લીબિયામાં 7 ભારતીયોના અપહરણ : ખંડણીની માંગ

international
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

લીબિયામાં આતંકીઓએ સાત ભારતીયોનું અપહરણ કર્યું છે. આતંકીઓએ  તેઓને છોડવા માટે ૨૦ હજાર ડોલરની રકમની માંગ કરી છે. જે ભારતીયોનું અપહરણ કરાયું છે, તેઓ યુપીના કુશીનગર, દેવરિયા અને બિહારના રહેવાસી છે. પીડિત પરિવારોએ જલ્દીથી જલ્દી તેમની મુકિતની માંગ કરી છે. જોકે, વિદેશ મંત્રાલયે સાત લોકોનું અપહરણ કરાયા વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ કુશીનગર જિલ્લાના મુન્ના ચૌહાણ સહિત સાત ભારતીયોનું અપહરણ કર્યું છે અને અપહરણકર્તાઓઓ લીબિયામાં તેમની કંપની પાસેથી ૨૦ હજાર ડોલરની રકમ માંગી છે. કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢિયા વસંતપુર ગામનો રહેવાસી મુન્ના ચૌહાણ સપ્ટેમ્બર ૨૦૧૯માં દિલ્હી સ્થિત એનડી એન્ટરપ્રાઈઝ ટ્રાવેલ એજન્સીના માધ્યમથી આયર્ન વેલ્ડરના રૂપમાં લીબિયા ગયો હતો. તેમનો વીઝા ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ પૂરો થયો હતો. તેને પરત ફરવાનું હતું, પરંતુ તે પહેલા જ મુન્ના સહિત સાત ભારતીયોનું અપહરણ કરાયું છે.

મુન્ના સંબંધી લલ્લન પ્રસાદે જણાવ્યું કે, ૧૩ સપ્ટેમ્બરના રોજ મુન્નાએ કુશીનગરમાં પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ૧૭ સપ્ટેમ્બરના રોજ લીબિયાથી તે દિલ્હી આવવા ફ્લાઈટ લેશે. તેના બાદ પરિવાર સાથે તેનો કોઈ સંપર્ક થયો ન હતો. ૨૭ સપ્ટેમ્બરના રોજ જયારે લલ્લન પ્રસાદ દિલ્હી સ્થિત ટ્રાવેલ એજન્સીએ પહોંચ્યો તો માલૂમ પડ્યું કે, મુન્ના સહિત સાત ભારતીયોને આતંકવાદીઓએ લીબિયામાં પકડી લીધા છે. લલ્લનના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું કે, કંપની આતંકવાદીઓને મુકત કરવા રકમ આપવા પણ તૈયાર છે.

લલ્લને દિલ્હીના પ્રસાદપુર પોલીસ સ્ટેશનમાં  ઓનલાઈન કેસ દાખલ કરાવ્યો છે. મુન્ના ચૌહાણ સહિત તમામ શ્રમિકોની મુકિત માટે વિદેશ મંત્રાલય સામે મદદની માંગણી કરી છે. મુન્ના પોતાના પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો છે. તેના પરિવારમાં વૃદ્ઘ માતા ચંદ્રવતી, પત્ની સંજુ, ૧૩ વર્ષની દીકરી રાની અને ૮ વર્ષનો દીકરો વિશ્વજીત તથા ચાર વર્ષનો દીકરો સર્વેશ છે. ત્યારે સ્થાનિક પોલીસ પણ આ મામલે એકિટવ થઈ છે.