‘મેઘદૂત’ કવિ કાલિદાસે જ કેમ લખ્યું ?

Blogs

  • ભગવતીકુમાર શર્મા

વરસાદને કેન્દ્રમાં રાખતું ‘મેઘદૂત’ જેવું અતિ સુન્દર કાવ્ય ભારતના મહાકવિ કાલિદાસે જ કેમ લખ્યું અને શેલી, કિટ્સ, બાયરન કે વર્ડ્ઝવર્થ જેવા ઇંગ્લેન્ડના મોટા ગજાના કવિઓમાંથી કોઈએ કેમ ન લખ્યું એવો પ્રશ્ન કોઈ જિજ્ઞાસુને થાય તો તેમાં તેનો દોષ નથી.

પણ આ પ્રશ્નનો ઉત્તર શો? ઉત્તર મેળવવા માટે તો આપણે ભારત અને ઇંગ્લેન્ડના હવામાનનો અભ્યાસ કરવો પડે તેમ છે! પણ કવિતા અને હવામાનને શો સંબંધ? ગાઢ સંબંધ સુજ્ઞ વાચક, ગાઢ સંબંધ! કવિતા છેવટે તો આ સૃષ્ટિની નીપજ છે. તે કાંઈ ઉપરથી ટપકતી નથી. અને મનુષ્ય આ સમગ્ર સૃષ્ટિનો એક અંશ છે. તે પોતાની અંગત અનુભૂતિથી ઝંકૃત થઈને કવિતા લખે છે એ સાચું, પણ એ કવિતા પર આસપાસની બાહ્ય સૃષ્ટિનો પ્રભાવ પડે જ છે.

ભારત અને ઇંગ્લેન્ડના કુદરતી હવામાન વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ભારત વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધની નજીક આવેલો, ગરમ, કૃષિપ્રધાન દેશ છે, જ્યારે ઇંગ્લેન્ડ ઠંડો મુલક છે. ભારતમાં ચોમાસુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી રહે છે. એ નૈર્ઋત્ય ખૂણેથી ફૂંકાતા પવન અને હવાના નીચા સર્જાતા દબાણ અને તેથી બંધાતાં વાદળોનું પરિણામ છે. દેશના થોડાક ભાગોમાં શિયાળામાં પણ વરસાદ પડે છે. ઇંગ્લેન્ડમાં લગભગ આખું વરસ ઓછો વધતો વરસાદ આવ્યા કરે છે. આથી ત્યાં વરસાદની ન કશી નવાઈ છે, ન રોમાંચ, ન પ્રતીક્ષા, ઇંગ્લેન્ડનું સમસ્ત લોકજીવન ઝાઝું વર્ષાઆધારિત નથી.

ભારતમાં સ્થિતિ ઊલટી છે. અહીં એપ્રિલથી જૂન આકરો તાપ પડે છે. ચોમાસાની સમાપ્તિ અને શિયાળાના પ્રારંભ વચ્ચેના મહિનાઓ પણ ઘણા ઉકળાટભર્યા હોય છે. શિયાળો પણ ઉત્તર અને પૂર્વ ભારતમાં જેટલો આકરો હોય છે તેટલો દેશના બીજા ભાગોમાં હોતો નથી. હવે તો સ્થિતિ લગભગ એવી છે કે વર્ષના માત્ર ચાર મહિના બહુ ગરમી અનુભવાતી નથી. બાકીના આઠ મહિના ગરમી, બાફ અને ઠંડકની પ્રતીક્ષામાં વીતે છે. અને મોટી વાત એ કે કૃષિપ્રધાન ભારતની ખેતી લગભગ સર્વાંશે વરસાદ પર આધારિત છે. એક ચોમસુ નબળું જાય તો જનજીવન કેવું આકળવિકળ થઈ જાય છે તેના અનુભવમાંથી તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તાજાં જ પસાર થઈને હવે કંઈક રાહતનો શ્વાસ ખેંચી રહ્યાં છે.

આ બધાં કારણોસર ભારત અને બીજાં ગરમ મુલકોમાં વરસાદનો જેટલો મહિમા છે તેટલો મહિમા ઇંગ્લેન્ડ જેવા બારમાસી ચોમાસુ ભોગવતા અને ઠંડાગાર રહેતા દેશમાં ક્યાંથી હોય! ઊલટું ત્યાં ઝળહળતો સૂર્યપ્રકાશ પથરાય અને હવામાન ચોખ્ખું હોય તો તે પ્રસન્નતાનું પર્વ લેખાય છે અને લોકો સૂર્યોજ્જ્વલ દિવસ માટેનાં અભિવાદનોની આપ-લે કરે છે!

ભારતનું જનજીવન તો જાણે સારા ચોમાસાની વાટ જોવામાં અને ચોમાસુ બેસે એટલે તેના ઉત્સવો મનાવવામાં અને ચોમાસુ સાનુકૂળ નીવડે તો ઉપરવાળાનો આભાર માનવામાં જ જાણે પસાર થતું રહે છે. આપણાં અસંખ્ય લોકગીતો, પ્રેમી-પ્રેમિકાના વિરહ-મિલનના ભાવો, ઉત્સવો, મેળાઓ, ધાર્મિક વ્રતો, પુરાણકથાઓ, લોકવાર્તાઓ, શાસ્ત્રીય સંગીતના રાગો, ચિત્રમાળાઓ, કવિતાઓ અને બીજું ઘણું બધું વરસાદની આસપાસ જ ફેરફુદરડી ફરતું જણાય છે.

