જનનાંગો વિશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 2

Blogs

ડૉ. મુકુલ ચોકસી

જાતીય સમાગમ વખતે મને ઇન્દ્રિયમાં અસહ્ય વેદના થાય છે. અને ચીસ પાડી ઊઠાય છે. મારે શું કરવું?

સમાગમ દરમિયાન પહેલાં યા પછી જનનાંગોમાં પીડા થવાના ઘણાં કારણો હોઈ શકે. તેનું યોગ્ય નિદાન કર્યા પછી જ ઉપાય સૂચવી શકાય. જેમ કે, ઇન્દ્રિય ઉપરની અગ્રત્વચા સામાન્ય સંજોગોમાં સમાગમ પૂર્વની ઉત્તેજિત અવસ્થામાં સરકીને ઉપર જતી રહેતી હોય છે. જો આ અગ્રત્વચાનું મુખ સાકડું હોય (ફાઇમોસિસ), તો ત્વચા શિશ્નમણી ઉપરથી સરકી શકતી નથી, જેને કારણે પીડા થઈ શકે છે. ક્યારેક આવી તંગ અગ્રત્વચાને બળપૂર્વક પાછળ સરકાવવાની કોશિશમાં નવી સમસ્યા સરજાઈ શકે છે. જો અગ્રત્વચા (ફોરસ્કીન)ને જબરદસ્તીથી જોરપૂર્વક પાછળ ખેંચી લેવામાં આવે તો ક્યારેક તેને ફરી આગળ લાવવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ‘પેરેફાઇનોસિસ’ નામની આ અવસ્થા જબરદસ્ત પીડાકારક હોય છે. જેમાં લિંગ સૂજીને મોટું થઈ જાય છે. આ તબીબી ઇમરજન્સી હોવાથી તાત્કાલિક ચિકિત્સકને મળવું જોઇએ. સાંકડા મુખવાળી તંગ અગ્રત્વચા (ફાઇમોસિસ) માટે પણ વહેલું મોડું ‘સર્કમસીઝન’ (સુન્નત) નામનું ઓપરેશન કરાવવું પડે છે.

પણ સમાગમ દરમિયાનની પીડાનાં આ સિવાય પણ ઘણાં કારણો હોઈ શકે છે. ક્યારેક મૂત્રમાર્ગ (યુરેક્ષા)ના સોજા અથવા ઇન્ફેકશન, પથરી કે પ્રોસ્ટેટ ગ્રંથિના ઇન્ફલેમેશનને લીધે પણ સંભોગ પીડાકારક નીવડી શકે. સ્ત્રીની યોનિ પૂરતી ભીની ન થતી હોય તો ય વધુ ઘર્ષણને લીધે સમાગમનો શરૂઆતનો ભાગ કષ્ટદાયક નીવડી શકે. જનનાંગને ઇજા થઈ હોય કે એની ત્વચા પર અન્ય કોઈ પીડાકારક રોગ હોય તો તેને લીધે સમાગમ વેદના પૂર્ણ બની શકે.

આપને પીડા ક્યારે થાય છે, તેની માત્રા કેટલી છે તથા સમસ્યા કેટલા સમયથી છે તે જાણવું જરૂરી છે. વળી ઉપરની બાબતોને આધારે તબીબી નિદાન જરૂરી છે. જે તે બીમારી જાણ્યા પછી સારવાર થઈ શકે. અપવાદરૂપ કિસ્સાઓમાં એવું ય બન્યું છે કે, પતિપત્ની યોગ્ય આસન કે સમાગમ સ્થિતિનું નિર્માણ કરવામાં નિષ્ફળ ગયા હોય, જેથી ઇન્દ્રિય સીધી રેખામાં યોનિપ્રવેશ પામવાને બદલે આંશિક ખૂણે અથવા વક્ર રીતે પામે. આમ યોનિમાર્ગના કોણને સમાંતર ઢાળ જાળવીને થવું જોઇતું લિનિયર પેનિટ્રેશન ન થવા પામે, જે પણ દુખાવો ઉપજાવી શકે. આવા અપવાદરૂપ કિસ્સામાં અપૂર્ણ યોનિપ્રવેશ પછી બળપ્રયોગ થવાને લીધે જનનાંગનું રીતસરનું ફ્રેક્ચર થયું હોવાનું ય નોંધાયું છે.