કોરોના રસીકરણ માટે દેશભરમાં રિહર્સલ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતમાં કોરોના વેકસીનની તૈયારી પૂરી થઇ ગઇ છે. હવે વેકસીન આપવાની તારીખના એલાન પૂર્વે તમામ તૈયારીઓને પરખવાની જરૂર છે એટલે આજે કેન્દ્ર સરકારે દેશના દરેક રાજયમાં કોરોના વેકસીનના ‘ડ્રાય રન’નો નિર્ણય લીધો છે જે હેઠળ ૧૧૬ જીલ્લામાં ૨૫૯ સ્થળે રિહર્સલ થઇ રહ્યું છે. દરેક રાજયના બે-બે શહેરોમાં તે યોજાયું છે. ડ્રાય રન દરમ્યાન કોઇ વેકસીનનો ઉપયોગ થતો નથી. ડ્રાય રન દરમ્યાન એ ટેસ્ટ કરાય છે કે સરકારે રસીકરણનો જે પ્લાન ઘડયો છે તે બરાબર છે કે નહિ

દેશના ચાર રાજયો, પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં આજ સુધી આવી ડ્રાય રન કરવામાં આવી હતી. આ ચાર રાજયોમાં ડ્રાય રનને લગતા સારા પરિણામો બહાર આવ્યા છે. આ પછી, સરકારે હવે આ ડ્રાય રનને દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક વિશેષ ટીમની પણ રચના કરી છે, જે સમગ્ર પ્રક્રિયાની નજીકથી દેખરેખ રાખશે.

રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે કોવિડ -૧૯ રસીકરણના રિહર્સલ માટે ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. શાહદરાના ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલ, દરિયાગંજમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દ્વારકાની વેંકટેશ્વર હોસ્પિટલ, દિલ્હીની ત્રણ જગ્યાઓ છે જેની રિહર્સલ માટે પસંદગી કરવામાં આવી છે. આ ત્રણ સ્થળો પૈકી એક શાહદરા જિલ્લામાં, એક દક્ષિણ પશ્યિમ જિલ્લામાં અને એક મધ્ય જિલ્લામાં છે

રાજય સરકારે ઉત્તર પ્રદેશમાં ડ્રાય રન માટે લખનઉમાં સહારા હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, કેજીએમયુ અને એસજીપીજીઆઈ સહિત ૬ કેન્દ્રોની પસંદગી કરી છે. સવારે ૯થી સાંજનાં ૪ સુધી આ કેન્દ્રો પર રસીકરણની તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવશે.

બિહારમાં પટણા, બેટિયાહ અને જમુઇમાં કોરોના વાયરસની રસીનો મોકડ્રીલ કરવામાં આવશે. રાજય અધિકારીઓએ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. મોકડ્રીલમાં દરેક તબક્કે ૨૫ આરોગ્ય કર્મચારીઓ હાજર રહેવું ફરજિયાત છે. આના પર જ રસીકરણનો પ્રયાસ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના ત્રણ જિલ્લામાં ૯ હોસ્પિટલોમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવશે. આ સમય દરમિયાન, કોરોના રસીકરણ અંગે કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીઓ પણ તપાસવામાં આવશે. અહેવાલો અનુસાર આ કાર્યક્રમ શ્રીનગર અને કાશ્મીર ખીણના કુલગામ જિલ્લાઓ અને જમ્મુ ક્ષેત્રના જમ્મુ જિલ્લામાં યોજાશે.

ડ્રાય રન અંતર્ગત કોવિડ -૧૯ રસીના કોલ્ડ સ્ટોરેજ, પરિવહનની વ્યવસ્થા, રસી સ્થળ પર ભીડનું સંચાલન, સોશિયસ ડિસ્ટન્સિંગ સિસ્ટમ વગેરેની પણ ચકાસણી કરવામાં આવશે.

આખી કવાયત એટલા માટે કરવામાં આવી રહી છે જેથી અંતિમ ઝુંબેશ શરૂ કરતા પહેલા તેની ખામીઓને દૂર કરી શકાય. આ ઉપરાંત, આ અભિયાનમાં સામેલ પ્રોગ્રામ મેનેજર્સને હેન્ડ્સઓન અનુભવ પણ મળશે. હકીકતમાં, રિહર્સલથી કોવિડ -૧૯ રસીના એકત્રીકરણ અને રસીકરણની સ્ક્રિનિંગ પ્રક્રિયા, ક્ષેત્રમાં કોવિનનો ઉપયોગ, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, પડકારોને ઓળખવા, વાસ્તવિક અમલીકરણ અંગે માર્ગદર્શન જેવા કોઈ સુધારણાની જરૂર હોય તો તે કરી શકાશે.

ડ્રાય રન એટલે કે રસીકરણની આખી પ્રક્રિયાની મોકડ્રીલ હશે. એટલે કે, વેકસીન એડમિનિસ્ટ્રેશન સિવાય, રસીકરણ અભિયાનમાં જે ચાલી રહ્યું છે તે બધું જ હશે. આનો અર્થ એ કે ડમી રસી કોલ્ડ સ્ટોરેજથી નીકળીને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચશે. સાઇટ્સ પર ભીડ સંચાલનનું પણ પરીક્ષણ કરવામાં આવશે. રસીનું રીયલ-ટાઇમ મોનિટરિંગ પણ કરવામાં આવશે. એકંદરે, તેમાં મૂળ રસી સિવાય બધુ જ હશે.