ઉત્તર ભારત કે જ્યાં ઉનાળો બહુ ઉગ્ર હોય છે ત્યાં વર્ષાના આગમનની સાથે ‘સાવન કે ઝૂલે પડે’ જેવાં ઝૂલા-ગીતોનાં સમૂહગાન શરૂ થઈ જાય છે. વર્ષાઋતુમાં પ્રિયવિરહે ઝૂરતી પ્રિયતમાના મનોભાવને વ્યક્ત કરતી ‘કંજરી’ એ ઉપશાસ્ત્રીય સંગીતનું એક અતિ મનોહર અંગ છે. ‘કંજરી’ વર્ષાઋતુના સંવેદનવિષયક મહિમાને બહુ હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરે છે. ઉત્તર ભારતમાં ઉનાળે બળબળતી લૂ ન વરસતી હોત તો મે પછી પાંગરતા ચોમાસામાં આવા ચિત્તને હરી લેનારા સંગીતપ્રકારો ન ઉદ્ભવ્યા હોત.

મંદિરોના હિંડોળા, સાતમ-આઠમના મેળા, કૃષ્ણજન્મોત્સવ, ગોવર્ધનનાથને નામે ઓળખાતું અને પૂજાતું શ્રીકૃષ્ણનું એક સ્વરૂપ. આ અને બીજું આવું ઘણું બધું ભારતના મેઘ મહિમાને મોકળાશથી વ્યક્ત કરે છે. ભારતના શાસ્ત્રીય સંગીતમાં વર્ષાઋતુને અનુભવીને ગાઈ શકાય તેવા રાગોની તો આખી શ્રેણી છે! મેઘ ખરો, મલ્હાર ખરો, એમના સમાયોજનવાળો મેઘ-મલ્હાર પણ ખરો. સૂર-મલ્હારને કેમ ભુલાય? મલ્હારના આ બધા પ્રકારો ઓછા પડતા હોય તેમ બીજા રાગ સાથેના મલ્હારના મિશ્રણમાંથી પણ નવા રાગો બનાવાતા! દાખલા તરીકે દેશ-મલ્હાર. એ રાગ તમે સાંભળો એટલે દેશ અને મલ્હાર એ બે જુદા જુદા રાગોના વણાટને પારખવાના આનન્દમાં તમે ખોવાઈ જાઓ! ક્યાં મલ્હારનો તાણો પૂરો થતો, ક્યાં દેશનો વાણો શરૂ થતો, ફરીથી ક્યાં- ક્યારે મલ્હારને તાણો ઊપસતો. દેશના વાણાનું ક્યારે પુનરાગમન થતું. આ બધું માણવાની મજા એવી તો અદ્ભુત કે કાન અને હૃદય ભાવવિભોર થઈ જાય! આ બધું ભારતમાં શક્ય છે, કેમ કે આ ગરમ મુલકમાં મેઘ એ બહુ મહિમાવંત અનુભવ છે.

આ સન્દર્ભમાં મહાકવિ કાલિદાસ ‘મેઘદૂત’ જેવું અતિ રમણીય વર્ષાકાવ્ય લખે તે ભારતીય સ્થિતિ-સંજોગોમાં જ સાહજિક સર્જન છે. લડકપન, ઇન્તેજાર, તરસ, અતૃપ્તિ – આ બધી કલાસર્જનની જન્મભૂમિ છે. વરસાદ માટેની તડપન અને વરસાદ આવતાં છલકાતો આનન્દ આ દેશનાં બે મુખ્ય અને મહત્ત્વનાં અનુભવક્ષેત્રો છે. ‘મેઘદૂત’ એની નીપજ છે. રસિકોએ તો ‘મેઘદૂત’માં કવિ કાલિદાસે કેટલા પ્રકારનાં વાદળોનું વર્ણન કર્યું છે તેની સંખ્યાની પણ ગણતરી કરી છે! કવિ કાલિદાસ ઉજ્જયિનીનગરીના નિવાસી. તે જ મધ્ય પ્રદેશનું આજનું ઉજ્જૈન નગર-મધ્ય પ્રદેશ એટલો ખાસ્સો ગરમ પ્રાંત. ત્યાંની ગ્રીષ્મ ઋતુ અતિ દાહક. જંગલો ગાઢ એટલે ચોમાસું જો કૃપાવંત હોય તો બધું લીલું છમ્મ. ‘મેઘદૂત’ના વિરહી નાયકની પ્રિયતમ હિમાલયની છાયામાં વસેલી અલકાપુરીની નિવાસિની. ગરમ મધ્ય પ્રદેશથી શીતલ હિમાલય સુધીની મેઘયાત્રા એ જ જાણે કે ભારતીય પ્રજાનું ઋતુચક્ર! શેલી, કિટ્સ કે વર્ડ્ઝવર્થ આ અનુભૂતિ ક્યાંથી લાવે? તેઓનું અનુભવવિશ્વ વળી જુદું, નોખું.