સ્વ. શશીકાંત જરદોશ : આઠ ભાષાઓના પારંગત સાહિત્યકાર – 1

Blogs

  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સુરતના સાહિત્યનો ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે સ્વ. શશીકાંતભાઈ જરદોશનું નામ અગ્રક્રમે હશે. નવી પેઢીના સાહિત્યકારોએ પણ શશીકાંતભાઈનો પરિચય મેળવવો જ જોઈએ. શશીકાંતભાઈ વ્યવસાયે વકીલ હોવા છતા લેખક, પત્રકાર, શાયર, ઇતિહાસકાર, ગઝલકાર તેમજ હિન્દી અને ઉર્દૂ મુશાયરાના અદ્ભુત સંચાલક હતા. તેઓ સુરતના સાહિત્યકારોમાંથી એક માત્ર એવા હશે કે જેમને ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ, અરેબિક, ફારસી અને પર્શિયન ભાષાનું પણ સંપૂર્ણ જ્ઞાન હતું. 1983માં શશીકાંતભાઈનું 70 વર્ષની વયે નિધન થયું તે પહેલા એમણે રચેલી વિવિધ રચનાઓનું સંકલન કરીને એમના પુત્રી દેવયાનીબહેન જરદોશ તેમજ પુત્ર જવાહરભાઈ જરદોશે એક સુંદર પુસ્તકનું સંકલન કર્યું છે. પુસ્તકનું નામ છે : “ભાઈના સર્જનના અંશ”

હમલોગ.ન્યૂઝના વાચકોના લાભાર્થે આ પુસ્તકના કેટલાક અંશો અમે અવારનવાર રજુ કરીશું.

 ઐતિહાસિક અને આધુનિક જર્જરિત અને જાજરમાન સુરતનું નાનપરું

સુરતનો મક્કી પુલ (મક્કાઈપુલ)થી મક્કી પીર (આર.ટી.ઓ. પાસે) વિસ્તાર, નાનપરું કહેવાય છે. નાન શબ્દનો અર્થ રોટલી છે તે અપભ્રંશ છે. ખરો શબ્દ નહાન છે. ફારસી તવારીખો નહાન છે. ફારસી તવારીખોમાં પણ નહાન લખ્યું છે જેનો અર્થ છુપું-સચવાયેલું છે.

સમુદ્ર દેવને મળવા ધસમસતી સૂર્ય પુત્રી તાપી નદીના કિનારા પરનો પાઘડીપનાનો આ વિસ્તાર એકવાર ગ્રીનબેલ્ટ હતો. અને ત્યાં ગીચ ઝાડીઓની વચમાં સાગરખેડુ, ખારવાઓ અને મહેનતુ માછીમારોના છુટાછવાયાં ઝૂંપડા ડોકિયાં કરતાં હતા. તેથી નહાનપરું એવું નામાભિધન થયું હોય એમ અનુમાન થાય.

સૂરતની જાહોજલાલીની શરૂઆત નાનપરું સ્થાનિક વહીવટ કેન્દ્ર છે. પેશ્વાઓના નગરોમાં આવા વિસ્તારો સરકારવાડા કહેવાતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પાપા પગલીઓ પડતાં, અહીં નાનપરામાં આખા ભારતની સર્વોચ્ચ સદર દીવાની અદાલત હતી. દીવાની હકૂમતની સુપ્રીમ કોર્ટ હતી દિલ્હી, ત્યારે, માખી મારતું હતું. ઓવિંગ્ટન (1689) સુરતી વસ્તી આઠ લાખ હોવાનું મનાય છે. ઇન્ટરનેશનલ ઓપન માર્કેટ જેવું સૂરત વિકસયું અને ખૂબ આબાદ થયું.

નાનપરાની બાજુમાં આવેલું ગામ રસુલાબાદ, અઠવા બની ગયું. નાવડી બંદર, નાનપરાનું બેકયાર્ડ છે. બંદરે મુબારક સૂરતનો આ પહેલો સ્ટોપ છે.

સત્તા, નાનપરાની ધરતીમાં થી ઊગે છે. શહેરના તંત્રની લગામ મહદાંશે નાનપરાના હાથમાં છે. અહીં કચેરીઓ, કોર્ટો, કલેકટરાલય, બહુમાળીઓ, સરકારી અર્ધ સરકારી આવાસો છે. આ ઉદ્યોગ વિસ્તાર નથી, જેવું કે સલાબતપરું, હીરા વિસ્તાર નથી જેવું કે મહીધરપરું, સંસ્કાર વિસ્તાર નથી જેવું કે ગોપીપરું, ધર્મસ્થાન વિસ્તાર નથી જેવું કે સોનિફળિયું અને બાલાજી રોડ.

છતાં આ બધા વિસ્તારોનું ઓક્સીજન સીલિંડર નાનપરામાં છે. કેળવણી ધામો, હાઇસ્કૂલો, કોલેજો અને પોલિટેકનિક તાલીમશાળાઓ અને સાર્વજનિક સોસાયટીનો ઘેઘુર કબીરવડ મક્કાઈ પુલને પેલે પાર છે. આજના કળિયુગનું રૂપાળું નામ વિજ્ઞાનયુગ છે, તેની ઝપટમાં ધર્મસ્થાનોનું મહત્ત્વ ઘટી જાય તેમાં આશ્ચર્ય નથી. વિજ્ઞાન, ધર્મનો દ્વેષ કરે છે, મંદિરને બિન ઉત્પાદક આગળ – કેન્દ્ર અથવા આળસ – ઉત્પાદક ધર્મશાળા કહે છે.

નાનપરામાં આંગળીને વેઢે ગણાય એટલાં મંદિર મસ્જિદો છે અકબર ઇલાહાબાદી કહે છે કે ધર્મની જરૂર આજના પછાત નીચલા નિર્ધન નિરાધાર બુધ્ધિહીન વર્ગને માટે છે. અમીરને માટે સત્તા, કાયદા-કાનૂન, સભ્યતા, ઉચ્ચ જીવન ધોરણના ઘુઘરા જાંબુડાઓ બસ છે.

આપણે નાનપરાથી નીકળી ગયા નથી. હિંદુ ધર્મસ્થાનો કરતાં અહીં મુસ્લિમ ધર્મસ્થાનો વિશેષ છે. ગાંધીજીના પુતળા આગળથી સૌ પ્રથમ શરૂઆત કરતાં સામે હઝરત નથ્થન શાહની સોહામણી દરગાહ છે. આ અત્યંત પવિત્ર જાગ્રત મહિમાવતું સ્થાન છે.

અહીંથી પસાર થતાં અનેક મુસ્લિમ, હિંદુ અને પારસી ભાઈ બહેનો, દૂરથી સલામ કરી અથવા જાળીએ માથું ટેકવી જાણે પ્રત્યેક્ષ આશીર્વાદ મેળવી આગળ વધે છે. હજીયે મધરાત પછી આ સંત માનવ રૂપે દર્શન દેતા હોવાની લોકો સાખ પૂરે છે.

સ્હેજ પાસે, રંગીન ફુવારાથી સો ફુટ પુર્વ યાકુબ શહીદ અને લતીફ શહીદની દરગાહો છે. તેની પાછળ કોતરકામવાળી કાશ્મીરી મસ્જિદનો લાંબો અણઉકેલ્યો ઇતિહાસ છે.

(ક્રમશઃ)