હવે જો દુકાનદાર થેલી કે બેગ માટે પૈસા માંગે છે, તો નહીં આપો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મોદી સરકારે દેશના ગ્રાહકોને આજથી દ્યણા અધિકારો આપ્યાં છે. દેશભરમાં આજથી ગ્રાહક સુરક્ષા કાયદો (ઉપભોકતા સંરક્ષણ અધિનિયમ ૨૦૧૯) લાગુ થઇ ગયો છે. નવો ગ્રાહક સુરક્ષા કાયદો ૧૯૮૬નું સ્થાન લેશે. અંદાજે ૩૪ વર્ષ બાદ દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં આવ્યો છે.

નવા કાયદામાં ગ્રાહકો દેશની કોઇપણ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરાવી શકે છે. આ સાથે ભ્રામક જાહેરાત પર દંડ તેમજ સજા બંનેની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે દુકાનદારો પર સંકજો કસવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ જો દુકાનદાર કેરી બેગનો ચાર્જ વસુલે છે અને ગ્રાહક તેની ફરિયાદ કરે છે તો તેના પર કાર્યવાહી થશે. કેરી બેગ માટે વધારાના રૂપિયા લેવા નવા કાયદા મુજબ દંડનીય થઇ ગયું છે.

હવે કોઇપણ ગ્રાહક સામાન ખરીદ્યા પછી કેરી બેગની ડિમાન્ડ કરે છે તો તેના માટે પૈસા આપવા પડશે નહીં. બીજી વાત એ પણ છે કે જો તે ગ્રાહક સામાન હાથમાં લઇ જવા સક્ષમ નથી તો દુકાનદારને કેરી બેગ દેવી જ પડશે.

આ મુદ્દાને લઇને દેશના ઘણા ગ્રાહક ફોરમમાં ફરિયાદ આવી રહી હતી, ત્યારબાદ ગ્રાહક ફોરમે કેરી બેગના પૈસા લેવા પર સ્ટોર અથવા દુકાનદાર પર દંડ લગાવાનો શરૂ કર્યો હતો. હવે નવા કાયદામાં તેને લઇ કડક જોગવાઇ કરવામાં આવી છે.

જો હવે તમારી પાસે કેરી બેગના નામ પર ૫ રૂપિયા, ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા લેવામાં આવે છે તો તેના બદલામાં દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે જ નવા કાયદામાં ઘણી બીજી ખાસ વાત છે. જેમાં હવે ગ્રાહકોની પાસે અધિકાર હશે કે દેશના કોઇપણ ગ્રાહક કોર્ટમાં તેઓ કેસ દાખલ કરાવી શકે.

પહેલાના ગ્રાહક સુરક્ષા કાયદા ૧૯૮૬માં એવી જોગવાઇ હતી નહીં. નવા કાયદામાં એક વધુ સૌથી મહત્વની વાત એ છે કે હવે ગ્રાહકોને ભ્રામક જાહેરાતથી પણ મુકિત મળશે. જો કોઇ ફિલ્મી કલાકાર અથવા ક્રિકેટર્સ દ્વારા કોઇ પ્રોડકટસનો પ્રચાર કરવામાં આવે છે અને તે પ્રોડકટમાં ભુલ નીકળે છે તો એવી સ્થિતિમાં તે સેલિબ્રિટી પર પણ જવાબી કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

એવામા ક્રિકેટ ખેલાડીઓ અને ફિલ્મી હસ્તિઓને હવે કોઇ પણ પ્રોડકટની જાહેરાત કરતા પહેલા તેની વિશ્વસનીયતા નક્કી કરવી ફરજિયાત થઇ જશે. એટલે હવે મોટા-મોટા ક્રિકેટર સ્ટાર હોય કે ફિલ્મી હસ્તિ અથવા અન્ય કલાકાર હોય કે કોઇ અન્ય સેલિબ્રિટી જો કોઇ વસ્તુની જાહેરાત કરે છે તો સાવધાન થઇ જાય. જાહેરાત કરતા પહેલા સેલિબ્રિટીની જવાબદારી બને  છે કે તે જાહેરાતમાં કરેલ દાવાની તપાસ કરી લે. નવા કાયદા મુજબ ઉત્પાદન સંબંધિત કોઇપણ ખોટી જાણકારી તે જાહેરાત કરનારા સેલિબ્રિટીને મુશ્કેલીમાં નાંખી શકે છે.