યૂ આર એ ટ્રેજિક પર્સન એન્ડ …

Blogs

ઓશોઅંશ-2

  • નરેશ શાહ દ્વારા

 

‘ફરક એટલો જ છે કે હું મફત પીવડાવતો હતો અને રજનીશ

દશ રૂપિયાની ટિકિટ લીધા પછી પીવડાવે છે ! મસ્ત રહો !’

 

–     તો સ્વામી અગેહ ભારતીજી હવે તમારા માટે અપરિચિત નથી. શિવ પ્રતાપ સિંહમાંથી સન્યાસ લઈને સ્વામી અગેહ ભારતીજી આજીવિકા માટે ભારતીય રેલમાં સરકારી બાબુ તરીકે કામ કરતાં રહ્યાં પમ 1967 થી રજનીશજીના સંપર્કમાં આવ્યાં પછી તેમના ઓરામાં જ જીવવા માંડ્યા હતા. સાહિત્યની ઇતર પ્રવૃત્તિ લગભગ બંધ. ઓશો વિચારનો પ્રસાર-પ્રચાર અને આચાર તેમનું લક્ષ બની ગયા પછી તેમને રજનીશજી સિવાય કશું સૂઝતું નહોતું. આવા જ અહોભાવના પ્રવાહમાં તેમણે કોઈ પત્ર (ટપાલ, યુ સી !)માં રજનીશનો ઉલ્લેખ કર્યો અને…

18મી માર્ચ, 1969ના કવિ હરિવંશરાય બચ્ચને તેમને જવાબમાં લખ્યું : ‘રજનીશજી ક્રાંતિકારી વિચારક અને દાર્શનિક છે. તેમના લેખ જ્યાંથી પણ મળે, હું વાંચું છું. કયારેય તેમના દર્શન નથી થયા પણ એની જરૂર પણ નથી. તેઓ એમના લેખમાં સંપુર્ણપણે પ્રગટ થાય જ છે. દેશના ચિંતકો પર તેમનો પ્રભાવ પડશે!’

બેધડક અને બેખૌફ પોતાના વિચારો વ્યક્ત કરતો હરિવંશરાય બચ્ચનનો સ્વામી અગેહ ભારતી પરનો કદાચ, આ પ્રથમ પત્ર કે જેમાં રજનીશજીના પ્રભાવનો તેમજ તેમની અસરનો ઉલ્લેખ થયો. એ પછી તો પત્ર વ્યવહારનો આ સિલસિલો ચાલ્યો છેક 1984 સુધી.

કરીબ કરીબ પંદર વરસ.

ઇન્ટરનેટે તો આજે કોમ્યુનિકેશન આંગળીના ટેરવે મૂકી દીધું છે પણ સાથોસાથ આપણી વૈચારિક સ્પષ્ટતા અને ફુરસદને તે ઓહિયાં કરી ગયું છે. 1990ના દશકા પહેલાં તો ફોન પણ લકઝરી ગણાતી અને પત્રો, ટપાલ, પોસ્ટ જ કોમ્યુનિકેશનનું માધ્યમ હતા. બેશક, તેમાં એક ઠહરાવ હતો. લગાવ અને સ્પષ્ટતાની અભિવ્યક્તિ હતી. એ કારણે જ તેનું એક ઐતિહાસિક મૂલ્ય પણ બરકરાર રહ્યું. સ્વામી અગેહ ભારતીજીએ હરિવંશરાય બચ્ચનજી સાથેના પોતાના પત્રવ્યવહારમાં છલકાતાં રજનીશ પ્રેમ-સાહિત્યપ્રિતી વગેરેને વ્યક્ત કરતું પુસ્તક ‘ઓશો કી મધુશાલા મેં બચ્ચન’ પણ 1985માં પ્રસિદ્ધ કર્યું. આ પુ્તક જ સ્પષ્ટ કરે છે કે બડે બચ્ચનજી સુધ્ધાં રજનીશજીના ક્રાંતિકારી વિચારો અને દર્શનમાં પોતાના જ વિચારોનો પડઘો સાંભળતા હતા. અગેહજીને એક પત્રમાં તો બચ્ચનજી લખે પણ છે કે, મુઝે તો (રજનીશ) આશ્રમ હી અપની મધુશાલા કી મૂર્તિમાન લગતા હૈ ! (મધુશાલાની પંક્તિઓ ટાંકીને બચ્ચનજી લખે છે કે) રજનીશ આશ્રમ કે ફાટક પર ઈસે લિખ દેના ચાહિએ !

આપ શ્રીમાનને સાદર માલુમ થાય કે પોતાના અનેક પ્રવચનોમાં રજનીશજીએ ઉલટભેર હરિવંશરાય બચ્ચનની મધુશાલા સહીતની કવિતાઓ ટાંકી છે અને આ વાત, હકિકતનું બચ્ચનજીને નાનકડું ગુમાન પણ રહેતું. એક પત્રમાં તેઓ લખે છે : ‘રજનીશ કેટલીય વાર પોતાના પ્રવચનમાં કહી ચૂક્યા છે કે આ આશ્રમ નથી, મારી મધુશાલા છે. હું તો પીવડાવનારો છું. હું તો દિવાનો છું (મૈં દુનિયા કા હું એક નયા દિવાના-મધુબાલા) (મધુપાન કરાનેવાલા હું-મૈં મુફત લુંટાનેવાલા હું-મધુશાલા) ફરક એટલો જ છે કે હું મફત પિવડાવતો હતો અને રજનીશ દશ રૂપિયાની ટિકિટ લીધા પછી પીવડાવે છે ! મસ્ત રહો !’

