નવી શિક્ષા નીતી સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ઐતિહાસિક સુધારો લાવશેઃ અમિતભાઇ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે નવી શિક્ષણ નીતીનું સ્વાગત કરતા જણાવેલ કે આ દિવસ ભારતીય શિક્ષણ વ્યવસ્થાના ઇતિહાસમાં એક અસાધારણ દિવસ છે. નવી શિક્ષણ નીતિની જાહેરાત બાદ અમિતભાઇએ એક પછી એક પાંચ ટ્વીટ કરી પોતાની પ્રસન્નતા દર્શાવી હતી.

અમીતભાઇએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇના દુરદર્શી નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી મંડળે ૨૧મી સદી માટે નવી શિક્ષણ નીતી ૨૦૨૦ને મંજુરી આપી છે. આ સ્કુલ અને ઉચ્ચ શિક્ષણ બંન્નેમાં જરૂરી અને ઐતિહાસીક સુધાર લાવશે.  તેમણે નરેન્દ્રભાઇ અને શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંકનો આભાર વ્યકત કરતા જણાવેલ કે કોઇ પણ દેશનો પાયો શિક્ષા છે. અને છેલ્લે ૩૪ વર્ષોથી ભારતને આ પરિવર્તનની પ્રતિક્ષા હતી.

ગૃહમંત્રી અમિતભાઇએ જણાવેલ કે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોને છોડીને દુનિયામાં કોઇ પણ દેશ ઉત્કૃષ્ઠ ન બની શકે. નવી શિક્ષણ નીતીનો ઉદેશ્ય બધાને ભારતીય લોકાચાર ઉપર આધારીત ઉચ્ચ ગુણવતા વાળુ શિક્ષણ આપે એવી પ્રણાલી બનાવવી છે જે ભારતને ફરીથી વૈશ્વિક જ્ઞાનની મહાશકિત બનાવી શકે.

તેમણે વિશ્વાસ વ્યકત કરતા જણાવેલ કે, નવી શિક્ષા નીતીએ સુનિશ્ચિત કરશે કે સમાજના દરેક વર્ગના છાત્રો સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચે અને તેના માટે એક વિશેષ જોઇન્ટ ટાસ્ક ફોર્સ બનાવાશે. ઉચ્ચ શિક્ષા માટે દાખલ થનારની કુલ સંખ્યા વધારવા સતત પગલાં લેવાશે.