મિસ્ટર ફોર-ફોર્ટી!

Blogs

 

મારા એક સહકાર્યકર મિત્રને ધૂમ્રપાનની ઘણી આદત હતી. ‘ગોટે ગોટે ગૌદાનમ્’ જેવી જ સ્થિતિ! અલબત્ત, આમન્યા જાળવી મારી હાજરીમાં તેઓ સિગારેટ ન પીતા, પણ થોડી થોડી વારે બહાર જઈ આવે એટલે અમે સહુ સમજી જતા કે ભાઈ વધુ એક વાર ફૂંકી આવ્યા! ધૂમ્રપાનના આ અતિરેકની સ્વાભાવિક રીતે જ તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પડવા માંડી. દાક્તરે તેમને ધૂમ્રપાન સમૂળગું છોડી દેવા જણાવ્યું, મિત્ર મૂંઝાયા. શું કરવું? એક તરફ વર્ષોથી જડ ઘાલી ગયેલી ધૂમ્રપાનની ટેવ અને બીજી તરફ તબિયત! મિત્ર તબિયતની રક્ષાને પ્રાયોરિટી આપવા જેટલા સમજદાર હતા જ. તેમણે તબીબને કહ્યું, ‘સાહેબ, હું આજ ને આજ સ્મોકિંગ સદંતર તો નહીં છોડી શકું, પણ હું આપને વચન આપું છું કે હું ધીમે ધીમે ધૂમ્રપાન લગભગ પૂરેપૂરું છોડી દઈશ.’ દાક્તરને સંતોષ થયો.

અને મિત્રે તે જ દિવસથી ધૂમ્રપાન ઘટાડવાનો વ્યક્તિગત યજ્ઞ આરંભ્યો. દૃઢ નિર્ધારશક્તિ શું ન કરી શકે? સાચેસાચ તેમણે કેટલાક સમય પછી ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દીધું. જેમ જેમ મનોબળ કેળવાતું ગયું તેમ તેઓ સિગારેટની સંખ્યા ઘટાડતા ગયા – લગભગ શૂન્યની સપાટી પર પહોંચ્યા. હા, લગભગ શૂન્ય, પણ સંપૂર્ણ ઝીરો લેવલ નહીં. બહુ સમજી-વિચારીને તેમણે એક અપવાદ રાખ્યો – રોકડો એક! નક્કી કર્યું કે મારે ચોવીસ કલાકમાં માત્ર એક સિગારેટ અવશ્ય પીવી! પ્રશ્ન એ ઊઠે કે તો પછી એકપણ શા સારું ફૂંકવી? મિત્રને કદાચ થયું હશે કે જેણે આટલાં વર્ષ સથવારો આપ્યો તેને આમ સદંતર તરછોડી કેમ શકાય? બીજું કંઈ નહીં તો પ્રતીકાત્મક, ટોકન પૂરતોય તેની સાથેનો સંગ નિભાવવો જોઇએ! દાક્તરને પૂછયું, ‘સર, ચોવીસ કલાકમાં એક સિગારેટ પીઉં તો હેલ્થની દૃષ્ટિએ કાંઈ વાંધો ખરો?’ દાક્તરે જવાબ આપ્યો, ‘નો પ્રોબ્લેમ, પણ એક એટલે એક જ હોં! એકથી બે ને બેથી ત્રણ થાય અને એમ વધતી જ જાય તો દળીદળીને ઢાંકણમાં ઉઘરાવવા જેવી સ્થિતિ થશે માટે-‘ મિત્રે કહ્યું, ‘તેની આપ ચિંતા ન કરો. એક એટલે એક જ. હું કશીક યુક્તિ શોધી કાઢીશ.’

દાક્તરને વચન તો આપ્યું, પણ પછી મિત્ર મૂંઝવણમાં પડ્યાં : ચોવીસ કલાકમાં માત્ર એક સિગારેટ પીવાની છે, પણ તે ક્યારે પીવી? તેને માટે કયો સમય પસંદ કરવો? એક સિગારેટ પીતાં બહુ બહુ તો પાંચેક મિનિટ લાગે. ચોવીસ કલાકની 1440 મિનિટોમાંથી કઈ પાંચ મિનિટ ધૂમ્રપાન માટે ફાળવવી? ઊંઘ, ભોજન, સ્નાન, શૌચક્રિયા વગેરે પાછળ બાર-ચૌદ કલાક જાય તો બાકીના દસ-બાર કલાકમાંથી કઈ પાંચ મિનિટ એક સિગારેટ પીવા પાછળ સમર્પિત કરવી? વિકલ્પો અનેક હતા : સવારે ચાના પહેલા કપ અને તાજા અખબારની જોડે જોડે ધૂમ્રપાન કરવામાં વધારાની લહેજત ન આવે? કેટલાક લોકોને ટેવ હોય છે તે પ્રમાણે સંડાસ જતાં પહેલાં અથવા શૌચક્રિયા દરમિયાન એક સિગારેટ પીધી હોય તો? અથવા બપોરે બાર વાગ્યાના ભોજન અને તે પછીની પંદર-વીસ મિનિટની વામકુક્ષીની વચ્ચેના ગાળામાં? કે પછી ઓફિસે જવા માટે તૈયાર થતાં થતાં? અથવા મોડી સાંજે ઓફિસેથી છૂટ્યા પછી? અથવા રાત્રે જમ્યા પછી? કંઈ નક્કી થઈ શકતું ન હતું. પણ મિત્ર સમજદાર હતા. તેમણે એક પછી એક વિકલ્પોનો નિકાસ કરવા માંડ્યો અને છેવટે એક મુદ્દા પર સ્થિર થયા : મારે એક સિગારેટ ઓફિસ-કલાકો દરમિયાન જ પીવી. પણ તરત જ નવા પ્રશ્નો ધસી આવ્યા : ઓફિસનું કામ તો આઠેક કલાકનું હોય છે. એમાંથી કઈ પાંચ મિનિટ મારે એક સિગારેટ પીવા પાછળ ખર્ચવી? ઓફિસે જઈ ટેબલ પર ઠરીઠામ થઈ કામ શરૂ કરતાં પહેલાં? બપોરે ત્રણેક વાગ્યે પડતા ચા-નાસ્તાના વિરામ દરમિયાન? ઓફિસનું કામ સમેટ્યા પછી તરત? મિત્રે આ બધા સરળ અને હાથવગા વિકલ્પોને પણ ફગાવી દીધા અને એક તદ્દન ઓફબીટ સમય ધૂમ્રપાન માટે પસંદ કર્યો : નમતે પહોરે ચાર-ચાળીસનો! અફકોર્સ, ન ચાર, ન સાડા ચાર, ન પોણા પાંચ, ન પાંચ, ચાર-ચાલીસ એટલે ચાર-ચાળીસ! વોલ ક્લોકમાં કાંટો ચાર-ઓગણચાળીસ પર પહોંચે એટલે મિત્ર હાથમાંથી પેન બંધ કરી ટેબલ પરના કાગળોને વજનિયાથી દબાવી ઓફિસ-રૂમમાંથી નીકળી જાય ત્યારે ઘડિયાળમાં બરાબર ચાર વાગીને ઉપર ચાળીસ મિનિટ થઈ હોય! અને ચાર-પિસ્તાળીસ કે ચાર-છેંતાળીસે તો તેઓ પાછા રૂમમાં પ્રવેશી ટેબલ પર બેસી કામે લાગી જાય! જવાનું ન એક મિનિટ પહેલું, પાછા ફરવાનું ન એક મિનિટ મોડું!

