મારા દોસ્તો કહે છે કે એલ.એસ.ડી. ટાઇપની ચીજ લેવાથી સેક્સની કેપેસીટી તથા ઇચ્છા વધી જાય ?

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારા દોસ્તો કહે છે કે એલ.એસ.ડી. ટાઇપની ચીજ લેવાથી સેક્સની કેપેસીટી તથા ઇચ્છા વધી જાય છે. હું કોલેજમાં ભણું છું. શું આવા પદાર્થ લઈ શકું?

બધાં પદાર્થો જાતીય શક્તિ તો નથી જ વધારતા બલકે ઘટાડી જરૂર શકે છે. વળી તેઓનો વપરાશ ગેરકાયદેસર છે. અફીણ પાવર સોમનીફેરમના ‘પીપી ‘ બીજમાંથી બને છે. તે દર્દશામક હોવાથી તબીબી વિજ્ઞાનમાં પીડાકારક સ્થિતિઓમાં તે આપવામાં આવે છે, પરંતુ તેની અનેક ગંભીર આડઅસરો હોઈ તેનો વપરાશ મર્યાદિત ધોરણે જ થાય છે. ચરસ, ગાંજો વગેરેમાં ‘ટેટ્રાહાઇડો’ કેનાબીનોલ નામનું રસાયણ હોવાથી તેઓને ‘કેનાબીસ’, કહેવાય છે. ‘કેનાબીસ’ ‘એલ.એસ.ડી.’ વગેરેના સેવનથી વ્યક્તિને સમયની અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. એક મિનિટ વીતે તો એને એમ લાગે કે જાણે કલાક વીતી ગયો છે. પોતાના સેકસ્યુઅલ્સ પરફોર્મન્સ દરમિયાન જો વ્યક્તિ આવી સાઇકેડેલિક દવાઓની અસરમાં હોય તો તેને એમ લાગે કે પોતે સુદીર્ઘ કર્મ કર્યું છે. હકીકતમાં તેમ નથી હોતું. વળી આવા પદાર્થો વ્યક્તિના મૂડમાં પરિવર્તન લાવતા હોવાથી પણ કેટલાકને એવો આભાસ થાય છે કે, જાણે તેઓની જાતીયતા પ્રજ્વળી ઊઠી છે. અલબત્ત, ‘કેનાબીસ’ ક્ષણેક ઇચ્છા વધારે એવું ય નોંધાયું છે, પરંતુ લાંબા ગાળા માટે તે વાપરનારનું જાતીય કાર્ય બગડતું ય જોવા મળ્યું છે.

વાસ્તવમાં આવા બધા પદાર્થો વ્યસન કરાવનારા હોય છે. આથી જાતીય ઉત્તેજનાની ‘કીક’ માટે વ્યસન કરનારા લાંબા ગાળે પોતાની રહીસહી જાતીયતા પણ બગાડી બેસે તેવી શક્યતા હોય છે.

ચૂનો, કાથો, સોપારી, તમાકુ ઉપરાંત શિલાજીત, કેસર તથા અફીણ નાંખીને બનાવાયેલા ‘પલંગ તોડ’ તરીકે ઓળખાતા પાન પણ, ખાનારા વ્યક્તિને કેવળ માનસિક હૈયાધારણ કે ધરપત જ આપતાં હોય છે. મોટા ભાગના લોકોને એનાથી કશો ફાયદો થયો નથી. તમારા દોસ્તોને વિનયપૂર્વક ના પાડો અને એમને સમજાવો કે, ડો. પ્રકાશ કોઠારી કહે છે તેમ, આકર્ષક, પ્રેમાળ તથા સમજુ પત્ની જ સર્વશ્રેષ્ઠ ટોનિક છે.