હું નવપરિણીત યુવક છું. હજુ ગયા મહિને જ મારા લગ્ન થયાં છે. લગ્ન બાદ અમે માઉન્ટ આબુ જવા તરત રવાના થઈ ગયાં. સુહાગરાત અમે ત્યાં જ મનાવી પણ….

Blogs

ડૉ. મુકુલ ચોકસી

હું નવપરિણીત યુવક છું. હજુ ગયા મહિને જ મારા લગ્ન થયાં છે. લગ્ન બાદ અમે માઉન્ટ આબુ જવા તરત રવાના થઈ ગયાં. સુહાગરાત અમે ત્યાં જ મનાવી પણ પહેલીવાર સેક્સ કરવા જતાં મને અસહ્ય પીડાનો અનુભવ થયો. બે દિવસ બાદ ફરીવાર પ્રયત્ન કરી જોયો, તો ય પીડા થઈ. હિલસ્ટેશન પર કોને પૂછીએ એમ વિચારી પાછા ફર્યા છીએ. મેં સ્ત્રીને થતી પહેલીવારની પીડા અંગે વાંચ્યું હતું પણ મને એટલે કે પુરુષને આવું થાય તો શું કરવું ?

આપને સમાગમ પહેલા, સમાગમની શરૂઆત વખતે, ચાલુ સમાગમે કે સ્ખલન વખતે પીડા થાય છે તે જાણવું જરૂરી છે. આ ચારે ય તબક્કા દરમિયાન પીડા થવાનાં કારણો તથા તેના ઉપાયો અલગ અલગ હોય છે. તદુપરાંત આપનાં જનનાંગોનું પરીક્ષણ કરવું પણ જરૂરી છે, જેથી કોઈ દેખીતી ત્રુટિ હોય તો ઈલાજ કરી શકાય.

સમાગમ શરૂ થતાં પહેલાં જ જો પુરુષને પીડા શરૂ થાય તો તેનાં બે કારણો હોઈ શકે. જો શિશ્નની અગ્રત્વચા તંગ હોય અને શિશ્ન ઉપર સરળતાથી સરકી શકતી ન હોય એ અવસ્થા સહેજ પીડા દાયક હોઈ શકે, (ફાઇમોસિસ) લિંગ સુષુપ્તાવસ્થામાં હોય ત્યારે આ મુશ્કેલી આવતી નથી પણ સમાગમ પહેલાંના રોમાન્સ દરમિયાન લિંગ ઉત્તેજિત થતાં અગ્રત્વચા ઉપર સરકવાની શરૂઆત કરે છે. એમાં તંગ અંગત્વચાને લીધે રુકાવટ આવતાં આછી વેદના થઈ શકે. અગ્રત્વચા શિશ્ન સાથે જે પેશીથી જોડાયેલી હોય છે એને ‘ફ્રેન્યુલમ’ કહેવાય છે. જો એ નાનું અથવા ટાઇટ હોય તો ય ત્વચા સરળતાથી સરકી જતી નથી અને સહેજસાજ દુઃખે છે. પણ આ બંને (ફાઇમોસિસ અને ટાઇટ ફ્રેનમ) સમસ્યાઓમાં ખરી પીડા સમાગમની શરૂઆત વખતે થાય છે. સમાગમ પહેલાં થતી પીડા નહીંવત્ યા ઓછી જ હોય છે. ઘણુંખરું તો ભૂતકાળમાં થયેલ હસ્તમૈથુન વખતે યુવાનને પોતાની આ તકલીફની જાણ થઈ જતી હોય છે.

