પ્લીઝ, સુખનું સરનામું આપશો ?

Blogs

  • ભગવતીકુમાર શર્મા

એક જિજ્ઞાસુ જણ એક ચિંતક પાસે ગયો. વન્દન કરીને તેણે પૂછ્યું, ‘મહાદેવ, આપ તો મોટા ચિંતક છો. હું મૂંઝાયેલો પણ જિજ્ઞાસુ જીવ છું. મારી એક મૂંઝવણનું આપ નિરાકરણ કરશો?’

ચિંતકે કહ્યું : ‘ભાઈ, તું કહે છે તેવો હું કોઈ મોટો ચિંતક નથી, છતાં તારી મૂંઝવણમાં સહભાગી બનવાનું મને ગમશે. કહે, તારી મૂંઝવણ શી છે?’

જિજ્ઞાસુએ કહ્યું : ‘મહાશય, હું એટલું જ જાણવા માગું છું કે સુખ ક્યાં રહે છે? સુખનું નિવાસસ્થાન ક્યાં આવેલું છે? આપ મને સુખનું સરનામું આપી શકશો?’

જિજ્ઞાસુનો પ્રશ્ન સાંભળી ચિંતક કંઈક મોટેથી હસી પડ્યો અને પછી તેણે કહ્યું : ”ઓહો! એમાં શી મોટી વાત છે? તારી આટલી જ મૂંઝવણ છે ને? તેનું તો હું ચપટી વગાડતાંમાં નિરાકરણ કરી શકું તેમ છું.’

જિજ્ઞાસુને તો ઘણું આશ્ચર્ય થયું, સાથે આનન્દ પણ. તે અતિ કુતૂહલપૂર્વક ચિંતક સામે તાકી તેના બોલવાની વાત જોઈ રહ્યો. થોડી વારે ચિંતકે પૂરી ગંભીરતાથી કહ્યું :

‘મિત્ર, હું તને જે કહું તે તું ધ્યાનપૂર્વક સાંભળ. તને જે સુખની શોધ છે તે તો વસેલું છે એક મંદિરના ખૂણામાં!’

ચિંતકની વાત સાંભળી જિજ્ઞાસુ અધીરાઈપૂર્વક બોલી ઊઠ્યો : ‘હેં? મંદિરના ખૂણામાં? ક્યાં આવેલું છે એ મંદિર? મને તેનું સરનામું આપો એટલે હું હમણાં જ ત્યાં પહોંચી જાઉં!’

ચિંતકે મંદ મંદ સ્મિત વેરીને કહ્યું : ‘મારી વાત હજી અધૂરી છે ભાઈ! તને જેની શોધ છે તે સુખ એક મંદિરના ખૂણામાં વસેલું છે અને એ મંદિર સંપૂર્ણપણે ગોળાકાર છે!’

‘મંદિર ગોળાકાર છે? પૂરેપૂરું? તો પછી તેમાં સુખ ક્યાંથી વસેલું હોય? ગોળાકાર મંદિરમાં કાંઈ ખૂણો હોઈ શકે? તમે તે કેવી વાત કરો છો?’ જિજ્ઞાસુએ અકળામણ ઠાલવી. ચિંતક કાંઈ ન બોલ્યો. તેણે હાથમાં સળી લઈ જમીન પરની ધૂળમાં આડાઅવળા લીટા દોર્યે રાખ્યા!

વાત સાચી છે : સુખ ગોળાકાર મંદિરના એક ખૂણામાં વસે છે. મતલબ કે ક્યાંય વસતું નથી! એક વિચારકે તો રોકડું કહેલું જ છે કે Happiness is there where I am not! અર્થાત્ હું જ્યાં નથી હોતો ત્યાં સુખ હોય છે. મતલબ કે સુખ કદી મને તો પ્રાપ્ત થતું જ નથી!

પરંતુ સુખ વિશે આટલા બધા નિરાશાવાદી બનવાનું જરૂરી કે યોગ્ય નથી. હું જાણું છું કે સુખ ક્યાં રહે છે! આ રહ્યું સુખનું સરનામું : મિત્રો, સુખ એક એવા મંદિરમાં વસે છે જે ગોળાકાર નથી અને જેને એક સરખો ખૂણો પણ છે. સુખ મંદિરના એ ખૂણામાં વસેલું છે. એ મંદિરનું નામ છે મન! દોસ્તો, તમારા મનમંદિર સિવાય બીજે ક્યાંય સુખ નથી વસતું!

અને છેલ્લે : મારી ગઝલનો આ શેર

‘ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું,

આમેય ક્યાં જીવંત છું? ‘હોવા’નો ભાસ છું!’