ફક્ત ટેસ્ટમાં પોઝીટીવ આવતા કેસને જ ગણવામાં આવે છે : ડબલ્યુએચઓ

India
કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેનાથી ૧૦ ગણા કેસ હોઈ શકે છે
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

એક તરફ વિશ્વમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે તેવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) આંકડાને લઈને મહત્વની જાણકારી આપી છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે અત્યાર સુધી ઈન્ફેકશનના જેટલા કેસ અંગે ખબર પડી છે હકીકતમાં કોરોનાના કેસની સંખ્યા તેનાથી ૧૦ ગણી વધારે હોઈ શકે છે. નોંધનીય છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં ૧૧ કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી ૬૧ લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.

ડબલ્યુએચઓની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું કહેવું છે કે કોઈ પણ સમુદાયમાં કેટલા લોકોને ચેપ લાગ્યો છે તે ખબર નથી. આ ત્યારે ખબર પડે છે જયારે લોકો વધારે બીમાર થાય છે અને તેઓ ટેસ્ટ કરાવે છે. ટેસ્ટમાં જે લોકો પોઝિટિવ આવે છે તેની આપણને જાણ થાય છે. સામાન્ય રીતે ઈન્ફેકશનનો શિકાર થયેલા લોકોનો આંકડો એવા લોકોની તુલનામાં ૧૦ ગણો વધારે છે જેઓ સારવાર બાદ કેસ તરીકે ગણે છે. સ્વામિનાથને કહ્યું છે કે ઈન્ફેકશનનો મૃત્યુદર ઓછો છે અને સરેરાશ ૦.૬ ટકા છે.

વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધી લગભગ ૫,૨૪,૮૨૮ લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે ખરાબ હાલત અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા ૨૮ લાખથી વધારે છે. જયારે ૧,૩૧,૫૦૩ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામં કોરોનાા કેસ અને મૃત્યુના આંકડા ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ૧૨ લાખ જેટલા લોકો સાજા પણ થઈ ગયા છે.

અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ એડહનોમ ગિબ્રેયેસોસે કહ્યું હતું કે જો વિશ્વની સરકારો યોગ્ય નીતિઓનું પાલન નહીં કરે તો આ વાયરસ વધારે લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. તેમણે થોડા સમય અગાઉ વિશ્વભરના રાજનેતાઓને રાજકારણ નહીં કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતામાં ઉણપ, વૈશ્વિક એકજૂટતામાં ઉણપ અને વહેંચાયેલી દુનિયા કોરોના વાયરસની ઝડપને વધારી રહી છે. જો તેને રોકવામાં નહીં આવે તો વધારે ખરાબ સમય આવી શકે છે.

વિશ્વના ઘણા દેશ અને દ્યણી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કોરોના વાયરસની રસીની શોધ કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આ બધામાં ઓકસફોર્ડ યુનિવર્સિટી જે રસી પર કામ કરી રહી છે તે સૌથી આગળ છે. આ રસી હાલમાં ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. આ સ્ટેજ પર પહોંચનારી તે વિશ્વની પ્રથમ રસી છે. હાલમાં ૧૦,૨૬૦ લોકોને આ રસી આપવામાં આવી છે. આ રસીની ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં થઈ રહી છે.