મંદી વચ્ચે બિલ્ડર ક્વોટા સિમેન્ટ બેગમાં રૂ. 20નો ભાવ વધારો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વૈશ્વીક કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન બાદ મંદીના માહોલ વચ્ચે સીમેન્ટ કંપનીઓએ અચાનક બિલ્ડર કવોટાની સીમેન્ટમાં ભાવ વધારો ઝીંકી દેતા બિલ્ડરોમાં ઉહાપોહ મચી ગયો છે.

 

સાતમ-આઠમ પૂર્વે તમામ સીમેન્ટ કંપનીઓએ બિલ્ડર કવોટા (નોન ટ્રેડ) સીમેન્ટની થેલીમાં અચાનક જ ર૦ રૂ.નો ભાવ વધારો ઝીંકી દિધો હતો. પાંચ ઓગસ્ટ પૂર્વે બિલ્ડર કવોટા સીમેન્ટ થેલી એકનો ભાવ ર૭પ રૂ. હતા તે વધારીને ર૯પ રૂ. કરી દિધા છે. જો કે, રિટેઇલમાં સીમેન્ટની થેલીમાં કોઇ ભાવ વધારો કરાયો નથી રીટેઇલમાં સીમેન્ટ એક થેલીનો ભાવ ૩ર૦ થી ૩૩પ રૂ. છે.

સીમેન્ટની કંપનીઓએ બિલ્ડર કવોટાની સીમેન્ટની એક થેલી દીઠ અચાનક ર૦ રૂ.નો ભાવ વધારો ઝીંકી દેતા બિલ્ડરોમાં રોષ વ્યાપેલ છે. બિલ્ડરોના જણાવ્યા મુજબ લોકડાઉન બાદ તમામ ક્ષેત્રે મંદીનો માહોલ છે. ખાસ કરીને બાંધકામ ઉદ્યોગ મંદીના કારણે પડી ભાંગ્યો છે. ત્યારે સીમેન્ટ કંપનીઓએ કાર્ટેલ રચી અચાનક ભાવ વધારો ઝીંકી દેતા બિલ્ડરોમાં ઉહાપોહ મચી ગયો છે.

બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોના જણાવ્યા મુજબ અગાઉ તેજીના કારણે બિલ્ડર કવોટા (નોન ટ્રેડ) સીમેન્ટ થેલીનો ભાવ ર૯પ રૂ. સુધી પહોંચી ગયો હતો બાદમાં ભાવ ઘટીને ર૭પ રૂ. થઇ ગયો હતો અને લોકડાઉન બાદ વૈશ્વીક મંદીના પગલે સીમેન્ટના ભાવો ઘટવા જોઇએ તેના બદલે સીમેન્ટની કંપનીઓએ કાર્ટેલ રચી ભાવ વધારો ઝીંકી દેતા અનેક બિલ્ડરોના પ્રોજેકટના બજેટમાં ના છૂટકે ભાવ વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

બિલ્ડરોના જણાવ્યા મુજબ જૂના ભાવે કંપનીમાં એડવાન્સમાં પેમેન્ટ જમા હોવા છતાં નવો ભાવ વધારો આવતા જૂના ભાવની સીમેન્ટના જથ્થો વિતરણ કરવાની કંપનીઓ દ્વારા ઇન્કાર કરવામાં આવે છે. નવા ભાવે જ સીમેન્ટના જથ્થાનું વિતરણ કરાઇ છે. અનેક બિલ્ડરોના પેમેન્ટ કંપનીઓમાં જમા પડયા હોય જૂના ભાવ બાબતે બબાલ સર્જાઇ છે.

બિલ્ડર કવોટાના સીમેન્ટના એક થેલીએ ર૦ રૂ.નો ભાવ વધારો થતા આગામી દિવસોમાં મંદી વચ્ચે બિલ્ડરોને મકાનોના ભાવો પણ વધારવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે.