ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બેડશીટ અને બ્લેન્કેટ માટે પૈસા ચૂકવવા પડશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રેલવે પ્રવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે ટ્રેનમાં ડિસ્પોઝેબલ બેડશીટ અને બ્લેન્કેટ આપશે. આની શરૂઆત બિહારના પટનાના ઉપનગર દાનાપુર રેલવે ડિવિઝન દ્વારા શરૂ કરી દેવાઈ છે. આ માટે પ્રવાસીઓએ મામુલી ચાર્જ ચુકવવો પડશે. કોરોના સંક્રમણના કારણે રેલ્વે તાત્કાલીક ધોરણે ધોઈને ઉપયોગમાં લેવાતી બેડશીટ અને બ્લેન્કેટ આપવાની બંધ કરી દીધી છે, કારણ કે તેનાથી સંક્રમણ ફેલાવાનો ખતરો હતો.

રેલવેએ આ ખતરાને ધ્યાને રાખી, એસી કોચોમાંથી પડદાઓ પણ હટાવી દીધા. હવે પ્રવાસીઓને જે બેડશીટ અને બ્લેન્કેટ આપવામાં આવશે, તેનો માત્ર એક જ વાર ઉપયોગ કરી શકશે. રેલવેના દાનાપુર રેલવે ડિવિઝને ચાર પ્રકારના ડિસ્પોઝેબલ લિનેન કિટ (બેડશીટ, ધાબળો, ટુવાલ સેટ) તૈયાર કર્યા છે, જેનો ચાર્જ રૂ.૫૦દ્મક લઈને રૂ.૨૦૦ સુધીનો છે. રેલવે પ્રવાસીઓને આ કીટ પ્લેટફોર્મ અને ટ્રેનમાં ઉપલબ્ધ કરાવશે. રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, આ વ્યવસ્થા તમામ રેલવે વિભાગોમાં કરવાની છે.

ઈચ્છુક પ્રવાસીઓ મુસાફરી દરમિયાન કિટ ખરીદી શકશે. મુસાફરી પૂર્ણ થયા બાદ બેડશીટ, ધાબળો, ટુવાલને પ્લેટફોર્મમાં મુકેલા ડસ્ટબિનમાં નાખવાના રહેશે. પહેલા નહોતો લેવાતો ચાર્જ ઉલ્લેખનિય છે કે, અગાઉ રેલ્વે તેના મુસાફરોને ટુવાલ, ચાદરો અને ધાબળા આપતા હતી. તેનો એકવાર ઉપયોગ થયા બાદ તેને ધોવામાં મોકલવામાં આવતા હતા પછી તેને ફરી ઉપયોગમાં લેવાતા હતા. પ્રવાસીઓ પાસેથી તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો, આ ટિકિટ સાથે જ મળી જતા હતા. હવે વરસાદનો સમય શરૂ થઈ ગયો છે. એસીમાં સફર કરનારા પ્રવાસીઓને રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, તેથી રેલવે લિનેન કિટ ઉપલબ્ધ કરાવી રહી છે.

ભોપાલ રેલવે વિભાગના સિનિયર ડીસીએમ વિજય પ્રકાશે જણાવ્યું કે, દાનપુર રેલ્વે ડિવિઝને જે સાથે સંસ્થાના સહયોગથી લિનેન કીટ ઉપલબ્ધ કરાવી છે. તે જ સંસ્થાનો અમે પણ સંપર્ક કર્યો છે. અમે પ્રયાસ કરી રહ્યા છે કે, ભોપાલના હબીબગંજ સ્ટેશનથી ઉપડનારી ટ્રેનોમાં પણ આ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે. આમ તો અમારા મલ્ટીપરપજ સ્ટોલો પર સેનેટાઈઝર, માસ્ક ઉપલબ્ધ કરાવી દીધા છે.

આ પ્રકારે વસુલશે કિમતઃ

– ભોપાલ રેલવે વિભાગથી પસાર થનારી ટ્રેનોમાં પણ આ સુવિધા ટુંક સમયમાં શરૂ થવાની છે. લિનેન કિટના પ્રકાર અને કિંમત લિનેન કિટ-૧ :આમાં ૧-૧ બેડશીટ, માસ્ક અને સેનેટાઈઝર ૧-૧ મળશે, કિંમત રૂ.૫૦

– લિનેન કિટ-૨ :આમાં ૧-૧ બેડશીટ, માસ્ક અને સેનેટાઈઝર, ઓશીકું મળશે, કિંમત રૂ.૧૦૦

– લિનેન કિટ-૩ :આમાં ૧-૧ બેડશીટ, માસ્ક, સેનિટાઇઝર અને બ્લેન્કેટ મળશે, કિંમત રૂ.૨૦૦

– લિનેન કિટ-૩ :આમાં ૧-૧ બેડશીટ, માસ્ક, સેનેટાઈઝર, બ્લેન્કેટ, ઓશીકું મળશે, કિંમત રૂ.૨૫૦