કચ્છના શીખ ખેડૂતો અને કચ્છની ગ્રામીણ મહિલાઓ સાથે નરેન્દ્રભાઇએ ચર્ચા કરી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વડાપ્રધાન નરેન્દ્રભાઇ પોતાના કચ્છના પ્રવાસ દરમ્યાન અહી ખેતી કરી રહેલા શીખ ખેડૂતો અને કચ્છની ગ્રામીણ મહિલાઓને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ કચ્છ સરહદે ખેતી કરીને વેરાન ભૂમિને નંદનવન બનાવનાર શીખ ખેડૂતોની રાષ્ટ્રભાવના ને બિરદાવી હતી. તો, કચ્છમાં વસવાટ કરનાર શીખ ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાથે વાત કરતા તેમણે મનકી બાતમાં લખપત ગુરુદ્વારા ને યાદ કર્યું તે બદલ આભાર વ્યકત કર્યો હતો. સાથે સાથે શીખ ખેડૂતોએ લખપત ના ગુરુદ્વારા સાહિબના નવનિર્માણ માટે ફાળવાયેલી પાંચ કરોડની ગ્રાન્ટ બદલ નરેન્દ્રભાઈ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

શીખ ખેડૂતો સાથે સરહદી નરા ગામના સરપંચ જુગરાજ સિંહ સરદાર અને અન્ય ખેડૂતો જોડાયા હતા. દરમ્યાન વ્યસ્તતા વચ્ચે પણ નરેન્દ્રભાઈ કચ્છની ગ્રામીણ હસ્ત કલા કસબીઓ ને મળ્યા હતાં. તેમના હાલચાલ પૂછ્યા હતા.

તેમજ રણોત્સવને કારણે પ્રવાસીઓની અવરજવર થકી તેમના હસ્તકલા કારીગરોના વ્યવસાય વિશે વાત કરી હતી. તેમણે કચ્છી ગ્રામીણ મહિલાઓની સૂઝબૂઝ વખાણી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોડાયા હતા.