ભારતની સ્નાન સંસ્કૃતિ !

Blogs

હાલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં અલહાબાદ નજીકના તીર્થક્ષેત્ર પ્રયાગમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગઈ તા. 9મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ દોઢ મહિનો ચાલશે. મહાકુંભમેળો દર બાર વર્ષે આવે છે. પ્રયાગ ઉપરાંત હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક તેનાં બીજાં સ્થળો છે. અર્ધકુંભ પણ યોજાતા રહે છે.

આ વખતના મહાકુંભમેળામાં કુલ ચાર ‘શાહી સ્નાન’ છે. ઉત્તરાયણનું એક ‘શાહી સ્નાન’ હેમખેમ અને રંગેચંગે પાર પડ્યું. મૌની અમાવસ્યા, વસંતપંચમી અને મહાશિવરાત્રી ‘શાહી સ્નાન’નાં બાકીનાં પર્વો છે. પ્રત્યેક કુંભમેળામાં આ ‘શાહી સ્નાન’નો સહુથી વધારે મહિમા હોય છે. તેમાં સાધુ-સંતો અને નાગા બાવાઓના ‘અખાડા’ઓ ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી એ ત્રણ નદીઓના સંગમમાં સૌપ્રથમ સ્નાન કરે છે. પછી બીજા લાખો લોકો એ ‘શાહી સ્નાન’માં જોડાય છે. ‘શાહી સ્નાન’નો પહેલો અધિકાર કયા અખાડાને એ મુદ્દે ભૂતકાળમાં નાગા બાવાઓ વચ્ચે હિંસક અથડામણો પણ થઈ હતી. આ વખતે સદ્ભાગ્યે ઉત્તરાયણનું અને આજનું મૌની અમાવસ્યાનું ‘શાહી સ્નાન’ શાંતિથી પાર પડ્યું.

આજે ‘શાહી સ્નાન’માં આશરે બે કરોડ માનવીઓએ ભાગ લીધો તેવો અંદાજ છે. શૂન્ય અંશની લગોલગ પહોંચેલી કડકડતી ઠંડીમાં બરફ કરતાં પણ ઠંડા પાણીમાં આ રીતે સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, સહુ મળસ્કાથી ડૂબકીઓ લગાવે, જાતજાતની મુશ્કેલીઓ વેઠીનેય મહાકુંભમેળામાં જાય, ઘૂમે, હજારો માણસો વિરાટ મેળામાં ભૂલા પડી જાય અને તેઓમાંના ઘણાખરાનું સ્વજનો સાથે પુનર્મિલન થાય, હજારો માણસો મેળાના આરંભથી અંત સુધી નદીકાંઠે ‘કલ્પવાસ’ કરીને રહે, ટોચના શાસ્ત્રીય સંગીતકારો ભક્તિસંગીત રેલાવે, વિદ્વાનો ધર્મ અને અધ્યાત્મ વિશે વ્યાખ્યાનો કરે : આ બધું જ અપૂર્વ છે અને તેમાં માત્ર હિન્દુ ધર્મની નહિ, ભારતીય સંસ્કૃતિની એક છબી ઊપજે. પૃથ્વીના પટ પર ક્યાંય આવો વિરાટ ધર્મમેળો યોજાતો નથી. તેથી તો પોપગાયિકા મેડોના, હોલીવૂડની અભિનેત્રી ડેમી મૂર સહિત અનેક વિદેશી કલાકારો પણ આ મહાકુંભ ભણી આકર્ષાયાં છે.

આ વખતના કુંભમેળામાં પાકિસ્તાનથી પણ એક હિન્દુ પરિવાર આવ્યો છે અને મેળાની ભવ્યતા જોઇને ખૂબ અભિભૂત થયો છે. આ કુટુંબનો વડો છે પિન્ટુબાબુ. તેની સાથે તેની પત્ની, બાળકો અને વૃદ્ધ મા-બાપ છે. બધાં ધાર્મિક વૃત્તિનાં. પિન્ટુબાબુની માતા વાલીબાઇનો ઘણાં વર્ષોથી આગ્રહ હતો : ‘દીકરા, એક વાર તો કુંભમેળાની જાતરા કરાવ!’ દીકરાએ માની એ ઇચ્છા પૂરી કરી તેથી મા ખૂબ ખુશ છે. પત્ની સાનાબાઈ ખૂબ મીઠા કંઠે ભજનો ગાઈ શકે છે. તેણે હલકપૂર્વક ‘ભજો રાધે ગોવિન્દ, ભજો…’ ગાયું અને સાંભળનારા રાજી થયા. પણ કરાચીથી ભારત આવેલું આ કુટુંબ હવે મૂંઝવણમાં મુકાઈ ગયું છે, કેમ કે તેની પાસેના ભારતીય રૂપિયા ખૂટી પડ્યા છે અને પાકિસ્તાની ચલણને કોઈ રૂપિયામાં કન્વર્ટ કરી આપતું નથી, આથી પિન્ટુબાબુ બેંકોનાં કાઉન્ટરો પર રખડે છે. આ મુશ્કેલી છતાં ભારતના કુંભમેળામાં આવ્યાનો આ લોકોનો આનંદ તો અકબંધ જ છે. પાકિસ્તાનમાં હિન્દુઓની હાલત શી છે તેવો પ્રશ્ન કોઈકે પિન્ટુબાબુને પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘આમ તો ઝાઝી મુશ્કેલી નથી, પણ ભારતમાં જ્યારે હિન્દુ-મુસલમાન વચ્ચે રમખાણ થાય છે ત્યારે અમારી પરેશાની વધી જાય છે!’

પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ પરિવારની જેમ લાખો પરિવારોએ સંગમ-સ્નાન કર્યું અને હજી કરશે. તે પરથી એવો અંદાજ નીકળ્યો છે કે આ મહાકુંભમેળામાં કુલ આઠેક કરોડ લોકો ઊમટશે અને સ્નાન કરશે! એક તરફ નદીનાં પાણી અને બીજી તરફ માનવીઓનો મહાસમુદ્ર! દુનિયાભરમાં આ દૃશ્ય વિરલ હશે.

પરંતુ ઉત્તરાયણને દિવસે માત્ર પ્રયાગમાં જ એકાદ કરોડ લોકોએ સ્નાન કર્યું તેવું નથી. તે જ દિવસે હરિદ્વારની ગંગા નદીમાં ચારેક લાખ લોકોએ ડૂબકીઓ લગાવી. પશ્ચિમ બંગાળમાં જ્યાં ગંગા નદી અને સમુદ્રનો સંગમ થાય છે અને તેથી જે ગંગાસાગર તરીકે ઓળખાય છે ત્યાં પણ મકરસંક્રાંતિના દિવસથી જ એક ધર્મમેળો શરૂ થયો, જે કુંભમેળા પછીનો બીજા ક્રમનો ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. ત્યાં પણ ઉત્તરાયણને પર્વે લાખો લોકોએ ગંગાસાગર સ્નાન કર્યું.

આમેય ભારતમાં વર્ષ દરમિયાન સંખ્યાબંધ એવાં પર્વો આવે છે જે નદી કે સમુદ્રસ્નાન મહિમા માટે ખૂબ જાણીતાં છે. આવું એકાદ પર્વ આવ્યું કે લાખો લોકોએ વહેતા પાણીમાં ડૂબકી લગાવી જ છે! આ બધું જોતાં મને તો ભારતને ‘સ્નાન-સંસ્કૃતિ’નો દેશ ગણવાનું યોગ્ય લાગે છે.

આપણા જેવા ભારતવાસીઓ, ખાસ કરીને હિન્દુઓના જીવનમાં રોજિંદું સ્નાન અને અનિવાર્ય ક્રિયાકાંડ તરીકે વણાઈ ગયેલું છે. સ્નાન દ્વારા શરીરની સ્વચ્છતા તથા તાજગી અને સ્ફૂર્તિની પ્રાપ્તિ તો જગતભરમાં ઓછેવધતે અંશે પ્રચલિત છે, પરંતુ હિન્દુ પ્રજાએ સ્નાનને પણ ધાર્મિક ક્રિયાકાંડના એક ભાગરૂપે સ્થાપિત કરેલું છે તે તો કદાચ અનન્ય જ હશે. આને પરિણામે આપણો સ્નાનશોખ સ્નાનઘેલછા સુધી પહોંચેલો પણ જોઈ શકાય. અલબત્ત, ધર્મ સાથે જોડાયેલી એવી સ્નાનઘેલછા હવે શિક્ષિત શહેરીઓમાં ઘટી છે.

ભારત જેવા ગરમ દેશમાં સવાર-સાંજ એકબે વખતનું સ્નાન પૂરતું ગણાય, પરંતુ આજથી થોડાંક જ વર્ષ પહેલાં અતિસ્નાની બ્રાહ્મણો અને મરજાદી વૈષ્ણવોમાં સ્નાનનો મહિમા ચરમ સીમાએ પહોંચેલો હતો. તેઓ નાહ્યા વિના ન પૂજા કરી શકે, ન રાંધી શકે, ન ભોજન લઈ શકે. પ્રત્યેક શૌચક્રિયા પછી તો સ્નાન અનિવાર્ય જ. બારે મહિના તાપી કે નર્મદા જેવી નદીઓમાં નિયમિત સ્નાન કરનારાં ઘણાં નર-નારીઓ તો મેં જોયાં હતાં.

ધાર્મિક પર્વના દિવસોએ તો મારા ઘર પાસેથી નદીકાંઠે જતા રસ્તા પર લોકોની વણજાર ચાલી જતી. શ્રાવણ અને અધિક મહિનામાં તો સ્નાનાર્થીઓના ઉત્સાહનું પૂછવું જ શું?

