સામાજિક સંસ્થાઓએ લોકડાઉન દરમિયાન શ્રમિકોને ભોજન કરાવ્યું : હવે મ્યુ. કોર્પોરેશન પાસે કરોડો રૂપિયા માગ્યા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

લોકડાઉન દરમિયાન રોજગાર – ધંધા બંધ થયા બાદ શ્રમિકો અને જરૂરીયાતોને ખાવાનું ખવડાવી સોશ્યલ મીડિયા પર વાહ..વાહ.. મેળવવાનો દોર ચાલ્યો હતો. હવે આમાથી જ કેટલીક સામાજિક સંસ્થાઓએ મ્યુ. કોર્પો.ની તિજોરીમાંથી ૨૦ કરોડથી વધુ રકમ મેળવવા બીલ રાખ્યા છે. આમાંથી કેટલીક સમાજસેવી સંસ્થાઓને બીલનું ચુકવણુ પણ કરી દેવાયું છે.

હજુ પણ અનેક કરોડ રૂપિયા મ.ન.પા.એ ચુકવવાના છે. આ ખુલ્લાસો સુરત મહાનગર પાલિકાએ એક આરટીઆઇ જવાબમાં કર્યો છે. લોકોને ખાવાના બદલામાં કેટલીક સંસ્થાઓએ મ.ન.પા.માં બીલ મુકી ચુકવણાની માંગણી કરી છે. કોંગ્રેસને આશંકા છે કે, સમાજસેવી સંસ્થાઓના નામે કયાંક રૂપિયાની લેવડ-દેવડ કરી ભ્રષ્ટાચાર તો નથી થઇ રહ્યોને.

સુરત મહાનગરપાલિકાએ એક આરટીઆઇના જવાબમાં જણાવ્યું છે કે, શહેરની સંસ્થાઓએ લોકડાઉન દરમિયાન મ.ન.પા.ને ભોજન બનાવી આપ્યું હતું જેનું બીલ ચૂકવાયું છે અને વધુ પણ ચુકવવાનું બાકી છે.

અત્રે એ નોંધનીય છે કે સમાજ સેવા કરનારી સંસ્થાઓને વિનામૂલ્યે ભોજન કરાવવાનો દાવો કર્યો હતો. જેને લઇને સોશયલ મિડીયામાં અસંખ્ય પોસ્ટ અને અખબારોમાં સહયોગ અને પ્રસિધ્ધીના મોટા-મોટા સમાચારો પ્રસિધ્ધ થયા હતા.

અક્ષય પાત્ર ફાઉન્ડેશન મ.ન.પા.ની સ્કુલોમાં મધ્યાહન ભોજન પુરૃં પાડે છે. એવો આરોપ છે કે આ સંસ્થાને પણ મ.ન.પા.એ કરોડો રૂપિયા આપ્યા છે. મ.ન.પા.ની સ્કુલ લોકડાઉન બાદ હજુ બંધ છે એવામાં આ સંસ્થાને ભોજન માટેનું બીલ ચૂકવણુ ભ્રષ્ટાચારની ચાળી ફુંકે છે તેવું રાજસ્થાન પત્રીકાના એક અહેવાલમાં જણાવાયું છે.

આરટીઆઇ કરનાર શહેર – જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ વિભાગના અધ્યક્ષ કલ્પેશ બારોટનું કહેવું છે કે, જ્યારે લોકડાઉન દરમિયાન શહેરમાં સેંકડોની સંખ્યામાં સામાજીક સંસ્થાઓ નિસ્વાર્થભાવથી જરૂરીયાતમંદોને ભોજન આપતી હતી તો આવા બીલ કેવી રીતે મંજૂર થયા. મળતી માહિતી મુજબ કેટલીક સંસ્થાઓને ૧૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ જ પ્રકારે શહેરની અનેક સંસ્થાઓએ લાખો તો કેટલાકે કરોડોનો કલેઇમ કર્યો છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ મૂકયો છે.

મેયર ડો. જગદીશ પટેલનું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન ૧૦ લાખ શ્રમિકોને બે સમયનું ભોજન કરાવવું જરૂરી હતું. શરૂઆતમાં અમુક સંસ્થાઓએ વિનામૂલ્યે ભોજન ખવડાવ્યું પરંતુ લોકડાઉન વધ્યું તો અમે નક્કી કરેલા દરે સંસ્થાઓ પાસેથી ભોજન લીધું હતું. જો કોઇ ગોલમાલની ફરીયાદ મળશે તો તપાસ કરાવશું.