રસીની અફવાઓને નિયંત્રિત કરવાની રાજ્યોની જવાબદારી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરુ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે. ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરુ કરાશે. આ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રસીકરણની તૈયારીઓને મુદ્દે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.

રસીકરણ અભિયાનના પહેલા તબક્કાને લઇને યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે, દેશ કોરોના મહામારી સામેની જંગમાં નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે અને ભારત દેશ વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરુઆત કરવા જઇ રહ્યો છે.

રાજ્ય સરકારો અને કેન્દ્રની રસીકરણ અભિયાનને શરુ કરવાની તૈયારીઓને લઇને પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના તમામ જીલ્લાઓમાં ડ્રાય રન પૂરો કરવામાં આવ્યો છે, એક મોટી સિદ્ધિ છે. રસીકરણના પહેલા તબક્કા વિશે માહિતગાર કરતા પીએમ મોદીનું કહેવુ હતું કે, આ તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ, સ્વાસ્થ કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, સિવિલ સર્વન્ટ્સ, એમ તમામ લોકોને રસી લગાવવામાં આવશે. દેશભરમાં આવા કુલ ૩ કરોડ કર્મચારીઓને પહેલા તબક્કામાં આવરી લેવામાં આવશે જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ સિવાય ૨૭ કરોડ લોકોને પણ રસીકરણના પહેલા તબક્કામાં રસી લગાવવામાં આવશે.

જોકે દેશમાં બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી બાદ વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવેલા સવાલોને લઇને પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતે જે બે કોરોના વેક્સીનને મંજૂરી આપી છે તે બંને વેક્સીન ભારતમાં ઉત્પાદન થયેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનને મુદ્દે અફવાઓથી બચવાની સલાહ આપતા કહ્યું હતું કે રસીને લઇને આવી રહેલી અફવાઓ પર અંકુશ મેળવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે આગળ જણાવ્યું હતં કે રસીની સાઇડ ઇફેક્ટ સામે આવે તો આ માટે તંત્ર ઉભુ કરાયેલું છે.