મારી સમસ્યા અવિકસિત સ્તનની છે. આજે 21 વર્ષે પણ સ્તનનો યોગ્ય વિકાસ થયો નથી. તો કોઈ દવા લેવી તે સૂચવશો

Blogs

ડૉ. મુકુલ ચોકસી

બે કે ત્રણ મહિનામાં મારા મેરેજ થવાના છે. મારી સમસ્યા અવિકસિત સ્તનની છે. આજે 21 વર્ષે પણ સ્તનનો યોગ્ય વિકાસ થયો નથી. તો કોઈ દવા લેવાની તે સૂચવશો. જેથી મારા પતિને પૂરતો સંતોષ આપી શકું.

સ્તનપ્રદેશ વિકસાવવા માટેની એવી કોઈ વિશિષ્ટ દવાઓ આવતી હોતી નથી. હોર્મોન્સનો આડેધડ ઉપયોગ ન કરશો. ક્યારેક પેક્ટોરાલિસ મસલ્સ (સ્તનની પાછળ આવેલા સ્નાયુઓ)ની કસરતથી બ્રેસ્ટ વધારે ભરાવદાર હોવાનો દેખાવ ઊભો કરી શકાય. સ્તનની પ્લાસ્ટિક સર્જરી દ્વારા થતી ‘રિકન્સ્ટ્રકિટવ સર્જરી’ કેટલાક કિસ્સાઓમાં મદદ કરી શકે છે. શ્રેષ્ઠ વાત એ છે કે, આપ તથા આપના ભાવિ પતિ આ વાતને સાહજિકતાથી સ્વીકારી લો. નાનાં સ્તનો એ બેડોળપણાની નિશાની નથી. તથા હરહંમેશ જાતીય આનંદમાં બાધારૂપ જ બનતા હોતા નથી. લોકો ઇચ્છે તો અલ્પવિકસિત સ્તનો સાથે ય પૂરતો જાતીય આનંદ લઈ શકે છે.

 અમારાં હમણાં જ મેરેજ થયા છે. મારે સંતાન હાલ જોઈતાં નથી. એટલા માટે હું સમાગમ વખતે વીર્યને બહાર સ્ખલિત થઈ જવા દઉં છું પણ પત્ની સહકાર નથી આપતી. તો શું કરવું ?

આપ જે કરો છે તેને ‘કોઈટસ ઇન્ટરપ્ટ્સ’ કહેવાય છે. અર્થાત્ સ્ખલનની ક્ષણ પૂર્વ અળગા થઈ જવું અને વીર્યને યોનિમાર્ગમાં ન જવા દેવું. આમ કરવું સલાહભર્યું નથી. કેમ કે સ્ત્રીના આનંદમાં ઘટાડો થાય છે. બીજું એ કે ગર્ભનિરોધક તરીકે નિરોધથી માંડીને પીલ્સ સુધીના બીજા અનેક સરળ રસ્તાઓ મૌજૂદ છે. વળી આ પ્રક્રિયા પૂરતી સલામત પણ નથી. કેમ કે, સ્ખલન પૂર્વ પણ કેટલાક પુરુષોને એકાદ બે ટીપા જેટલો સ્ત્રાવ થતો હોય છે. જેથી તેમને પોતાને પણ જાણ નથી હોતી. આ પ્રી-ઇજેક્યુલેટરી ફલ્યુઇડમાં શુક્રજંતુઓ હોય તો ગર્ભ રહેવાની શક્યતા ઊભી થઈ શકે છે. તમે અન્ય કોઈ રસ્તા અપનાવો તો વધું સારું.