈ શકે, પરંતુ તેના પરથી એટલું તો ફલિત થાય જ છે કે રેફ્રિજરેટર જેવાં સાધનો હાથવગાં હોવાને કારણે ખાદ્ય-પેય પદાર્થોને લાંબા સમય સુધી જાળવી રાખવાની લોકોની ક્ષમતા અને સુવિધા ઘણી વધી છે. તો પછી તમે દીવાસળી અને લાઇટરની શોધને પણ શું ક્રાન્તિકારી નહીં કહો?

યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા માટે અરણિ કાષ્ઠોના થતા ઉપયોગની વાત મેં મારા બાળપણમાં સાંભળી હતી. યજ્ઞમાં ભાગ લેનારા બ્રાહ્મણો અરણિ નામના વૃક્ષના લાકડાના ટુકડાઓને કલાકો સુધી એકમેક સાથે ઘસતા અને એમ મહામહેનતે અગ્નિ પ્રગટાવતા. કાષ્ઠો ઘસાય અને એમાંથી તિખારા પડે એટલે યજ્ઞની જ્વાળાઓ પ્રગટી ઊઠે. આ રીતે પ્રગટાવાયેલા અગ્નિને સૌથી પવિત્ર અને તેને યજ્ઞને યોગ્ય લેખવામાં આવતો.

એમ તો મેં બાળપણમાં ચકમકના નાના પથ્થરો પરસ્પર સાથે ઘસીને તેમાંથી અગ્નિના તણખાઓ પાડવાનો રોમાંચક અનુભવ પણ કર્યો હતો. ભારતમાં સદીઓ સુધી અગ્નિ પ્રગટાવવાની આ જ એક સહુથી વધુ પ્રચિલત રીત હતી.

દીવાસળી શોધાઈ એ પહેલાં આપણે ત્યાં ગંધકની સળીઓ વડે દીવા પ્રગટાવાતા હતા. લાંબી, પોચી, સહેજ મોટા અને જાડા કદની સળીઓનાં ટોચકાં પર પીળો ગંધક લગાડેલો હોય. ઘરમાં અગ્નિ સળગેલો હોય તેમાંથી ગંધકની એક સળી જલાવાતી અને તેના વડે એક ઝીણો દીવો પ્રગટાવી રખાતો. જ્યારે જરૂર પડે ત્યારે એ દીવામાંથી ગંધકની સળી વડે બીજા દીવાઓ કે સગડી અથવા ચૂલા કે પછી ગરમ પાણીના બંબાની કાકડી સળગાવાતી. દીવાસળી કરતાં ગંધકની સળીઓ સસ્તી પડતી એટલે તેનો ઉપયોગ આ રીતે માધ્યમ તરીકે કરાતો. પણ શું દીવાસળી કે શું ગંધકની સળી, મને તો એ બંનેની અતિ સખ્ત એલર્જી છે તેની દુર્ગંધ, તેમાં વપરાતા લાકડાનું પોચાપણું, દીવાસળીના ખોખાના રંગ, તેના કાગળ – હું આમાંનું કશું જ એક સેકન્ડ માટે પણ સહન કરી શકતો નથી. કોઈક દીવાસળી સળગાવે છે અને હું તેની દુર્ગંધ વિખરાઈ જાય ત્યાં સુધી મારા શ્વાસ અટકાવી દઉં છું. કદી મેચ બોક્સને અડકવાનો પ્રસંગ આવે છે ત્યારે હાથમાં જાણે સાપ કે વીંછી આવ્યો હોય તેવી મારી દશા થઈ જાય છે મેં દીવાસળી સળગાવી હોય એ ઘટનાને તો હવે કદાચ દાયકાઓ વીતી ગયા છે –

ભલેને, દીવાસળીની શોધને પગલે દીપ જલાવવાનું કે અગ્નિ પ્રગટાવવાનું સાવ સરળ થઈ ગયું હોય. જાહેર સમારંભોમાં મારે અનેક વાર દીપપ્રજ્વલનની વિધિ કરવી પડે છે, પણ તે તો નિતાંતપણે અગાઉથી સળગાવીને મારા હાથમાં મુકાતી મીણબત્તી વડે જ. અલબત્ત, લાઇટરની મને આવી કશી તીવ્ર એલર્જી નથી, પણ તે સાથે તેનું રજ માત્ર આકર્ષણ નથી. આનું એક સારું પરિણામ એ આવ્યું છે કે હું ધૂમ્રપાનના વ્યસનમાંથી સંપૂર્ણપણે મુક્ત રહી શક્યો છું.