મારી ક્ષમાપ્રાર્થના – ગ્રંથિ!

Blogs

  • ભગવતીકુમાર શર્મા

વાત ક્ષમાભાવની નીકળી છે તો મારે કબૂલ કરવું જોઈએ કે હું કશીક અકળ ક્ષમાપ્રાર્થના ગ્રંથિથી પીડાતો રહ્યો છું! દિવસમાં પાંચ-સાત વાર તો હું કારણ – અકારણ, પ્રગટપણે કે મનોમન કોઈકની ને કશાકની ક્ષમા માગી જ લેતો હોઉં છું! મારા પત્રોમાં પણ ‘હું ક્ષમાપ્રાર્થી છું’ એવા ભાવાર્થના શબ્દો મારાથી ઘણી વાર લખાઈ જાય છે! મારી આ ક્ષમાગ્રંથિનાં મનોવૈજ્ઞાનિક કારણો તો માનવીશાસ્ત્રીઓ તારવી શકે, પણ મેં મારા મનોજગતનું જે કાંઈ વિશ્લેષણ કર્યું છે તેના પરથી મેં એવું તારવ્યું છે કે હું કશુંક ખોટું કરી રહ્યો છું, મારાથી કાંઈક ખોટું થઈ ગયું છે, હું કશુંક ખોટું કરી બેસીશ એવી સભાનતા મારામાં બહુ પ્રબળ છે. આથી હું મારાં તદ્દન કાલ્પનિક ખોટાં કૃત્યો પરત્વે પણ સતત સભાન રહું છું. આને કારણે મારા ચિત્તમાં ક્ષમાભાવ નિરંતર જાગ્રત અને સક્રિય રહે છે અને મેં ન કરેલાં અપકૃત્યોની પણ હું ક્ષમા માગી લઉં છું!

આની એક આડપેદાશરૂપે મારી ભીતર એક ડિફેન્સ મિકેનિઝમ, સંરક્ષણ યંત્રણા બંધાયેલી છે, જેના વડે હું સતત મનોમન મારો બચાવ કરતો રહું છું! ડાઇનિંગ ટેબલ પર મૂકેલું દૂધ બિલાડી ઢોળી નાખે, ઘરની બારી બરાબર બંધ કરવાનું ભુલાઈ જાય, છત્રીનો દાંડો તૂટે, પત્નીને પગે નવેસરથી પીડા ઊપડે – આ સર્વ માટે હું જવાબદાર છું એવો અપરાધભાવ મારા મનમાં ઉદ્ભવે છે. તે સાથે જ પેલું ડિફેન્સ મિકેનિઝમ પણ જોરશોરથી સક્રિય થઈ જાય છે : ‘ના, હોં! ડાઇનિંગ ટેબલ પર દૂધ મેં મૂક્યું નહોતું! બારી મેં તો બરાબર જ બંધ કરી હતી! પત્નીની પગની પીડા અંગે દાક્તરની સારવાર કરાવવામાં મેં જરાપણ બેકાળજી નથી દાખવી હોં!’ વગેરે… આનાથીયે સંતોષ નથી થયો તો મનની પેલી ક્ષમાગ્રંથિ પોતાનું કામ કર્યે જાય છે : ‘આઇ એમ રિયલી સોરી… આઇ એમ એપોલોજેટિક… હું ક્ષમાપ્રાર્થી છું…’

માણસના મનને ચિંતકોએ અકળ અમસ્તું નથી કહ્યું!

અને છેલ્લે:

મારો આ એક તાજો શેર:

‘વેચો, ખરીદો, ગિરવે મૂકો, કાંઈ પણ કરો,

માણસની સામે રોકડા કળદાર ફેંકીએ!’