દુર્ભાગ્ય અને મહાદુર્ભાગ્ય !

Blogs

ઓશોઅંશ-1

  • નરેશ શાહ દ્વારા

 

‘ભગવાન (રજનીશજી)નું અમેરિકા જવું જ દુર્ભાગ્યપુર્ણ છે,

વળી તેમને ત્યાં કાયમી વિઝા મળવા (એ તો) મહાદુર્ભાગ્ય થયું.’

 

‘અમિતાભ બારામાં તમે જે સાંભળ્યું છે, તેના વિષે મારે માત્ર એટલું જ કહેવું છે કે, જ્યારે કોઈ મને કહે કે કાગડો કાન લઈ ગયો તો હું કાગડા પાછળ નથી દોડતો. હું મારા કાન ચકાસી લઉં છું (કે એ સલામત તો છે ને) ! અમિતાભ જો મારો પુત્ર છે તો એ આટલા નિમ્ન સ્તર પર ઉતરી જ ન શકે, જેટલા આરોપ તેના પર લગાવવામાં આવે છે!’

 હા અને ના. આ શબ્દો નેચરલી કવિવર હરિવંશરાય બચ્ચનના છે એવું તમારું અનુમાન સાચું છે પણ એ બોફોર્સ કે રાજકારણના સંદર્ભમાં કહેવાયા છે એવું તમે ધારી લીધું હોય તો યૂ આર રોંગ. ઓશો રજનીશજીને અત્યંત સમર્પિત સ્વામી અગેહ ભારતીજીને 11 જાન્યુઆરી, 1980એ લખેલાં પત્રમાં આવી કેફિયત બડે બચ્ચનજીએ બયાન કરી હતી, કારણ કે આગલા પત્રમાં સ્વામીજીએ તેમને લખેલું કે, મેં તાજી અફવા એ સાંભળી છે કે અમિતાભ બચ્ચને ઓશો રજનીશજીને દશ લાખ રૂપિયાની કાર લાંચમાં આપી છે કે જેથી તેઓ વિનોદ ખન્નાને ફિલ્મ જગતની દૂર કરી દે (એ વખતે વિનોદ ખન્નાને ફિલ્મ-બિલ્મ છોડીને સન્યાસી બનીને રજનીશ આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા!) અને એ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમિતાભની ટક્કરનો કોઈ અભિનેતા જ ન રહે!

 આ અફવા કરતાં વધુ ઇન્ટરેસ્ટિંગ છે બચ્ચનજી અને સ્વામી અગેહ ભારતીજીનો આ પત્ર વ્યવહાર. બન્ને વચ્ચે એવું કયુ બોન્ડિંગ હતું કે ઓશો સન્યાસી તેમને બેધડક અફવાઓ લખી શકતા હતા અને હિન્દી સાહિત્યના સુપરસ્ટાર પણ તેનો ખુલાસો આપવાનું જરૂરી માનતા હતા ? જવાબ જરા શોકિંગ છે અને કદાચ, એટલે જ રસપ્રદ છે. સ્વામી અગેહ ભારતી અને હરિવંશરાય બચ્ચનને જોડતી કડીનું નામ છે ઃ આચાર્ય રજનીશ, ભગવાન રજનીશ, ઓશો રજનીશ અને માત્ર ઓશો.

* * *

એ સ્વયં સ્પષ્ટ છે કે ઓશો રજનીશજી અને મધુશાલા ફેઇમ (કે મેકર ઓફ અમિતાભ બચ્ચન) હરિવંશરાય બચ્ચન બન્ને એવી ટાવરિંગ પર્સનાલિટી છે કે તેમનો પરિચય આપવો એ દરિયાનું પાણી જોખવાનો વ્યાયામ સાબિત થાય. હા, આ બન્ને મહારથીઓ પોતપોતાની રીતે ક્રાન્તિકારી અથવા બંડખોર સર્જન તેમજ વિચારો થકી જ વાઈરલ થયા હતા. આજે બન્ને હયાત નથી. રજનીશજી 59 વરસની ઉંમર (19 જાન્યુઆરી, 1990) પોતાની વિઝિટ પૂરી કરીને ગયા તો બડે બચ્ચનજીએ 96 વરસે (18 જાન્યુઆરી, 2003) એકઝિટ લીધી. ફિલોસોફીના લેકચરર અને પ્રોફેસર તરીકે માત્ર પાંત્રીસ વરસની ઉંમરે રિઝાઇન કરીને ક્રાન્તિકારી વિચારોનો આખા દેશને કરન્ટ આપનારા આચાર્ય રજનીશ 1970 સુધીમાં (થેન્કસ ટૂ ઇન્ડિયન મિડિયા) સેકસગુરૂ તરીકે ચર્ચાસ્પદ બની ગયા હતા તો રજનીશજી જ્યારે તેર વરસની ઉંમરના ટીનએજ બોય હતા ત્યારે, 1944માં ‘મધુશાલા’ (બૈંર બઢાતે મંદિર-મસ્જીદ, મૈલ કરાતી મધુશાલા!)      લખીને બધા સ્તબ્ધ કરી દેનારાં હરિવંશરાય બચ્ચનની ઉંમર ત્યારે માત્ર 37 વરસની જ હતી. મધુશાલાના કારણે બડેં બચ્ચનજી પર માછલાં ધોવાયાં હતા. કવિ તો કંઈપણ બોલે અને કાગડો તો કંઈપણ ખાય એમ કહીને કદાચ, લોકોએ મને ચલાવી લીધો હતો એવું ખુદ હરિવંશરાય બચ્ચન લખી ચૂક્યા છે સ્વામી અગેહ ભારતીજીને.

