૬ બેન્કોને રૂા. ૩૫૦ કરોડનો ચૂનો લગાવી ઉદ્યોગપતિ ફરાર

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કેનેરા બેન્ક સહિત ૬ બેન્કોમાં ૩૫૦ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યુ છે. આ બારામાં બેન્કોએ સીબીઆઈમાં કેસ નોંધાવ્યો છે. કૌભાંડના આરોપી મનજીતસિંહ મખની છે. જે પંજાબ બાસમતી રાઈસ લી.ના વડા છે. આરોપીઓમાં તેના પુત્ર કુલવિન્દરસિંહ અને પત્નિ જસમીત કૌરનું નામ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી મખની બે વર્ષ પહેલા એટલે કે ૨૦૧૮માં જ દેશ છોડી ચાલ્યો ગયો હતો.

બેન્કોની ફરીયાદ પર સીબીઆઈએ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. સીબીઆઈની એફઆઈઆર અનુસાર આ મામલામાં કેનેરા બેન્કમાં ૧૭૫ કરોડ રૂ., આંધ્ર બેન્કમાં ૫૩ કરોડ રૂ., યુબીઆઈ બેન્કમાં ૪૪ કરોડ રૂ., ઓબીસી બેન્કમાં ૨૫ કરોડ રૂ., આઈડીબીઆઈમાં ૧૪ કરોડ રૂ. અને યુકો બેન્કમાં ૪૧ કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. પોતાની ફરીયાદમાં કેનેરા બેન્કે કહ્યુ છે કે પંજાબ સાબમતી રાઈસ ૨૦૦૩થી અમારી પાસેથી ક્રેડીટ ફેસેલીટી લેતી હતી.

એફઆઈઆર અનુસાર જ્યારે કંપની લોન અને હપ્તા ચુકવવામાં નિષ્ફળ ગઈ તો બેન્કે લોનને એનપીએ ગણી લીધું. કેનેરા બેન્કે ૨૫ એપ્રિલ ૨૦૧૮માં, આંધ્ર બેન્કે ૩૧ માર્ચ ૨૦૧૮માં, ઓબીસીએ ૨૭ જૂન ૨૦૧૮માં, આઈડીબીઆઈએ ૩૧ માર્ચ ૨૦૧૮માં, યુબીઆઈએ ૩૦ એપ્રિલ ૨૦૧૮માં અને યુકો બેન્કમાં ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ લોનને એનપીએ ગણી લેવામાં આવી હતી.

ગયા વર્ષે માર્ચમાં બેન્કોએ આ મામલાનો ખુલાસો કર્યા બાદ રીઝર્વ બેન્કને માહિતી આપવામાં આવી હતી. જે પછી બેન્કોએ સીબીઆઈને ફરીયાદ કરી હતી. ગયા મહિને સીબીઆઈએ ફરીયાદ નોંધી છે. આરોપ છે કે મનજીતસિંહ મખનીએ સ્ટોક અને પ્રાઈમરી સિકયુરીટીને ડીસ્પોઝ કરી ગોટાળો કર્યો છે.

તપાસમાં એવુ પણ બહાર આવ્યુ છે કે બેન્ક લોનના બદલામાં કંપનીએ ૨૯૧ કરોડ રૂપિયાનો ચોખાનો જથ્થો સિકયુરીટી પેટે રાખ્યો હતો તે પણ ગાયબ છે અને તેના ઈન્વોઈસ પણ બેન્કોમાં જમા નથી કરાયા. કંપનીનું કહેવુ છે કે સ્ટોક વેચાય ગયો છે. જો કે બેન્ક એ માનવા તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેરા બેન્કે ફરીયાદમાં કહ્યુ છે કે મનજીતસિંહ કેનેરા ભાગી ગયો છે. જ્યારે કુલવિન્દરના વકીલનું કહેવુ છે કે આ સિવીલ વિવાદ છે અને કંપની અગાઉ જ દેવાળાની પ્રક્રિયા માટે એનસીએલટી જઈ ચુકી છે. એવામાં જ્યારે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે તો અમે કશું કહી ન શકીએ.