છતાં પ્રશ્નો તો ખૂટે જ શાના? વ્હાય ઓન્લી ફોર-ફોર્ટી? વ્હાય નોટ ફોર-ફોર્ટી ફાઇવ? વ્હાય નોટ ફોર-થર્ટી? મિત્રે જવાબમાં કહ્યું, ‘તેનું કોઈ ખાસ કારણ હોય એવું હું નથી માનતો. કદાચ એમ બન્યું કે મારા મનમાં ચાર-ચાળીસનો આંકડો અટકી ગયો. સમયને આપણે અમુકતમુક માપથી વિભાજિત કરવા ટેવાયેલા છીએ, પરંતુ સમય તો અવિભાજ્ય છે. તમે કેટલીક ટ્રેનોના આવવા-જવાના સમય જુઓ! ભોપાલ-રાજકોટ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને સવારે આઠ-અડતાળીસે આવે છે. વ્હાય આઠ-અડતાળીસ? વ્હાય નોટ આઠ-ત્રીસ? વ્હાય નોટ આઠ-પચીસ? સમયમાં રાઉન્ડ ફિગર કે કન્વિનિયન્ટ ફિગર જેવું કંઈ છે જ નહીં. તે તો બધી આપણે રચેલી માયાજાળ છે. મારા ચાર-ચાળીસનું પણ એવું જ છે! હું ચાર-ચાળીસે સિગારેટ પીવા જાઉં છું અને ચાર-પિસ્તાળીસે એ કામ પતાવીને પાછો ફરું છું. જસ્ટ ફાઇવ મિનિટ! એ દરમિયાન બરાબર એક સિગારેટ પી શકાય છે. બીજી પીવાની ન ઇચ્છા થાય છે, ન વિચાર આવે છે, કેમ કે મન પર પેલા ચાર-પિસ્તાળીસના આંકડાનું દબાણ રહે છે! ચાર-ચાળીસે મને ચાર-પિસ્તાળીસ સુધીમાં ધૂમ્રપાનનો આખોય ખેલ શરૂ કરી પૂરો કરવાની જબરદસ્ત મનોવૈજ્ઞાનિક તાકીદ કરી દીધી છે, પરિણામે ચોવીસ કલાકમાં જસ્ટ વન સિગારેટ પીવાનો મારો નિર્ધાર ટકી રહ્યો છે અને હવે તે તૂટે તેમ લાગતું પણ નથી! હું ખુશ છું એ મિત્ર પર! મેં મનોમન તેનું નામ પાડ્યું છે : ‘મિસ્ટર ફોર-ફોર્ટી.’

સિગારેટ, શરાબ, ચા, પાન, માવો, ગુટખા વગેરે છોડવા અંગે ઘણા માણસો પ્રયત્નો કરે છે. તેમાંથી થોડાક સફળ થાય છે, થોડાકની સફળતા અધકચરી અને અલ્પજીવી હોય છે, કેટલાક સદંતર નિષ્ફળ નીવડે છે. મારો એક જુવાન મિત્ર દર અઠવાડિયે ધૂમ્રપાન છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે અને આ સિલસિલો છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલ્યો આવે છે! અતિશય ધૂમ્રપાને આ પરિણામે જ હવે તેમના મોઢામાં માત્ર સાત દાંત સલામત રહ્યા છે! મિત્રે હજી ધૂમ્રપાન છોડ્યું નથી એટલે તેમને શ્રદ્ધા છે કે તેમના બાકીના સાત દાંત પણ ટૂંક સમયમાં આપઘાત કરશે અને ભરયુવાન વયે મિત્રને દાંતનું ચોકઠું પહેરવાનો લ્હાવો મળશે!

દાંતની જ વાત નીકળી છે તો અન્ય એક મિત્રની પણ વાત કરી લઉં. મિત્ર પૂરી રંગીન તબિયતના. છીંકણી સૂંઘે, સિગારેટ પીએ, તમાકુ-ચૂનો હથેળીમાં મસળીને ખાય અને મોઢામાં પાન તો એવું જમાવે કે કલાકો સુધી એનો રસ ચૂસ્યા જ કરે. એની મસ્તીના કેફમાં તો ગળાડૂબ રહે. પાનનાં, મોઢામાં ને જમાવવાની પોતાની કળાનાં, પાનમાંથી ઝરતા અમૃતરસની આસ્વાદ્યતાનાં વખાણ કરતાં તો તેઓ કદી ન થાકે! પણ તમાકુ-પાન વગેરે પોતાનો ભાગ ભજવ્યા વિના રહે? મિત્રને પોતાના અઢાર દાંત પડાવવા પડ્યા અને યુવાનીમાં નકલી દાંતો મુખમાં બંધાવવાનો સમય આવ્યો. તે પછી તેમને મુખે મેં પાની જમાવટની પોતાની બેનમૂન કળાની પ્રશંસા નથી સાંભળી.

હમણાં જ એક વાત જાણવા મળી : એવી ચા શોધાઈ છે અને બજારમાં મળે પણ છે કે જે ચા હોવા છતાં ચા નથી! મતલબ કે એ ચા તમે પીઓ તો ચાનો સ્વાદ આવે, પણ ચામાં જે નુકસાનકારક તત્વ છે તે તેમાં નથી!

અને છેલ્લે આ શેર:

હસો છો આપ તો ફૂલો ભરે છે શ્વાસ હોઠોમાં,

સળગતા રણસમી ઊભરાય મારી પ્યાસ હોઠોમાં.