જનનાંગો વિશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 1

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારી ઉંમર વીસ વર્ષની છે. મને થોડાં વર્ષો પહેલાં પેશાબની નીચે આવેલ ગોળીઓમાં સોજો આવેલો. ત્યાર બાદ ગોળીઓ ધીમે ધીમે નાની થઈને સૂકાઈ ગઈ છે. વળી દાઢી-મૂછ પણ ખાસ ઊગ્યા નથી. મારા મિત્રો ઘણી વાર મારી મજાક કરે છે, કેમકે તેઓ છોકરી સાથે વાતો કે મજાક કરે તેમાં હું બહુ જોડાતો નથી. અલબત્ત, ટીવી પર ઉત્તેજક દ્રશ્યો જોઉં તો મને ઉત્થાન તથા વાસના જરૂર જાગે છે. ક્યારેક હું હસ્તમૈથુન પણ કરી લઉં છું પણ મને તે વખતે કંઈ દ્રવ્ય નીકળતું નથી. મારા મિત્રો કહે છે કે, તે વખતે ચમચી ભરીને સફેદ, ચીકણું દ્રવ્ય નીકળવું જોઇએ. જો એ ન નીકળે તો તું નામર્દ થઈ જશે. હવે આ સંજોગોમાં હું ડરી ગયો છું. તો મારે શું કરવું એ જણાવશો.

આપની તકલીફના મૂળમાં શુક્રપિંડની સમસ્યા છે. આપ જેને ‘ગોળીઓ સૂકાઈ જવી’ કહો છો એ અવસ્થાનું નામ ‘ટેસ્ટીક્યુલર એટ્રોફૅ છે. શુક્રપિંડની કાર્યશક્તિ ખલાસ થઈ જવાથી (ટેસ્ટીક્યુલર ફેઇલ્યોરથી) બે વસ્તુઓ બને છે. એક તો એમાંથી બનતા પુરુષાતન માટેના અંતઃસ્ત્રાવ (ટેસ્ટોસ્ટેરોન)નું લોહીમાં પ્રમાણ નહીંવત્ થઈ જાય છે અને બીજું સંતાનપ્રાપ્તિ માટે અનિવાર્ય ગણાતા એવા શુક્રાણુ (શુક્રજંતુ, સ્પર્મ્સ)નું ઉત્પાદન થઈ શકતું નથી. સ્પર્મ્સની આ ગેરહાજરી કાયમી રહેશે. કોઈ દવાથી ટેસ્ટીક્યુલર એટ્રોફી સાજી થવાની નથી. આથી આપના જીવનમાં સંતાનપ્રાપ્તિ મુશ્કેલ બનશે. તેમ છતાં કન્ફરમેશન માટે આપે વીર્યની તપાસ કરાવી લેવી હિતાવહ છે. જો તેમાં ‘એઝુસ્પર્મિયા’ (શુક્રાણુઓનો સદંતર અભાવ) એવો રિપોર્ટ આવે તો ઉપરોક્ત શક્યતા સાચી ગણી લેવી જોઈએ.

આ વાતની શંકા આપની તબીબી તપાસ ઉપરથી પણ આવી શકે છે.

પણ હું નથી માનતો કે, આપને જાતીય સુખ માણવામાં કોઈ મોટી મુશ્કેલી પડે! કેમ કે આપને સ્ત્રીઓમાં સહેજસાજ ઓછો તો ઓછો પણ ચોક્કસ રસ પડે જ છે. વળી આપ શિશ્નોત્થાન પણ અનુભવો છો અને હસ્તમૈથુન પણ કરો જ છો. ‘વીર્ય’ ભલેને ન નીકળતું હોય. વીર્ય નીકળ્યા વગરની સ્થિતિ ‘ઓર્ગેઝન્સ’ કહેવાય છે. આમ સ્ત્રીસંગમાં સફળ થવા માટેની બધી આવશ્યકતાઓ આપ ધરાવો છો. આથી હું માનું છું કે, જાતીય આનંદમાં થોડીઘણી વ્યવહારિક મુશ્કેલીઓ બાદ કરતાં આપને બહુ મોટી ખોડ આવવાની શક્યતા હાલ તો જણાતી નથી. મારા મતે આપે એવી કન્યા સાથે લગ્નસંબંધ બાંધવા જોઈએ, જેને પોતાને પણ ગર્ભાશયની કે એવી કોઈક ક્ષતિ હોય. જો છોકરા, છોકરી બેઉમાં મા-બાપ બનવાની ક્ષતિ હોય અને તેનું લગ્ન પહેલાં યોગ્ય નિદાન થઈ ગયું હોય તો તેઓ આમ પણ એકલા એકલા તકલીફમાં રહેતાં હશે. આથી આવાં છોકરાં છોકરી લગ્ન કરે તો તેઓની ક્ષતિ પરસ્પર પૂરક હોય બેવડાતી નથી. વંધ્યત્વ (સ્ટરીલીટી) એટલે કે સંતાન પ્રાપ્ત કરવાની ઉંમર જો બેઉ પક્ષે હોય તો બેઉએ એકમેક સાથે લગ્ન કરીને કંઈ વિશેષ ગુમાવવાનું નથી. ઊલટું તેઓ પોતાની ક્ષતિ છુપાવીને અન્ય નોર્મલ માણસ સાથે લગ્ન કરશે તો બીજી એક વ્યક્તિને દુઃખી કરશે અને એકને બદલે કુલ બે દંપતી સંતાન વગરના રહી જશે. વળી આવી ગોઠવણથી બેઉને એકબીજાનો લાગણીગત આધાર પણ મળી રહેશે.

