24 મીએ વડા પ્રધાન 3 યોજનાઓનું અનાવરણ કરશે

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

૨૪મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢમાં દેશના સૌથી મોટા રોપ-વે ઉપરાંત રૂ.૪૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી યુએન મહેતા હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વિજળી આપવાની કિસાન સર્વોદય યોજનાનો ય વડાપ્રધાન પ્રારંભ કરાવશે. ૨૪મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાડા દસ વાગે વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલ લોકાપર્ણ કરશે.

ગુજરાતમાં દેશનો સૌથી મોટા રોપવે જૂનાગઢ પર તૈયાર કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ગીરનાર પર્વત પર આવેલાં ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓને ૧૦ હજાર પગથિયા ચડીને જવુ પડતું હતું પણ હવે વૃધ્ધ,મહિલા અને બાળકો રોપ-વેના માધ્યમથી ગીરનાર પર્વત પર જઇ શકશે. ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહને  જોવા લાખો પર્યટકો ગીરના જંગલમાં આવે છે ત્યારે પ્રવાસી માટે આ  રોપ વે એક નવુ નજરાણુ બની રહેશે. રોપવેમાં બેસીને ગીરના જંગલને નિહાળવાનો અનેરો લ્હાવો મળી શકશે. આ રોપવેને લીધે પ્રવાસનને વેગ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં રૂ.૪૭૦ કરોડના ખર્ચે યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિયુટને અતિઆધુનિક સાધનોથી સજજ કરાઇ છે જયાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં ૮૫૦ બેડ ઉપલબ્ધ છે. જન્મતાની સાથે જ નાના બાળકમાં હૃદયની બિમારી હોય તેના માટે હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરાઇ છે. આ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇ-લોકાપર્ણ કરશે. ખેડૂતોને દિવસે વિજળી આપવાની યોજના કિસાન સર્વોદય યોજનાનો ય નરેન્દ્ મોદી પ્રારંભ કરાવશે. પ્રારંભિક તબક્કામાં પાટણ,ગીર સોમનાથ, દાહોદ જિલ્લાના અંદાજે બે-ત્રણ હજાર ગામોને આ યોજનાનો લાભ મળશે.