સરકાર જીદ છોડે નહિતર 26 તારીખે 1 લાખ ટ્રેકટર સાથે ખેડુતો દિલ્હીમાં ઘૂસણખોરી કરશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

આઠમાં તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા પછી હવે ખેડૂતોનું વલણ કડક બન્યું છે. ખેડૂતોએ હુંકાર કર્યો છે કે તેઓ આ કાયદાઓ પાછા ખેંચ્યા વગર પાછા નહીં જાય અને આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. કાતિલ ઠંડી વચ્ચે પણ ખેડૂતો દિલ્હીની બોર્ડરો પર બેઠેલા છે.

આ દરમિયાન આંદોલનના ૪૪માં દિવસે યુપી ગેટ પર ખાપના ચૌધરી સુરેન્દ્રએ સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે જો સરકાર ત્રણે કાયદાઓ પાછા ખેંચવાની માંગણી નહીં સ્વીકારે તો પછી ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો ૧ લાખ ટ્રેકટરો સાથે પરેડ કરશે. ૨૬મીની પરેડમાં જવાનો અને કિસાનોને આખો દેશ સાથે જોશે. તો દેશ ખાપના ચૌધરી જોગેન્દ્રસિંહે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, ટ્રેકટરોની પરેડની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આંદોલનમાં પહોંચેલા ખાપના થાંબેદાર રામકુમારે કહ્યું કે, સરકાર ખેડૂતોની માગણી સ્વીકારવામાં જેટલું મોડું કરશે, તેને એટલું જ નુકસાન થવાનું છે. આંદોલન પર બેઠેલા ખેડૂત ૨-૩ વર્ષ સુધી પણ અહીંથી પાછો નહીં જાય.

તેમણે સરકારને ચેતવણી આપી કે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં પરેડ દરમિયાન એક લાખ ટ્રેકટર – ટ્રોલી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જવાનો સાથે સામેલ થશે. આખો દેશ આ વખતે જવાન અને કિસાનની પરેડ જોશે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ ટિકૈતે કહ્યું કે, ટ્રેકટર માર્ચ જેવું ટ્રેલર આખી દુનિયામાં કયારેય કોઇએ નહીં જોયું હોય. ખેડૂતોને ખબર પડી ગઇ છે કે દિલ્હીને કબ્જામાં કેવી રીતે લેવું. તેમણે સરકાર અને અધિકારીઓને સખત લહેજામાં કહ્યું કે તેઓ કિસાન આંદોલનને હળવાશમાં ન લે.

ભાકિયુના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું કે જો ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈત ૩૫૦ વાર જેલ જઇ શકે તો અમે પણ સરકાર સાથે ૩૫૦ વાર વાતચીત કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોને એક એક કિલો સોનુ આપશે તો ય ખેડૂતો માનવાના નથી. ખેડૂતો ત્રણેય કાનૂનો પાછા ખેંચાશે ત્યારે જ માનશે. તેમણે કહ્યું કે, આ આંદોલન વૈચારિક ક્રાંતિ છે. તેમાં જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ ખેડૂતોની સંખ્યા વધતી જાય છે.

યુપી ગેટ પર સમાજસેવિકા મેઘા પાટકરે કહ્યું કે, કિસાન આંદોલન હવે ફકત યુપી, પંજાબ અને ઉત્તરાખંડનું નથી રહ્યું. કૃષિ કાનૂ વિરૂધ્ધ ખેડૂતોનો અવાજ દેશભરમાંથી આવી રહ્યો છે. શુક્રવારે નર્મદા સંઘર્ષ સમિતિના પદાધિકારીઓ પણ યુપી ગેટ પહોંચ્યા હતા. ત્યાં સમિતિના યુવાઓએ ઢોલ અને ડફલી વગાડીને ત્રણે કાનુનોનો વિરોધ કર્યો. આ દરમિયાન યુવાઓએ મધ્યપ્રદેશની સંસ્કૃતિની ઝલક પણ દેખાડી હતી.