 કોણ છે આ સ્વામી અગેહ ભારતી અને બચ્ચનજી સાથે તેમની કનેકટીવિટી કઈ રીતે જોડાઈ? મૈં લિખતા જો, લગતા લિખ ગએ બચ્ચન, મૈં પઢતા જો, લગતા પઢ ગએ બચ્ચન… જેવી પંિક્તઓ થકી હરિવંશરાય બચ્ચનના સર્જનની પડેલી ચિરંજીવ અસરને બયાન કરનારા સ્વામી અગેહ ભારતીજી ત્યારે શિવ પ્રતાપસિંહ હતા. ભારતીય રેલવેમાં સરકારી બાબુ. રજનીશજી કરતા ઉંમરમાં ત્રણ વરસ મોટા. નોકરીના ભાગરૂપે જબલપુર (અત્યારે સતના, મધ્યપ્રદેશમાં રહે છે!) શિફટ થયા પછી સૌ પ્રથમ વખત 1967માં રજનીશને મળ્યા. આચાર્ય રજનીશ ત્યારે પ્રોફેસરી છોડી ચૂક્યાં હતા. પહેલાં બચ્ચનજીના પછી ખલીલ જિબ્રાનના અને ત્યાર બાદ ફાઇનલી રજનીશજીના વિચારોથી રંગાઈ ગયેલા શિવ પ્રતાપસિંહ 1971માં ઓશોના હાથે દીક્ષા લઈ સ્વામી અગેહ ભારતી બન્યાં અને રજનીશ સિવાયનું સઘળું છૂટી ગયું. પહેલાં કવિતાઓ લખતાં. સાહિત્યિક લખાણ લખતાં, ધર્મયુગ, સાપ્તાહિક હિન્દુસ્તાન, જ્ઞાનોદય, દિનમાન જેવા પ્રકાશનોમાં તેમનું સર્જન પ્રસિદ્ધ થતું. હજુ રજનીશજીનો કેફ ઘૂંટાયો નહોતો ત્યારે, 1968માં તેમણે ‘બચ્ચન : નિકટ સે’ નામના પુસ્તક માટે દિગ્ગજ સાહિત્યકારો સાથે તેર પાનાંનો બચ્ચન પર લેખ લખેલો.

 આ લેખ સ્વામી અગેહ ભારતીજી અને હરિવંશરાય બચ્ચનજીને જોડતી કડી બન્યો. પણ રિપીટેડલી લખવાનું કે માત્ર કડી બન્યો. આખી સાંકળસુત્રતાના નિમિત્ત તો હતા ઓશો રજનીશ.

 સન્યાસી બન્યા પછી સ્વામી અગેહ ભારતીજી વીસ વરસે ભારતીય રેલવેમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને વધુ ‘રજનીશમય’ બન્યાં પણ એ પહેલાં ય તેમના માટે બ્રહ્માંડ રજનીશથી શરૂ થઈ રજનીશ પર જ ખતમ થતું હતું. પ્રોફેસર, આચાર્ય, ભગવાન અને ઓશો સુધીની રજનીશજીની યાત્રામાં સ્વામી અગેહ ભારતીજી કેટલાં આત્મીય હશે એનો ખ્યાલ એ વાત પરથી આવે તેમના અઢ્ઢાર પુસ્તકોમાંથી મોટાભાગનાની ધુરી રજનીશજી જ છે. રજનીશજીથી સ્વામી અગેહ ભારતી કેટલાં નિકટ હશે એનો અંદાજ એ વાત પરથી પણ મળે છે કે તેઓ રજનીશજી સાથે અનેક પ્રવાસો તો કરતાં પણ 1985માં અમેરિકાના રજનીશપુરમમાં પણ ચાર મહિના માટે ઓશોના અતિથિ તરીકે ગયા હતા. આ જ રજનીશપુરમ રજનીશજી જેવા ઓજસ્વી વિચારકના જીવનનું દુઃખદ ટર્નિગ પોઇન્ટ બન્યું હતું. 28 ઓક્ટોબર, 1985ના દિવસે અહીંથી જ અમેરિકન સરકારે ઓશોને એરેસ્ટ કર્યા પણ આ ઘટનાના 14 મહિના પહેલાં બચ્ચનજીએ સ્વામી અગેહ ભારતીજીને લખેલું : ભગવાન (રજનીશજી)નું અમેરિકા જવું જ દુર્ભાગ્યપુર્ણ છે, વળી તેમને ત્યાં કાયમી વિઝા મળવા (એ તો) મહાદુર્ભાગ્ય થયું. તેમણે ભારતમાં જ રહેવાની જરૂર હતી. (આ મારો મત!

પોતાની આત્મકથા ‘દશદ્વાર સે સોપાન તક’ના બારેક પાનામાં (પાના નં. 414 થી 426 સુધી) રજનીશજી (વિશે વધુ અને) સ્વામી અગેહ ભારતીનો ઉલ્લેખ કરનારાં હરિવંશરાય બચ્ચન રજનીશજીના અમેરિકાગમન વિશે આટલી ચિંતા, ખેવના અને દૂરદેંશી દેખાડે એ જ બતાવે છે કે બડે બચ્ચનજી ઓશો રજનીશ પ્રત્યે કેટલો ભાવ ધરાવતા હતા. બચ્ચનજીના આ પત્રના જવાબમાં શું બન્યું અને પત્રવ્યવહારનો સિલસિલો કેવી રીતે આરંભાયો તેની વાત હજુ બાકી છે…