આઈ વિશ કે મને કોઈ વિશ ન કરે !

Blogs

  • ભગવતીકુમાર શર્મા

એકબીજાને અભિનંદન આપવા અને લેવાના પ્રસંગોની હવે ખોટ વર્તાતી નથી. બાળક જન્મે તો તેનાં મમ્મી-પપ્પા અને અન્ય કુટુંબીજનોને અભિનંદન આપવાં જ પડે. બાળકની પહેલી વર્ષગાંઠે તો અભિનંદનોની વર્ષા જ વરસે. હવે તેની ઉજવણી માટે હોલ કે હોટેલ બુક કરાવાય અને આમંત્રણપત્રિકાઓ પણ છપાવાય. તેમાં વળી ‘માલી વલછગાંઠમાં તમે જલુલ જલુલથી આવજો’ એમ તો લખવું જ પડે!

હવે જોકે બાળકની પહેલી વર્ષગાંઠ ઊજવવામાં નવી વિચારણા પ્રવેશી છે. કેટલાંક મોડર્ન મમ્મી-પપ્પા એમ માને છે કે બાળકની પહેલી નહિ, પણ બીજી વર્ષગાંઠ જ ઊજવવી જોઈએ. કારણ ? તેઓનો તર્ક વાજબી લાગે છે. પોતાની પહેલી વર્ષગાંઠે બાળક સાવ અબુધ જ હોય. પોતાની આસપાસ આ બધી શેની ધમાચકડી ચાલી રહી છે તેનો તેને કશો ખ્યાલ જ ન આવે. એથી બાળક બાપડું અકળાય. પણ તે બે વર્ષનું થાય ત્યારે ખાસ્સું સમજણું થઈ ચૂક્યું હોય જેથી પોતાની વર્ષગાંઠ ઊજવાઈ રહી છે તેનો તેને બરાબર ખ્યાલ આવે, પરંતુ કેટલાક માણસો બે શું, બાસઠ કે બ્યાંસી વર્ષની ઉંમરેય સમજણા થતા નથી તેનો શો ઇલાજ? તેઓનો જન્મદિવસ ન ઊજવવો? !

જન્મદિનની ઉજવણી અંગત રીતે મને હંમેશાં દ્વિધાપૂર્ણ અને મૂંઝવણકારક લાગે છે. નિખાલસપણે કહું તો મારો જન્મદિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ હું મનોમન એક પ્રકારની ઉત્તેજના અનુભવું છું. હવે વરસગાંઠને આટલા દિવસ બાકી રહ્યા તેવું કાઉન્ટડાઉન પણ મનમાં શરૂ થઈ જાય છે. વર્ષગાંઠ એ કશોક વિશિષ્ટ દિવસ છે તેવું તો મને લાગે જ છે, પણ જ્યારે જન્મદિવસ આવે છે ત્યારે મારો મુખ્ય મનોભાવ મૂંઝવણનો હોય છે. હવે તો કેટલાક લોકોને મારી જન્મતારીખ યાદ પણ છે. તેઓ કાળજીપૂર્વક અભિનંદનપત્ર લખે છે અથવા ફોનથી ‘મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે’ કહે છે અને થોડાક માણસો ફૂલો લઈને રૂબરૂ પણ આવે છે. જેમ જેમ આ પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ ભીડ વધતી જાય છે તેમ તેમ મારી વિવેકબુદ્ધિ જાગ્રત થઈને વારંવાર પૂછે છે : ‘અલ્યા, બીજા કરોડો, અબજો માણસોની જેમ તું અમુક દિવસે જન્મ્યો અને અમુક ઉંમરે પહોંચ્યો તેમાં આ અભિનંદન શાનાં અને ફૂલો શા માટે? આ પ્રશ્ન જન્મદિવસના આનંદને મારા મનની સૃષ્ટિમાં ઝાંખો પાડી દે છે, પણ પછી ધીમે ધીમે નવી વરસગાંઠને કેટલા મહિના, કેટલા દિવસ બાકી તેની ગણતરીમાં મન ગૂંથાવા લાગે છે.

એમ લાગે છે પોતાના જન્મદિનની ઉજવણી અંગે ધર્મનેતાઓ અને રાજનેતાઓ સહુથી વધારે ઉત્સાહી હોય છે. રાજનેતાઓ તો પોતાના જન્મદિનની ઉજવણીને પણ પોતાનો રાજકીય પ્રભાવ વધારવા માટેના વ્યૂહાત્મક શસ્ત્ર તરીકે પ્રયોજે છે! યાદ છે 1979માં ચૌધરી ચરણસિંહે પોતાના જન્મદિને કિસાન રેલી યોજી ત્યારના વડાપ્રધાન મોરારજી દેસાઈને આડકતરો પડકાર ફેંક્યો હતો! એથી ઊલટું મોરારજીભાઈ પોતાના જન્મદિવસની ઉજવણી કરવાના જ વિરોધી હતા! કુદરતે પણ દર ચાર વર્ષે જ એમની જન્મતારીખ આવે એવી યોજના કરી હતી! કેટલાક ધર્મનેતાઓના જન્મ દિવસ તો એટલી બધી વાર ઉજવાય છે કે વર્ષમાં એકથી વધુ વાર તેઓની વર્ષગાંઠ આવે છે કે શું તેવો આપણને વહેમ પડે અથવા ભ્રમણા થાય!