સમાગમની શરૂઆત ‘પેનીટ્રેશન’ યા ‘યોનિપ્રવેશ’થી થાય છે. ઉપરોક્ત સમસ્યાઓમાં એવું બની શકે કે, ખેંચાયેલી, શિશ્નમણી પર વધુ સરકવા અશક્તિમાન ત્વચા યોનિપ્રવેશના ધક્કા સાથે ખેંચાઈને ઉપર ચડી જાય છે. દરમિયાન અસહ્ય પીડા થઈ શકે છે. ટાઇટ ફેન્યુલમ પણ જો યોનિપ્રવેશ વેળા ઘસારા યા ધક્કાથી તૂટી જાય યા ઇજાગ્રસ્ત થાય તો અસહ્ય પીડા ઉદ્ભવી શકે છે. સમાગમની શરૂઆતમાં જ થતી આ પીડાજનક સ્થિતિઓની આગોતરી જાણ જેણે કદી ય સમાગમ ન કર્યો હોય એવા યુવાનને નથી થતી. નિરોધ, પીડાશામક દવાઓ, એનેસ્થેટિક ઓઇટમેન્ટ અથવા લ્યુબ્રીકેટીંગ જેલીથી કેટલાક સાદા કિસ્સાઓમાં રાહત મળે છે. પણ ઘણીવાર આ ઉપાયો કારગત ન નીવડવાથી અગ્રત્વચા ફ્રેનમની શસ્ત્રક્રિયા (સર્કમસીઝન કે ફ્રેન્યુલોપ્લાસ્ટી) કરાવવી પડે છે.

આપને જીવનમાં પહેલી વહેલી વાર સમાગમનો અવસર આવ્યો હતો. તે વખતે ઉદ્ભવેલી સમસ્યાનાં કારણો ઉપર મુજબના હોઈ શકે. જે વ્યક્તિ પહેલાં સરળતાથી સમાગમ કરી શકી હોય તેને ઉપરોક્ત પ્રશ્ન નથી હોતા. તેમાં લિંગ કે એની અંદરની મૂત્રનલિકાની અન્ય બીમારીઓ કારણભૂત હોઈ શકે. દાખલા તરીકે યુરેથ્રા (મૂત્ર નલિકા)ના ચેપ, તેમાં પથરી, સોજો, પ્રોસ્ટટનું ઇન્ફલેમેશન વગેરે બીમારીઓમાં સમાગમ પુરુષ માટે કષ્ટદાયક નીવડી શકે. આ બીમારીઓમાં થતી પીડા સામાન્યતઃ ચાલુ સમાગમે યા સ્ખલનની ક્ષણો વખતે મહત્તમ હોય છે.

અગ્રત્વચા કે ફન્યુલમની સમસ્યા હોય તો જનનાંગોના પરીક્ષણથી જાણી શકાય છે. યુરેથ્રા કે પ્રોસ્ટેટની તકલીફ વગેરેથી યા પેશાબ / મળદ્વારના પરીક્ષણથી જાણી શકાય છે.

એક એવોય કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો, જેમાં ઉપરોક્ત કોઈ સમસ્યા ન હોવા છતાં પતિને લગ્ન બાદ નવાસવા સંભોગના પ્રસંગોમાં તકલીફ અને કષ્ટ અનુભવતા હતા. બધી તપાસોનાં પરિણામો નોર્મલ આવ્યા બાદ પતિ પત્નીને ઝીણવટથી વિગતો પૂછવામાં આવી તો જણાયું કે, તેઓને કામક્રીડાની કોઈ જ આવડત નહોતી. નિર્વસ્ત્ર થયા બાદ ચોક્કસપણે શું કરવાનું તેની બેઉને કશી ગતાગમ નહોતી. આથી બને એવું કે, સ્ત્રી આંખો મીચીને પતિ એની મેળે ક્રીડા કરી લેશે એમ માનીને સૂઈ રહે અને પતિ અંધકારમાં યોનિપ્રવેશ માટે ગમે ત્યાં જનનાંગો પર દબાણ આપે જેમ કરવા જતાં તેને પીડા થાય અને છેવટે અસફળ રહેતાં તેઓ પોતાનો પ્રયાસ માંડી વાળે.

આમ અપૂરતી સમજણ અથવા ખોટી પદ્ધિત (ફોલ્ટી ટેક્નિક) પણ પીડા થવાનું કારણ બની શકે. યોનિમાં સીધી રેખાને બદલે ત્રાંસો પ્રવેશ કરવા જતાં જો ખામીયુક્ત ‘એક્સીયલ પ્રેશર’ અપાઈ જાય તો લિંગનું ફ્રેક્ચર થવાના પીડાદાયક કિસ્સાઓ ય અપવાદરૂપે નોંધાયા છે. અલબત્ત, આ પૂરક માહિતીઓ આપને માટે નહીં, પીડા અનુભવતી અન્ય વ્યક્તિઓ માટે છે.

*