* * *

‘રજનીશજીનું જે સાહિત્ય તમે મોકલ્યું છે, તેના માટે આભારી છું. ધીમે ધીમે વાંચીશ. એકવાર તેમના દર્શન પણ કરવા માંગુ છું. તેમણે કોઈ સંસ્થા શરૂ કરવી જોઇએ કે જ્યાં તેમના વિચારોને સમર્પિત લોકોને દીક્ષા આપી શકાય!’ 1969માં બચ્ચનજીએ આ પત્ર લખ્યો ત્યારે રજનીશજી સેકસગુરૂ તરીકે વધારે બદનામ હતા અને સ્વામી અગેહ ભારતીજી હજુ શિવ પ્રતાપસિંહ જ હતા. 1970માં રજનીશજીએ મુંબઈને કર્મભૂમિ બનાવી હતી અને 1974માં તેમણે પુનામાં આશ્રમની સ્થાપના કરી હતી.

સ્વામી અગેહ ભારતી જ હતા કે જેમના કારણે હરિવંશરાય બચ્ચન રજનીશજીને પ્રથમ વખત મળ્યાં. બન્ને મુલાકાત 1969માં જ, દિલ્હી અને જબલપુરમાં થઈ હતી. (1970માં તેઓ તેજીજીની સાથે રજનીશને મળેલાં!) પણ ઓશોના વિચારો અને દર્શનને વાંચવાનો ચસ્કો (?) બચ્ચનજીને એવો લાગ્યો હતો કે સતત એ મેળવવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. સ્વામી અગેહ ભારતી તેમને શક્ય હોય તો તે સાહિત્ય ઉપલબ્ધ કરાવતાં અથવા એ માટેનું માર્ગદર્શન પુરું પાડતાં. આ કારણે અગેહ ભારતી – બચ્ચનજી વચ્ચે એવી આત્મીયતા બની ગયેલી કે બચ્ચનજી તેમને દરેક શુભ પ્રસંગોના (અમિતાભ – જયાના લગ્ન, 3 જૂન, 1973, અજિતાભ-રમોલાના લગ્ન, 27 ડિસેમ્બર 1973 તો શ્વેતા અને નીલામ્બરાના જન્મ દિવસ નિમિત્તે પણ) આમંત્રણો મોકલતા હતા. 24 જાન્યુઆરી, 1974ના બચ્ચનજીની 33મી લગ્નતિથિએ પણ અગેહ ભારતીજીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. એ વાત અલગ છે કે અગેહ ભારતીજી એકપણ પ્રસંગ પર જઈ શકયાં નહોતા. પત્રમાં બચ્ચનજી વધારે તો રજનીશજીના સાહિત્ય કે પત્રિકાઓ કે કેસેટ માટેનું માર્ગદર્શન માંગતા પણ જરૂરી બીજી વિગતો પણ અગેહ ભારતીજીને લખતાં. જેમ કે, અત્યારે અલ્સરની તકલીફ છે, હવે દિલ્હી છું, હવેથી પત્રો મુંબઈના સરનામે લખજો, અમિતાભ ચેકઅપ માટે લંડન ગયો છે વગેરે.

પણ એટલું તય થઈ ગયું હતું કે હરિવંશરાય બચ્ચનજી રજનીશજીને સૌથી વધુ સમજી શકયા હતા. તેમની સાથેની પહેલી મુલાકાત પછી સ્વામી અગેહ ભારતીને તેમણે વિગતવાર પત્ર લખ્યો હતો. જેમાં લખેલું કે, ‘આચાર્ય રજનીશજીને મળવું એ મારા માટે નવો અનુભવ હતો. તેમનું હૃદય દર્પણ જેવું છે. મને તેમાં મારો જ પડછાયો દેખાયો… તેમનું કામ કઠીન છે પણ પરમ આવશ્યક છે. દરેક સારું કાર્ય ભોગ લે છે. ક્યાંક આ વિભૂતિએ પણ પોતાની બલિ ન દેવી પડે… વિચારીને હું કંપી જાઉં છું!’

બચ્ચનજી અને રજનીશજીની એ પહેલી મુલાકાત દિલ્હીમાં 6 ઓગસ્ટ, 1969ના દિવસે થઈ હતી. બચ્ચનજી બપોરે બે વાગ્યે રજનીશજીને મળવા આવેલા અને છેક સુધી રોકાયાં. મધુશાલાની એક કોપી આપી અને યજમાનના આગ્રહથી થોડી કિવતાઓ પણ સંભળાવી રજનીશજીને. સાંજે રેલવે સ્ટેશન જતાં તેમણે ઓશોને કહ્યું : એક વાત કહેવા માંગું છું… યૂ આર એ ટ્રેજિક પર્સન એન્ડ યુ શૈલ બી ક્રુસીફાઇડ! (તમે કરુણામુર્તિ છો અને (ગાંધી, જીસસની જેમ) તમને પણ વંધસ્થંભ પર ચડાવવા જોઇએ!)