ફિલ્મ-કલાકારો, ખાસ કરીને ફિલ્મ-અભિનેત્રીઓની જન્મતારીખો વાંચીને તો એવી જ પ્રતીતિ થાય કે આ સન્નારીઓના જન્મની તારીખ અને મહિનો જ છે, વર્ષ નથી! ચિરયુવા રહેવાનો આનાથી ચઢિયાતો અને રસપ્રદ કીમિયો બીજો કયો હોઈ શકે?!

પણ અભિનંદન માત્ર વર્ષગાંઠનાં નહિ, લગ્નનાં, લગ્નગાંઠનાં, પરીક્ષામાં પાસ થયાનાં, સારી નોકરી મળ્યાનાં, એવોર્ડ પ્રાપ્ત થયો તેનાં, એમ એક હજારને એક નિમિત્તે આપી શકાય છે, અપાય છે! કેટલાક અતિ સજ્જન અથવા ખુશામદખોર માણસો તો અન્યોને અભિનંદન આપવાનાં બહાનાં જ શોધતા હોય છે. તેઓની ગણતરી એક જ હોય છે : કોઈને, ખાસ કરીને મહત્ત્વના માણસને અભિનંદન આપવામાં આપણું જાય છે શું? ઊલટું એ વી.આઇ.પી.ની ગુડબુકમાં આપણું નામ રહે તે કાંઈ મામૂલી લાભ થોડો જ છે? અભિનંદન આમ સ્વાર્થનું નિમિત્ત પણ બની શકે છે.

અભિનંદન આપવાની કઈ રીતને તમે સૌથી વધુ પસંદ કરો? રૂબરૂ ધસી જઈને ‘કોન્ગ્રો! કોન્ગ્રો!’ કરવું તેને! ફોનથી અભિનંદન પાઠવવાં તેને? પત્ર લખીને? ટેલિગ્રામ કરીને? પત્ર પણ કેવો લખવો? માત્ર પોસ્ટકાર્ડ? રૂપકડું પરબીડિયું? એક જમાનામાં તાર આવતો તો એ ધ્રાસકાનું માધ્યમ બનતો! હવે જવલ્લે જ તાર આવે છે અને આવે છે તો એ કશું સ્પંદન જગાવતો નથી!

એંસી વર્ષની વયે પહોંચેલા મારા એક અતિ ચિરપરિચિત કવિ-વિવેચક વડીલનો પોસ્ટકાર્ડ – પ્રેમ અદ્ભુત છે! પોસ્ટકાર્ડમાં એક મોટું સુખ એ છે કે તમે ઇચ્છો તોય તેમાં લાંબું કાંતી ન શકો. એથી ઊલટું રૂબરૂ કે ફોન પર તમારે થોડાક શબ્દો તો વધારે બોલવા જ પડે! માણસ અભિનંદન આપવામાં પણ કેવો ઉમળકા વિનાનો અને કંજૂસ હોઈ શકે છે તે આ વડીલના અભિનંદન પોસ્ટકાર્ડ પરથી સમજાય છે!

પોસ્ટકાર્ડની જ વાત નીકળી છે એટલે મને ગુજરાતી ભાષાના બે વિવેચકો સાંભરે છે : એક, પ્રકાંડ પંડિત સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને બીજા તેમના સંનિષ્ઠ શિષ્ય સ્વ. કૃષ્ણવીર દીક્ષિત. બંનેએ પોતાના જીવનકાળ દરમિયાન શબ્દશઃ હજારો પોસ્ટકાર્ડો લખ્યાં હશે! તેમાં વળી બંનેમાં એક બીજી સમાનતા પણ ખરી : બંને ધારાવાહિક સ્વરૂપમાં પણ પોસ્ટકાર્ડો લખતા, અર્થાત્, એક પોસ્ટકાર્ડમાં વાત પૂરી ન થાય તો બીજો, ત્રીજો, ચોથો એમ શ્રેણીબદ્ધ રીતે તેઓ પોસ્ટકાર્ડ લખતા! જોકે તેઓ તો ભૂતકાળ બની ગયા.

હકીકતે બધા પ્રકારના પત્રો લખવાનું વલણ લોકોમાંથી ઓસરતું જાય છે. એટલો સમય જ કોની પાસે છે? એના કરતાં ફોનનું ચકરડું ઘુમાવવું સહેલું પડે! પત્રલેખન કળાનાં વળતાં પાણી આરંભાઈ ચૂક્યાં છે.