રૂસ વિશ્વની પ્રથમ કોરોના વેકસીનના લોન્ચીંગ માટે તૈયાર

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે, સમગ્ર વિશ્વમાં હાલ ૨૧થી વધુ વેકસીનોનું કલીનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. વેકસીનને વિકસિત કરવાની પ્રક્રિયામાં રૂસ સૌથી આગળ જણાય રહ્યું છે. આવતીકાલે રૂસ પોતાની પ્રથમ કોરોના વેકસીનનું રજીસ્ટ્રેશન કરાવશે. રૂસી અધિકારીઓ અને નિષ્ણાંતોના દાવો અનુસાર આ વિશ્વની સૌ પહેલી કોરોના વેકસીન હશે. રૂસના ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિડનેવે એલાન કર્યું છે કે આવતીકાલે કોરોના વેકસીનનું રજીસ્ટ્રેશન થશે. જો કે અમેશ્રિકા, બ્રિટન સહિત અનેક દેશ રૂસના આ દાવાને શંકાની નજરે જોઇ રહ્યા છે પણ રૂસનો દાવો છે કે તેણે કોરોનાની વેકસીન બનાવી લીધી છે. આવતીકાલે રજીસ્ટ્રેશન થયા બાદ તેના ઉત્પાદન અને રસીકરણ પર ભાર મૂકાશે.

રૂસના ઉપસ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે કે, ગામાલેયા કેન્દ્રએ આ વેકસીન તૈયાર કરી છે જેનું કાલે રજીસ્ટ્રેશન થશે. હાલ તેનું અંતિમ પરિક્ષણ થઇ રહ્યું છે જે મહત્વનું હશે.

રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશકોએ કહ્યું છે કે, જોખમ સમૂહના સભ્યો જેમ કે વ્યવસાયી ડોકટરોને આ મહિને રસી લગાડાશે. જો કે તેમણે એ સ્પષ્ટતા ન કરી કે શું તેઓ ત્રીજા ચરણના અભ્યાસનો હિસ્સો બનશે. જેને રસીને સશતે મંજુરી મળ્યા બાદ પૂરો કરવાનો છે.

રૂસના ઉપપ્રધાન મંત્રી તાત્યાના ગોલિકોવાએ કહ્યું છે કે, આવતા મહિને ઉત્પાદન શરૂ થશે. જો રૂસનો આ દાવો સાચો સાબિત થાય તો કોરોના સામેના જંગમાં મોટી સફળતા મળશે અને આ વર્ષના અંત સુધીમાં વિશ્વને કોરોના વેકસીન મળી જશે.

રૂસ સરકારનો દાવો છે કે, ‘Gam – Covid – Vac Lyo’ નામની આ વેકસીન કાલે રજીસ્ટર થયા બાદ સપ્ટેમ્બરમાં માસ પ્રોડકશન થશે અને ઓકટોબરમાં દેશભરમાં રસીકરણ શરૂ કરાશે.

રશિયાની કોરોના રસીમાં ચેપ લાગેલા પ્રોટીનને કોરોના વાઇરસ સાથે માનવશરીરમાં દાખલ કરી રોગપ્રતિકારક પ્રતિભાવ પેદાં કરવામાં આવશે. રસીની સલામતિ અને અસરકારકતા બાબતે થઇ રહેલી અટકળોનો જવાબ આપતાં ગામાલેયા રિસર્ચ સેન્ટરના ડાયરેકટર એલેકઝાન્ડર જિન્ટસબર્ગે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના વિષાણુઓ શરીરને નુકશાન પહોંચાડી શકે તેમ નથી કેમ કે તેમની સંખ્યા વધતી નથી.

રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પણ નિષ્ણાતોએ જે રીતે રસી વિકસાવવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ રશિયાને કોરોના રસી નિશ્ચિત ગાઇડલાઇન્સ અનુસાર સલામત અને અસરકારક બની રહે તે રીતે વિકસાવવાની કડક સલાહ આપવામાં આવી હતી.