સ્વ. શશીકાંત જરદોશ : આઠ ભાષાઓના પારંગત સાહિત્યકાર – 2

Blogs

  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

(ગતાંકનું ચાલુ…)

લાકડાની લાટીઓની મધ્યમાં જૂના દરબારમાં જયપુરી કારીગરીની એક બાવાસાહેબની દરગાહ છે. હબીબશાહની દરગાહથી આગળ ચાલતાં ચાલતાં કાદરશાહની નાળમાં તોતિંગ ઊંચા વૃક્ષો નીચે ખુલ્લી કાદરશાહની દરગાહ છે. અહીં અસલ ફાંસી અપાતી. પાસે ઈસ્નાં અશરી જમાતની કોલાપીરની દરગાહ છે પુત્ર પ્રાપ્તિની બાધા ફળે ત્યારે, બહેનો અહીં કોળું ચઢાવે છે. તેથી તેનું નામ કોલાપીર હોવાનું કહેવાય છે. ખરું નામ કોણ કહી શકે.

ડિસ્ટ્રિક જજ સાહેબના બંગલાના કંપાઉન્ડમાં છાપરીમાં નરૂદદીન અબ્દેરહીમ રિફાઈ સાહેબની દરગાહ છે.

આર. ટી.ઓ. પાસેની પીર મક્કી દરગાહનું સ્થાન નયન રમ્ય છે. અહીં આસપાસ અગાઉ નાનાં તળાવો હતાં. જેમાં કમળો થતાં હતાં તથા પાતાળ કુવાઓ અને ધર્મશાળાઓ હતી. ત્યારે આ સ્થાનની શોભા અશોક વાટિકા જેવી હશે. મહાવીર કેમ્પસની બાજુમાં આવેલી આ જગા હજુ વધુ મોકાની બની જશે અને જ્યારે સામેનો કોટ તૂટશે ત્યારે સોનાના મૂલ્યની થઈ જશે. એમ સમજી આ સ્થાનનો વિકાસ કરાવીને ત્યાં બાગ બનાવી બાંકડાઓ મૂકી તેની ઉપયોગિતા અને ગૌરવ વધારવું જોઈએ.

નાનપરાના હિંદુ ધર્મસ્થાનો કદાચ એક આંગળીને ટેરવે ગણાય એટલા હશે.

આ ઓછી સંખ્યાનો ખંગવાળી નાખે એવું, લાઈન્સથી આગળ તાપી તટે પ્રભાવશાળી ભવ્યાતિ ભવ્ય અંબિકા નિકેતન બન્યું છે. ગાંધી બાગને દક્ષિણ છેડે સુંદર જૈન મંદિર બન્યું છે. નાવડી બંદરની પાસે અને સામે, નીલકંઠેશ્વર તથા શાન્તેશ્વર મહાદેવનાં મંદિરો છે.

જુના મંદિરોનો કોઈ પ્રમાણિત ઇતિહાસ મળતો નથી. મિશ્ર વસ્તીવાળા લત્તામાં ખાડી નજીક ટેકરાપર ખાખીબાવાનું રણછોડનું મંદિર જીર્ણોધ્ધાર પામી રહ્યું છે. આ સ્થાનની તેમજ તેના મૂળ સ્થાપક મહંત ખાખીબાવાને લગતી સિલસિલાબંધ માહિતી કોઈ ભેગી કરે અને પ્રકાશમાં લાવે એ ઘણું ઉપકારક છે.

નાનપરું સુરતનું નાક છે. દુનિયા ઊથલપાથલ થઈ ગઈ, છતાં નાનપરું તેનું તે જ છે. માણસો બદલાયા, સ્થાનો બદલાયાં છતાં નાનપરું બદલાયું નથી.

“મંઝિલ નયી નયી હૈં મુસાફર નયે નયે.”

નાનપરાનો છેલ્લો સ્કોર જોવા જેવો છે. અસલ આ પારસી ભાઈઓનું હેડક્વાટર્સ હતું. હવે નથી. પારસીઓ પરગજુ અને ઓબ્લાઇજિંગ.

સુરતની એક બાહોશ જાગ્રત સધ્ધર વ્યાપારી વણિક કોમે આ પારસી ભાઈઓનાં એવાં દિલ જીતી લીધાં કે તેઓ વ્યવહારમાં ટક્કર લેવાને બદલે, દાવ ડીકલેર કરીને પહેરેલે કપડે, મુંબઈ જવા માટે, સુરત સ્ટેશને, પાછું ફરીને જોયા વિના પહોંચી ગયા.

ફલાઇંગમાં બેઠા પછી બારીમાંથી ટાટા, બાઈ બાઈ, આવજો. સંભળાયા કરે છે અને દૂર સુધી તેમના સફેદ રૂમાલો ફરકી રહ્યા છે અને વહાલા વતનને નમન કરી વિદાય લઈ રહ્યા છે.

રંગે હિના