કડક કવોરેન્ટાઇન નિયમોમાંથી ખેલાડીઓને છુટ આપવી જ પડશે

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કડક કોરોના નિયમોથી કંટાળી ગયા છે અને  બીસીસીઆઇ પણ આ સમસ્યાને સમજી રહ્યું છે. બીસીસીઆઇ એ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ ને પત્ર લખીને  ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ છે કે, જો બ્રિસ્બેનમાં ટેસ્ટ રમવી હોય તો ખેલાડીઓને કડક કવોરન્ટીન નિયમોથી છૂટ આપવી પડશે. ચોથી ટેસ્ટ ૧૫ જાન્યુઆરીએ રમાશે.

બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડ પ્રાંતમાં છે. ત્યાંના પ્રોટોકોલ મુજબ, ટીમના ખેલાડીઓને કવોરન્ટીન દરમિયાન એક ફ્લોર પર ખેલાડીઓને મળવાની જ પરવાનગી આપવામાં આવશે. ખેલાડીઓ બીજા ફ્લોર જઈ શકતા નથી. તબીબી ટીમને પણ એક ફ્લોરથી બીજા ફ્લોર પર જવા દેવામાં આવશે નહીં.

બીસીસીઆઇના અધિકારીએ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના હેડ અર્લ એડિંગને ટૂર પહેલા સહી કરાયેલા કરારની યાદ અપાવી, જેમાં કડક નિયમોનું ૨ વાર પાલન કરવું પડશે તેવી વાત કરવામાં આવી નથી. અધિકારીએ  કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બોર્ડ સાથે વાત ચાલુ છે. તેમને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને રિલેકસેશન આપવાનું કહેવામાં આવ્યું છે. જો સીરિઝ પૂરી કરવી હોય, તો તેમણે આ માટે મંજૂરી આપવી પડશે. ટીમ ઇન્ડિયાએ પહેલા જ સિડનીમાં કવોરન્ટીન પ્રોટોકોલનું પાલન કરી લીધું છે. હવે બ્રિસ્બેનમાં આવું કરવાની શું જરૂર છે?

બોર્ડે કહ્યું કે, ખેલાડીઓને હોટલમાં એકબીજાના રૂમમાં જવાની પરવાનગી મળવી જોઈએ. IPLમાં પણ આમ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત એકબીજા સાથે જમવાની અને ટીમ મિટિંગની પણ પરવાનગી મળવી જોઈએ.

બ્રિસ્બેન ટેસ્ટ અંગે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે બોર્ડ અને મેનેજમેન્ટ આ અંગે નિર્ણય લેશે. તેણે કહ્યું હતું કે સિડનીમાં ખેલાડીઓએ કડક કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડે છે, જ્યારે બહારનું જીવન સામાન્ય છે.