રવિવારે છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારોઃ ભારતમાં નહિ દેખાશે

Science/Tech
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વિશ્વના અમુક પ્રદેશો- દેશોમાં રવિવાર તા.૫મી જુલાઈએ માદ્ય-છાયા ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. છાયા ચંદ્રગ્રહણ ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. નરી આંખે પણ જોઈ શકાય છે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપી માહિતગાર કરવાના છે.

સંવત ૨૦૭૬ અષાઢ સુદ પુનમ રવિવાર તા.૫મી જુલાઈ ધનુ રાશિ પૂ.ષા.નક્ષત્રમાં થનારૃં માદ્ય- છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જયારે આ ગ્રહણ અમેરિકા, આફ્રિકા, દ.પૂ.યુરોપમાં દેખાશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ચંદ્રગ્રહણના વિવિધ પ્રકારો, તેમાં છાયા ગ્રહણમાં તેજસ્વીતામાં ફેરફાર, પડછાયાની કરામત ઉપર સમજણ આપવામાં આવશે. અમેરિકા, આફ્રિકા, દ.પૂ.યુરોપમાં છાયા ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભારતમાં જોવા મળશે નહિ. તેથી ગ્રહણ પાળવું અને ન પળવું વિગેરે તૂત સદીઓથી ભારતમાં જોવા મળે છે. ગ્રહણને કશી જ નિસ્બત નથી અને સ્નાનસૂતક સાથે સંબંધ નથી. જાથા વેધાદિ નિયમોનો કાયમી ભુકકો બોલાવવા ઈચ્છે છે. સૂતક- બૂતકને દફનાવી ઝંપશે. રાજયમાં ગ્રહણ સમયે લોકો નરી આંખે જોવે સાથે ચા- નાસ્તો કરીને લેભાગુઓના ફળકથનોની ઠેર- ઠેર હોળી કરવામાં આવશે. જાથા લોકોમાં માનસિક ભય- ડર દૂર કરવાનું અભિયાન ચલાવે છે. લેભાગુઓના નકારાત્મક ફળકથનોની હોળી કરાશે. રાજયમાં લોકો પોતાના ઘરેથી, અગાસી કે ખુલ્લી જગ્યાએથી ગ્રહણ જોઈ શકે છે. નરી આંખે જોવામાં કોઈપણ પ્રકારનું જોખમ નથી.

પૃથ્વી ઉપર હજારો ચંદ્ર- સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ- ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક- બુતક ઠોકી, શારીરિક- માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્રકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન- પુણ્ય, જપ-તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ અને અમુક જયોતિષીઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકો ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહી શકે છે.

રાજયમાં જાથા દ્વારા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ સહિતના ગામોમાં ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, વાજડી વિરડાના દિનેશ હુંબલ, કુંકાવાવના રાજુભાઈ યાદવ, નિકાવાના ભોજાભાઈ ટોયટા, જસદણના અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, મોરબીના રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, ભુજના શૈલેષ શાહ, અંજારના એસ.એમ.બાવા, મંથલના હુસેનભાઈ ખલીફા, સુરતના મગનભાઈ પટેલ, વલસાડના કાર્તિક બાવીશી, નિર્ભય જોશી, તુષાર રાવ, હરેશ ભટ્ટ અનેક કાર્યકરો દ્વારા તૈયારીઓ થઈ રહી છે.

ભારતીય સમય મુજબ

ગ્રહણ સ્પર્શઃ ૦૮ કલાક ૩૪ મિનિટ ૦૧ સેકન્ડ, ગ્રહણ મધ્યઃ ૯ કલાક ૫૯ મિનિટ ૪૫ સેકન્ડ, ગ્રહણ મોક્ષઃ૧૧ કલાક ૨૫ મિનિટ ૧૪ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાનઃ૦.૬૩૯ છે. વિશ્વના અમુક દેશોમાં ગ્રહણનો સમયગાળો આશરે ૩ કલાકનો રહેશે.