તમે તમારા ફેમિલી ડોક્ટરને, આવી કોઈ કન્યા ધ્યાનમાં હોય તો તેને વિષે ગુપ્તતા જાળવવાના સોગંદ સાથે માહિતી પૂછી શકો અને લગ્નની દિશામાં આગળ વધી શકો.

આપનાં દાઢી મૂછ અંગે જો આપને વધારે પડતી ચિંતા હોય તો લોહીમાં હોર્મોન્સ (ટેસ્ટોસ્ટેરોન) વગેરેની તપાસ કરાવીને પછી તબીબી સલાહ અનુસાર હોર્મોન્સ લઈ શકો. ટેસ્ટોસ્ટેરોન કેપ્સ્યુલ તથા લોંગટર્મ ડેપો ઇજેકશન્સના સ્વરૂપમાં મળતું હોય છે. હોર્મોન્સ લિવર, પ્રોસ્ટેટ વગેરેની યોગ્ય તપાસ કરાવીને જ લેવાં. તેનાથી શુક્રજંતુ બનતા નથી થઈ જવાના પણ કદાચ કામેચ્છા તથા ઓર્ગેઝમ્સની ગુણવત્તામાં થોડો સુધારો થાય. એનાથી કદાચ વીર્યની ચીકાશ-જે આપને કવચિત અલ્પ માત્રામાં નીકળતી હોય તેમાં ય સહેજસાજ વધારો થઈ શકે. પણ તેમ થવાથી આપને કે આપના ભાવિ પત્નીને મળનાર જાતીય સુખમાં ખાસ ફરક પડશે નહીં. કારણ કે ઓર્ગેઝમ એ ઓર્ગેઝમ જ રહેશે. વીર્ય નીકળે કે ન નીકળે એનાથી ઓર્ગેઝમની ગુણવત્તામાં કોઈ ફરક પડશે નહીં. હોર્મોન્સ ક્યાં સુધી લેવા તે અંગે કોઈ ચોક્કસ ગાઇડલાઇન્સ નથી સૂચવતો. કેમ કે એનો આધાર ક્લિનિકલ રિસ્પોન્સ, આપની જરૂરિયાત, બીમારીનો તબક્કો તથા આડઅસરો ઉપર નિર્ભર રહેશે.

રહી વાત મિત્રોના આપના તરફના વલણની એ અંગે ઝાઝું ધ્યાન ન આપો. આપ અપસેટ થશો તો તેમને મજાક કરવાની વધારે ઇચ્છા થશે. છોકરીઓની વાતો ગ્રુપમાં કરવામાં કંઈ ધાડ નથી મારવાની, આપ ઇચ્છો તો આપ પણ એ કામ આસાનીથી કરી શકો. એમાં કંઈ લઘુતા અનુભવવાની જરૂર નથી. બને તો થોડું વધારે શેવિંગ કરો. હસ્તમૈથુન ઇચ્છો ત્યારે કરી શકો. એ માટે જાત ઉપર બળજબરી ન કરો. જરૂરી જણાય તો સાથે ઇરોટિક ફેન્ટસી કે લિટરેચરનો ક્યારેક ઉપયોગ કરી શકો. સેક્સ થેરાપિસ્ટ, એન્ડો ક્રાઇનોલોજિસ્ટ કે એન્ડ્રોલોજિસ્ટના સંપર્કમાં રહો. યાદ રાખો ! ઘરેલુ નુસખાઓથી મનની સાંત્વના મળશે પણ ઝાઝો ફાયદો આ સ્થિતિમાં નહીં થશે. બહુ ચિંતામાં રહેવાનો ગેરફાયદો એ છે કે ચિંતાને કારણે ઉદ્ભવતી સેક્સની સમસ્યાઓને આપણે ભોગવવી પડે છે અને આપણે એમ માનતા રહી જઈએ કે, આપણી સમસ્યા ગોળીની ખામીને કારણે ઉદ્ભવી છે.