‘તારાસ્નાન’ કરનારી થોડીક ભાવિક સ્ત્રીઓને પણ હું ઓળખતો હતો. હમણાં ઉત્તરાયણના થોડાક દિવસો પહેલાં એક જુવાનિયાએ મને કહ્યું, ‘હું તો દર મકરસંક્રાંતિએ કોઈક ને કોઈક નદીએ ‘તારાસ્નાન’ કરવા જાઉં છું.’ આકાશમાં હજી તારાઓ ટમટમતા હોય અને તે આથમી જાય તે પહેલાં જ નદીમાં નાહી લેવું પડે, એટલે મળસ્કે ચાર વાગ્યે તો હું નદીએ પહોંચી જ જાઉં. પોષ મહિનાની કડકડતી ઠંડી અને નદીનું બરફ જેવું પાણી! પહેલી બે-ત્રણ ડૂબકી મારતાં તો થરથરી જવાય, પણ પછી એવી મજા પડે!’

યુવાનની વાત સાંભળીને મેં રોમાંચ અનુભવ્યો, કેમ કે પ્રકૃતિથી હું પણ પાણીનું માછલું! નદી, સમુદ્ર, સરોવરમાં સ્નાન કરવા મળે એટલે જાણે દુનિયાનું રાજપાટ મળી ગયું હોય તેટલો આનંદ મને થાત, પરંતુ એ સુખ પણ મારા ભાગ્યમાંથી ઓછું થતું ગયું છે, કેમ કે હવે એવાં સ્થળોએ જવાનું ઝાઝું બનતું નથી અને બીજું, મારા સુરતની તાપી નદી તો ‘રામ, તેરી ગંગા મૈલી’ જેવી બની ગઈ છે!

ઊંડો અફસોસ તો મને એ વાતનો પણ રહી ગયો કે ચારેક વર્ષ પહેલાં અમેરિકામાં ત્રણ મહિના સુધી ઘણું હરવા-ફરવાનું થયું અને તે દરમિયાન એટલાન્ટિક અને પેસિફિક એમ બન્ને મહાસમુદ્રો, દરિયા જેવી વિશાળ નદીઓ અને નદીઓ જેવાં વિશાળ સરોવરોનું ખાસ્સું સાંનિધ્ય માણવાનું પ્રાપ્ત થયું, છતાં એક પણ વાર ક્યાંય જળમાં ડૂબકી ખાવાનું તો શક્ય જ ન બન્યું!

જુગારનગરી એટલાન્ટિક સિટીના સમુદ્રતટે, ન્યુ જર્સીના નામચીન ન્યૂડ બીચ પર કે સાન ડિયેગોના દરિયાકાંઠે લટારો મારી અને નજીવાં વસ્ત્રો પહેરીને ઘૂમતાં સ્ત્રી-પુરુષ સ્નાનાર્થીઓનાં ઝૂંડનાં ઝૂંડ જોયાં, પરંતુ હું તેઓમાં ભળી ન શક્યો.

ભારતના અને બાકીની દુનિયાના સ્નાનાર્થીઓના અભિગમ વચ્ચે પાયાનો ભેદ એ છે કે બીજા લોકો જળાશયોમાં મોટે ભાગે સ્નાનના આનંદ ખાતર સ્નાન કરે છે, જ્યારે શ્રદ્ધાળુ હિન્દુઓ નદી, સમુદ્ર આદિ જળાશયોમાં સ્નાન કરવું તેને એક ધાર્મિક અને પુણ્યદાયિની ક્રિયા ગણે છે. નદીઓને આપણે માત્ર ‘લોકમાતા’ કહી નથી, તેને દેવીઓ તરીકે સ્થાપી છે.

દા.ત. તાપી નદીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમનો અને થોડાંક વર્ષ પહેલાં સુરતવાસીઓ તેની ભક્તિભાવથી ઉજવણી કરતા. ગંગા, યમુના કે નર્મદા જેવી નદીઓના ‘સત’ વિશે આજે પણ ભક્તહૃદયનાં હિન્દુ સ્ત્રી-પુરુષો ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તેથી તો મહાકુંભમાં કે અન્ય ધાર્મિક હિન્દુ પર્વોએ લાખો, કરોડો લોકો સંગમસ્નાન કરે છે. એક અમેરિકન ‘શાવર’ કે ‘બાથ’ લે છે અને એક શ્રદ્ધાળુ હિન્દુ સ્નાન કરે છે તેમાં આમ કશો તફાવત નથી અને આમ ઘણો તફાવત છે. શ્રદ્ધાળુ હિન્દુ (હવે તો જોકે અપવાદરૂપ) ઘરના બાથરૂમમાં નાહતી વખતે શરીર પર નળના પાણીથી ભરેલો કળશ ઠાલવતી વખતે ‘ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી’નો શ્લોક ઉચ્ચારે છે અને તે દ્વારા બધી નદીઓમાં સ્નાનની ભાવનાથી ભીનો થાય છે. તેની સ્નાનક્રિયા આ કારણે જુદી પડે છે.

પરંતુ અમે ભારતવાસીઓએ નદીઓને માતા અને દેવી બનાવી દીધી, તેને નિર્મળ રાખવાની કાળજી ન કરી!