રાખડી બજારમાં પણ દેશદાઝનો જુવાળ દેખાયો : ચાઇનીઝ મોતી-સ્ટોનના બદલે ઘૂઘરી, કુંદનનો ઉપયોગ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના મહામારી બાદ હવે દેશની સરહદ પર વધેલા તણાવને કારણે દેશભરમાં ચીનની અવલચંડાઇ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. દેશની યુવા પેઢી, નોકરિયાત અને મોટેરાઓ ચાઇનીઝ સામગ્રીનો ઉપયોગ ન કરવાના સંકલ્પ લઇ રહ્યા છે. એવામાં હવે શહેરના રાખડી બજારમાં પણ દેશદાઝનો જુવાળ દેખાઇ રહ્યો છે. રાખડી બજારમાં ચાઇનીઝ મોતી અને સ્ટોનનો બહિષ્કાર કરીને સ્વદેશી સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરીને રાખડી બનાવવામાં આવી રહી છે. ઉન, રેશમના દોરા, વૂડન પીસ, ઘૂઘરી થકી બની રહેલી આકર્ષક રાખડીઓ આ વર્ષે રક્ષાબંધનમાં ભાઇ અને બહેન માટે અનોખું આકર્ષણ બની રહેશે.

આગામી ૩ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વને લઇને રાખડી બજારમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ભાઇ અને બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા પર્વને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે, તેમાં ચાલુ વર્ષે ચાઇનીઝ સામગ્રીનો નહિવત ઉપયોગ કરવાના નિર્ધાર સાથે અનેક લઘુઉદ્યોગોમાં સ્વદેશી સામગ્રીના ઉપયોગ સાથે રાખડી બનાવવામાં આવી રહી છે. સામાન્યપણે રાખડી બજારમાં દર વર્ષે ચાઇનીઝ પ્રોડકટની બોલબાલા જોવા મળે છે. રાખડીની બનાવટ વેળાએ ઉપયોગમાં લેવાતા મોટા ભાગના મોતી અને સ્ટોન ચાઇનીઝ પ્રોડકટના હોય છે. પરંતુ તે સામે ચાલુ વર્ષે ઉન, રેશમના દોરા, વૂડન પીસ, ઘૂઘરી સહિતની સ્વદેશી સામગ્રીનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે.

સ્વદેશી રાખડી અંગે ધર્મિષ્ઠા પટેલ, હંસાબેન સોલંકીએ જણાવ્યું હતંુ કે, અત્યાર સુધી રાખડીમાં ચાઇનીઝ મોતી, સ્ટોન, લાઇટની સિરીઝ, કાર્ટુન, સાટીન થ્રેડ વગેરે ઉપયોગમાં લેવાતા હતા. પરંતુ આ વર્ષે તેનો ઉપયોગ નહિવત થઇ ગયો છે. લોકો અને વેપારીઓમાં પણ સ્વદેશી રાખડી માટે જાગૃતિ જોવા મળી રહી છે. જેને કારણે ઉન-રેશના દોરા, કોટન કાપડ, વૂડન મોટીફ, ઘૂઘરી, કોડી ડાયમંડ, કુંદન, દેશી મોતી, ઝૂમખા વગેરેનો ઉપયોગ કરાઇ રહ્યો છે. રાખડીઓ ઉનના વણાટથી બને છે. પછી તેને અલગ અલગ ડિઝાઇન આપવા માટે કોટનના ફેબ્રિકનો ઉપયોગ કરી ફ્લાવર બનાવાઇ છે. ચાઇનીઝ સ્ટોનની જગ્યાએ લાકડાની કોતરણીવાળા પીસનો ઉપયોગ કરવામાં આવે છે.