મારા મિત્રો એકાંતમાં ઘણીવાર સેક્સને લગતી વાતો કરે છે. પણ મને એમાં જરાય આનંદ ન આવતો હોવાથી તેઓ મને નમાલો કહે છે. મારે શું કરવું?

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારા મિત્રો એકાંતમાં ઘણીવાર સેક્સને લગતી વાતો કરે છે. તેઓને એમાં મજા આવે છે. પણ મને એમાં જરાય આનંદ ન આવતો હોવાથી હું તેઓની ચર્ચામાં ભળતો નથી. એવું નથી. તેઓ મને નમાલો કહે છે. મારે શું કરવું ?

તેઓની વાત પર ઝાઝું ધ્યાન ન આપો. કોઈના કહેવાથી કોઈ નમાલા નથી થઈ જતાં. તેમને સેક્સમાં રસ છે અને તમે અંગત રીતે એને માણી શકો છો એ પૂરતું છે. સમૂહમાં અશ્લીલ વાતો કરી અને એનો આનંદ લેવો એ એક સામાજિક પ્રથા છે. ઘણાય સંસ્કારી, સભ્ય તથા અંતર્મુખ લોકોને આ પસંદ નથી હોતું. એનો અર્થ એવો નથી કે, તેઓમાં પૌરુષ, મર્દાનગી કે પુરુષાતનનો અભાવ છે. જાહેરમાં બીભત્સ રસ દર્શાવવામાં કશું પૌરુષ નથી. ક્યારેક સભ્યતા, સૌજન્ય અને મર્યાદા દ્વારા વધારે પુરુષ પ્રગટાવી શકાતું હોય છે.

સંબંધ દરમિયાન ક્યારેક પત્ની નખ મારી દે છે અથવા હાથપગ પર દાંત દબાવી દે છે તો એ કઈ રીતે રોકવું ?

ઉત્તેજીત અવસ્થામાં આમ થવું સ્વાભાવિક છે. આ અનુભવ ઘણાં યુગલોનો છે. પણ જો આવું ક્યારેક જ બનતું હોય અને ગંભીર ઇજાઓ ન થતી હોય તો એને રોકવાની કોઈ જરૂર નથી. એને માણતાં શીખો.

મારા લગ્ન થયે ત્રણ વર્ષ થયાં તો ય મારી પત્ની મને ચાહતી નથી. તેની ઉંમર ઓગણીસ વર્ષની છે. કેવળ ચુંબનનો પ્રયત્ન કરવા જાઉં તો ય તે મોં ફેરવી લે છે. તો મારે શું કરવું ?

આપની પત્ની સાથે વાત કરી તેના વિચારો જાણ્યા વગર આપના પ્રશ્નનો ઉત્તર આપવો અઘરું છે. સ્ત્રીને સેક્સની ઇચ્છા ન હોવાનાં ઘણાં કારણો હોઈ શકે. ઉંમરે સહેજ શરમ સંકોચથી માંડીને જે તે વ્યક્તિ પ્રત્યેના અણગમતા સુધીના અનેક કારણો જવાબદાર હોઈ શકે. ક્યારેક અણઆવડત, ગેરસમજ, રૂઢિચુસ્તતા, ડર પણ ભાગ ભજવી જાય છે. પતિ વ્યસની હોય, ક્રૂર હોય, બરછટ કે રૂક્ષ વર્તન કરનારો હોય તો ય પત્નીને અકળામણો થઈ પડે. તો ક્યારેક સ્ત્રી અન્ય પુરુષને ચાહતી હોવાને લીધે ય પતિ પ્રત્યે બેપરવા, અનાસકત કે ઉદાસીન હોય શકે. જો સ્ત્રીને આ પહેલા પુરુષ તરફથી ખરાબ, નિમ્ન કે ધૃણાસ્પદ અનુભવ થયો હોય તો તે ય સ્ત્રીના ‘સેક્સ્યુઅલ એવર્ઝન’ (કામવિષયક અણગમો, તુચ્છકાર) માટે જવાબદાર હોઈ શકે. ક્યારેક પુરુષ નાજુકાઈ, સલુકાઈ કે પ્રણયની કોમળતા ન દાખવે તો ય સ્ત્રી અસંતુષ્ટ તથા અળગી રહી જવા પામે ! સ્ત્રીને પ્રણયોન્મુખ, કામાભિમુખ યા સીડ્યુસ કરવી એ પણ એક કળા છે. જે ઘણાં પુરુષો જાણતા હોતા નથી. સ્ત્રીને સમાગમ કે પ્રણયચેષ્ટા દરમિયાન પીડા, અસુખ કે અન્ય શારીરિક તકલીફ થતી હોય તો ય તે કામક્રીડાથી દૂર રહેવાનું વલણ દાખવે ! મેં કેટલાય એવા ય કિસ્સાઓ જોયા છે. જેમાં પતિથી દૂર, અસ્પૃશ્ય રહેતી સ્ત્રી આખરે સજાતીય (લેસ્બિયન) હોવાનું જાણવા મળ્યું હોય ! ક્યારેક સ્ત્રીની અપેક્ષાઓ વધુ પડતી હોય એવું ય બને ! તો ક્યારેક સાસરિયાંનો ત્રાસ, પતિ સાથેના અણબનાવો, રોજબરોજના ઝઘડાઓ, નોકરીનો ભાર વગેરેથી ત્રાસેલી સ્ત્રી પણ સેક્સમાંથી રસ ગુમાવી દે છે. આ યાદી ખૂબ લાંબી થાય એમ છે. આપના કિસ્સામાં કારણ જાણ્યા પછી જ કંઈક કરી શકાય.