હું નવપરિણીત યુવક છું. મને સતત એ મૂંઝવણ રહે છે કે, એકવારના સમાગમ પછી કેટલા સમય બાદ બીજીવાર સમાગમ કરી શકાય ?

Blogs

ડૉ. મુકુલ ચોકસી

હું નવપરિણીત યુવક છું. મને સતત એ મૂંઝવણ રહે છે કે, એકવારના સમાગમ પછી કેટલા સમય બાદ બીજીવાર સમાગમ કરી શકાય ?

આ અંગે બધાને લાગુ પાડી શકાય એવો કોઈ નિયમ નથી. ઇન્દ્રિયનું ઉત્થાન અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. એકવારના સમાગમ પછી શિથિલ થઈ ગયેલી ઇન્દ્રિયને પુનઃ ઉત્થાનિત થતાં થોડો સમય લાગે છે. એ સમયગાળાને ‘રિફ્રેક્ટરી પીરિયડ’ કહેવામાં આવે છે. અર્થાત્ એ સમય જેમાં સ્ખલન પછી ઇન્દ્રિય ઉત્થાનિત ન થઈ શકે. આ સમયગાળો વ્યક્તિએ – વ્યક્તિએ, ઉંમરે-ઉંમરે અને સંજોગે-સંજોગે બદલાય છે. તે કેટલીક મિનિટોથી માંડીને કેટલાક કલાકો સુધીનો હોઈ શકે. નાની ઉંમરે તથા આપના જેમ નવપરિણીત અવસ્થામાં આ ગાળો ટૂંકો હોય છે. વૃદ્ધાવસ્થામાં આ ગાળો લાંબો હોય છે. તમે પોતે ‘ટ્રાયલ એન્ડ એરર’ દ્વારા તમારા પોતાના કિસ્સામાં નક્કી કરી શકો. પણ હા-તાત્કાલિક બીજીવાર સમાગમ કરવો જ જોઇએ એવું ય જરૂરી નથી, કેમ કે કામાનંદ વિશેષતઃ સંખ્યા નહીં પણ ગુણવત્તા પર નિર્ભર હોય છે.

હું વ્યવસાયે એક ડૉક્ટર છું. મેં મારી લાંબા ગાળાની પ્રેક્ટિસમાં અનેક જુવાનોને ધાત, વીર્યસ્ત્રાવ, રાત્રિસ્ખલન, વેટડ્રોમ્સ વગેરેની ફરિયાદ લઈને આવતા જોયા છે. આપણું એલોપેથિક સાયન્સ કહે છે કે, આ ‘ધાત સિન્ડ્રોમ’ જેવી કોઈ શારીરિક બીમારી છે જ નથી અને ચાલી આવતી ખોટી માન્યતાને કારણે દર્દી ગભરાય તથા પીડાઈ છે. આપ પણ આમ જ કહો છો, પરંતુ જો ખરેખર આવી કોઈ બીમારી હોય જ નહીં તો દર્દીઓને સમજાવટ, સલાહસૂચન, સમજ વગેરે કામ કેમ નથી આવતા? અરે, ઘણીવાર ચિંતાજનક દવાઓ પણ તેમની ચિંતાને મટાડી શકાતી નથી. વર્ષો સુધી તેઓ પોતાની ‘કાલ્પનિક’ બીમારીને લઈને ડૉક્ટરો પાસે શા માટે ભટક્યા કરે છે?

આનું કારણ કદાચ એ છે કે, ‘વીર્ય શક્તિનો સ્ત્રોત છે.’ એવી માન્યતા સદીઓથી આપણા મનમાં પેસી ગયેલી છે. માત્ર હિંદુ સંસ્કૃતિમાં જ નહીં, બર્મા, શ્રીલંકા, થાઇલેન્ડ, ચાઇના જેવા પૂર્વ એશિયાઈ દેશોમાં ય પરાપૂર્વથી ‘વીર્ય શક્તિવર્ધક છે તથા તેને ગુમાવવાથી પૌરુષ હણાઈ જાય છે.’ એવી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પશ્ચિમી સંસ્કૃતિય આમાંથી બાકાત નથી. વિકેટોરિયન યુગમાં વીર્યને ‘શરીરના શુદ્ધતમ પ્રવાહી’ તરીકે વર્ણવાયું હતું. એક જમાનો એવો હતો કે, જ્યારે શરીર તથા મનની શક્ય એટલી તમામ બીમારીઓ હસ્તમૈથુન કે વીર્યસ્ખલનથી થતી હોવાનું માનવામાં આવતું હતું. હોલર નામના વૈજ્ઞાનિકે 1974માં જણાવ્યા પ્રમાણે પ્રાચીન કાળમાં વીર્યસ્રાવને રોકવા અનેક ઢંગધડા વગરની, મૂર્ખામી ભરેલી રીતરસમ અપનાવવામાં આવતી. કેટલાક પેશાબની નલિકાને ઇલેક્ટ્રિક કરંટથી સીવી દેવાનું સૂચવતા. તો કેટલાક મળાશયમાં કબૂતરનાં ઇંડાં જેવડા લાકડાના ટુકડાઓ ખોસી દેતા, જેથી પ્રોસ્ટેટ ગ્રંથિ દબાયેલી રહે. 1840માં લેન્સેટ જેવી સર્વ સ્વીકૃિત મેડિકલ જર્નલમાં ‘વીર્ય ગુમાવવાને કારણે સજાતીય શારીરિક, માનસિક તેમજ નૈતિક અધોગતિ’ વિષય પર અગ્રલેખ લખાયો હતો. સર આઇઝેક ન્યૂટને એવું કહ્યું હોવાનું મનાય છે કે, તેણે જિંદગીભર વીર્યનું એકકેય ટીપું બગાડ્યું નહોતું. આમ સદીઓની સદીઓ વીર્યને અનિવાર્યપણે શક્તિવર્ધક માનવામાં વીતી ગઈ. ધીમે ધીમે એકત્રિત થતા તબીબી જ્ઞાનને આધારે છેલ્લા કેટલાક દાયકાઓથી જ તબીબી જગત એવું સ્વીકારતું થયું છે કે, અગાઉની માન્યતાઓ ખોટી છે. જેમ હવે પશ્ચિમી જગતના સામાન્ય લોકો નિદ્રાસ્ખલન, સ્લીપ ડિસ્ચાર્જ વગેરેને સાહજિકપણે સેક્સના ‘નિરોગી પ્રગટીકરણ’ તરીકે સ્વીકારતા થયા છે, તેમ વખત જતાં આપણે ત્યાંના લોકો પણ સ્વીકારશે.